દરરોજ દહીં ખાઓ છો તમે?

03 June, 2024 11:57 AM IST  |  Mumbai | Ruchita Shah

જવાબ જો હા હોય તો આજનો આ લેખ તમારા માટે જ છે.

પ્રતીકાત્મક તસવીર

દહીં સ્વાસ્થ્યવર્ધક છે અને દરરોજ ખાવું જ જોઈએ એવું આપણે સાંભળતા આવ્યા છીએ, પરંતુ હાલમાં સોશ્યલ મીડિયા પર ચેન્નઈના એક ડૉક્ટરે દાવો કર્યો છે કે દહીં રોજ-રોજ ખાવાની વસ્તુ નથી અને એને ખાવાની રીત બરાબર પળાય નહીં તો એ ધમનીઓમાં બ્લૉકેજિસથી લઈને અન્ય અનેક શારીરિક સમસ્યા લાવી શકે છે. સોશ્યલ મીડિયા પર ખૂબ ચગેલી આ વાત પાછળની સચ્ચાઈ જાણવા અમે આયુર્વેદ નિષ્ણાત અને ડાયટિશ્યન સાથે કરેલી વાતો પ્રસ્તુત છે

દહીં આપણી ડાયટ-સિસ્ટમનો બહુ જ મહત્ત્વનો હિસ્સો છે અને એમાં પણ છેલ્લા થોડાક અરસામાં ગટ હેલ્થ માટે ગુડ બૅક્ટેરિયાની જરૂરિયાત વિશે પણ જાગૃતિ આવી છે અને લોકો એક નિર્દોષ આહાર તરીકે દહીં ખાતા થયા છે. જોકે થોડાક સમય પહેલાં સોશ્યલ મીડિયા પર ચેન્નઈના એક ડૉક્ટરે મૂકેલી પોસ્ટને કારણે દહીં અત્યારે ચર્ચામાં છે. કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન, સોડિયમ, વિટામિન્સ અને મિનરલ્સથી યુક્ત એવા દહીં માટે ડૉ. કવિતા દેવ નામનાં ડૉક્ટરે લખ્યું કે દરરોજ દહીં ખાવાથી એ હેલ્થને બગાડવાનું કામ કરી શકે. રાતે દહીં ખાવાથી કફ વધી જશે અને શરદી તથા અપચો થવાના ચાન્સ રહેશે. દરરોજ દહીં ખાનારાઓની નસોમાં બ્લૉકેજિસ થઈ શકે છે એવું લખનારાં આ ડૉક્ટરે અઠવાડિયામાં એક કે બે જ વાર અને ગરમ કર્યા વિનાનું ઓછી ક્વૉન્ટિટીમાં દહીં ખાવાની સલાહ આપી છે. જોકે આ પોસ્ટે સોશ્યલ મીડિયા પર એક જુદા જ પ્રકારની કૉન્ટ્રોવર્સી ઊભી કરી દીધી. કોઈકે લખ્યું કે ‘મોટા ભાગના સાઉથ ઇન્ડિયન સદીઓથી દરરોજ રાતના સમયે દહીં ખાતા આવ્યા છે અને અચાનક કહેવાતા જ્ઞાનીઓ આવીને દહીંને બદનામ કરી જાય છે.’ જેના જવાબમાં બીજા એક સોશ્યલ મીડિયા યુઝરે લખ્યું, ‘આ કોઈ બનાવટી જ્ઞાન નથી. મને વર્ષના છ મહિના શરદી રહેતી હતી. જ્યારથી રાતના સમયે દહીં ખાવાનું બંધ કર્યું છે ત્યારથી મારો કફ ગાયબ થઈ ગયો.’ વળી બીજા એક યુઝરે પોતાનો અનુભવ કહેતાં એમ લખ્યું છે કે ‘છેલ્લાં ૪૬ વર્ષથી દરરોજ દિવસના ત્રણ ટાઇમ દહીં ખાધા પછી પણ મને કંઈ થયું નથી. મારા ડૉક્ટરે પણ દહીં ખાવાનું બંધ કરવા વિશે કંઈ ક્યારેય કહ્યું નથી. લોકો આજે પ્રોબાયોટિક પાછળ પૈસા ખર્ચી રહ્યા છે, જ્યારે દહીં એકમાત્ર પ્રોબાયોટિક છે જેની અત્યારે સર્વાધિક જરૂર છે.’

ઇન્ટરનેટ પર શરૂ થયેલી આ ડિબેટમાં કોણ સાચું અને કોણ ખોટું એમાં પડવા કરતાં આ ક્ષેત્રના નિષ્ણાતો સાથે અમે વાત કરીને જાણવાના પ્રયત્ન કર્યા કે દહીંને ખાવાની સાચી રીત શું અને દહીં ખાવાનું પ્રમાણ અને સમય કયાં હોવાં જોઈએ. જોકે એમાં પણ અમને આયુર્વેદ નિષ્ણાત અને મૉડર્ન મેડિસિનના આધારે પ્રૅક્ટિસ કરતા ડાયટિશ્યન પાસેથી જુદો મત જ જાણવા મળ્યો. એ બન્ને મત પ્રસ્તુત છે. કેટલું દહીં ખાવું અને ક્યારે ખાવું એ માટેના આ બન્ને નિષ્ણાતોએ આપેલા પ્રતિભાવો અહીં પ્રસ્તુત છે. તમે તમારા પ્રત્યક્ષ અનુભવો અને વાતના ઊંડાણના આધારે દહીં ખાવામાં કઈ કાળજી રાખવી એનો નિર્ણય લઈ શકો છો.

આયુર્વેદનો દૃષ્ટિકોણ

આયુર્વેદમાં પણ દહીં લાભકારી હોવાનું કહેવાયું છે, પરંતુ એ ખાવાની અમુક ચોક્કસ પદ્ધતિ અને સમયગાળો પણ આપવામાં આવ્યો છે. છેલ્લાં સોળ વર્ષની આયુર્વેદના પ્રૅક્ટિશનર તરીકે સક્રિય ડૉ. કમલેશ ભોગાયતા કહે છે, ‘એમાં સહેજ પણ બેમત નથી કે દહીંના હેલ્થ બેનિફિટ્સ નથી. આયુર્વેદમાં દહીંને પવિત્ર, શુભ અને મંગલકારી માનવામાં આવ્યું છે. બાળકોના સ્વાસ્થ્ય માટે દહીં જરૂરી છે, જે બ્રેઇન ટૉનિકનું કામ કરે છે. એટલે જ સારા કાર્યમાં દહીંનો પ્રયોગ થાય છે. ઘરની બહાર નીકળતાં પહેલાં એક ચમચી સાકરવાળું દહીં ખવડાવવામાં આવે છે. જોકે એના અનુપાનના નિયમોનું બરાબર પાલન કરો તો દહીંનો મૅક્સિમમ ઉપયોગ કરી શકાય. આયુર્વેદમાં દહીંને પવિત્ર, શુભ અને મંગલકારી માનવામાં આવ્યું છે. એટલે જ સારા કાર્યમાં દહીંનો પ્રયોગ થાય છે. ઘરની બહાર નીકળતાં પહેલાં એક ચમચી સાકરવાળું દહીં ખવડાવવામાં આવે છે. જોકે એના અનુપાનના નિયમોનું બરાબર પાલન કરો તો દહીંનો મૅક્સિમમ ઉપયોગ કરી શકાય. પેટની હેલ્થ માટે, બહેતર પાચન માટે દહીં જરૂરી છે અને આંતરડામાં ફ્રેન્ડ્લી બૅક્ટેરિયાની અનુકૂળતા માટે દહીં જરૂરી છે, પરંતુ સાથોસાથ દહીંને બારેય માસ ન ખવાય એવું પણ કહેવાયું છે. આયુર્વેદની દૃષ્ટિએ ગ્રીષ્મ અને શરદ ઋતુમાં દહીં ખાવાની મનાઈ છે. આયુર્વેદમાં ઋતુચક્રને છ ઋતુઓમાં વિભાજિત કરાયું છે, જેમાંથી ચાર ઋતુમાં દહીં ખાઈ શકાય પણ ગ્રીષ્મ એટલે કે લગભગ એપ્રિલ અને મે મહિનામાં દહીં ખાવાની મનાઈ છે. સપ્ટેમ્બર અને ઑક્ટોબર મહિનામાં શરદ ઋતુ આવતી હોય છે. એવી જ રીતે સાયંકાળે એટલે કે સાંજના સમયે પણ દહીં ન ખાવાનું આયુર્વેદમાં કહેવાયું છે. ઈવન સવારના નાસ્તાના સમયે પણ દહીં ન ખાવું. દહીં બપોરના સમયે અને વધુમાં વધુ એક વાટકી જેટલું ખાઈ શકાય. બીજી વાત, દહીં અતિપક્વ અથવા અપક્વ ન હોવું જોઈએ. અતિપક્વ દહીં ખાટું થઈ ગયું હોય છે અને અપક્વ દહીં ઘણી વાર મીઠું લાગતું હોય છે. તાજું અને મોળું દહીં જ ખવાય.’

આયુર્વેદમાં દહીં શેની સાથે ખાવું એના પણ બહુ જ મહત્ત્વના નિયમો છે. વૈદ્ય કમલેશ કહે છે, ‘આપણે ત્યાં દહીં તિખારીની પૉપ્યુલર છે એ આયુર્વેદની દૃષ્ટિએ તદ્દન અનહેલ્ધી છે. દહીંને ગરમ કરીને ક્યારેય ન ખવાય. દહીંનું રાઈતું બને છે, જેમાં ચણાની દાળની બુંદી નખાય છે કે મીઠું-મરચું નખાય છે એ પણ અનહેલ્ધી ઑપ્શન છે. દહીંનું સેવન કોની સાથે કરાય એના માટે આયુર્વેદમાં એક અલાયદું લિસ્ટ છે. તમે મધ, ઘી, સાકર, આમળાનું ચૂર્ણ, મગની દાળ જેવી સાત વસ્તુઓ છે જેની સાથે દહીં ખાઈ શકો. જેમની પાચનશક્તિ નબળી હોય એ લોકોએ દહીંમસ્તુ એટલે કે દહીં ઉપરનું જે પાણી હોય એ પીવું જોઈએ. જેમને વજન વધારવું હોય, જેમને સ્પર્મ કાઉન્ટ્સ વધારવા હોય જેને આયુર્વેદમાં વૃષ્ય અને બૃહણ કર્મ કહેવાય છે તેમણે દહીંનું પાણી અને મલાઈ કાઢી લીધા પછીનો જે ભાગ વધે એ આરોગવું જોઈએ. દહીંની માત્રા પણ મહત્ત્વની છે. દહીંમાં અભિષ્યંદી ગુણ છે એટલે કે દહીંને વધુ પ્રમાણમાં ખાઓ અને એ તમારી પ્રકૃતિને અનુકૂળ ન હોય તો તમારી રક્તવાહિનીઓને બ્લૉક કરી શકે. એ ઉપરાંત સાંધામાં સોજા આવે, સ્કિન ડિસીઝ થાય, પેટની સમસ્યા થાય, ઍસિડિટી વગેરે થાય. અમુક રોગો તો એવા છે કે જેમણે બારેય માસ દહીં ન ખાવું જોઈએ. સ્થૂળતા અને ડાયાબિટીઝના દરદીઓ માટે દહીં કાયમી નિષેધ છે. હાઈ બ્લડ-પ્રેશર અને હૃદયરોગીઓ, ત્વચારોગીઓ, ગઠિયો વા હોય અથવા શરીરમાં ક્યાંય પણ બ્લીડિંગ થતું હોય તેમના માટે પણ દહીં અનુકૂળ આહાર નથી.’

૩૫ વર્ષનાં અનુભવી ડાયટિશ્યન શું કહે છે?

ડાયટિશ્યન કલ્પના શાહ

લીલાવતી હૉસ્પિટલમાં ચીફ ડાયટિશ્યન તરીકે કામ કરી ચૂકેલાં અને હવે પ્રાઇવેટ પ્રૅક્ટિસ કરતાં કલ્પના શાહ દહીં ખાવા વિશે બહુ સ્પષ્ટતાપૂર્વક કહે છે, ‘દહીં બેસ્ટ પ્રોબાયોટિક છે. લૅક્ટો બેસિલિસ નામના બૅક્ટેરિયા દહીંમાં હોય છે, જે તમારા શરીર માટે ખૂબ જરૂરી છે. દરરોજ દહીં ખાઓ એ તો બહુ સારી બાબત કહેવાય. અફકોર્સ ગાયના દૂધમાંથી બનેલું દહીં ખાશો તો એ વધારે હેલ્ધી પર્યાય છે. દહીં ખાવાની બાબતમાં એટલું કહી શકું કે જેને કફ અને કોલ્ડ જલદી થઈ જતાં હોય એ લોકોએ રાતે દહીં અવૉઇડ કરવું, પણ બાકી બધા તેમને જ્યારે મન ફાવે ત્યારે પ્રમાણસર દહીં ખાઈ શકે. મારી દૃષ્ટિએ સવાર અને સાંજ એક વાટકી જેટલું દહીં ખાઓ તો એમાં કંઈ જ ખરાબ નથી. કોઈ બ્લૉકેજિસ દહીંને કારણે ન થાય. ઇન ફૅક્ટ, દહીં ફર્સ્ટ કલાસ પ્રોટીન છે અને એમાં બહુ બધાં અમીનો ઍસિડ છે એટલે એ જરૂરી છે.’

આ સીઝનમાં છાશ પિવાય, પણ કેવી?

દૂધમાંથી જ દહીં, છાશ, ઘી અને માખણ બને છે; પણ દરેકની પ્રકૃતિ અને લાભ જુદા છે. દહીં માટેના જે નિયમો છે એ છાશ માટે જુદા પડે છે. અત્યારની જે ગરમી છે એમાં દહીં ન ખવાય, પરંતુ દહીંની માત્રા સામે છગણું પાણી ઉમેરીને બનતી છાશ આ સીઝનમાં લો તો એ લાભકારી છે એમ જણાવીને વૈદ્ય કમલેશ ભોગાયતા કહે છે, ‘ભલે દહીં ઘોળીને જ છાશ બનાવો છો છતાં દહીંની તુલનાએ છાશના નિયમો જુદા છે. દહીંમાં તમે ચારગણું, છગણું, આઠગણું પાણી નાખો એમ છાશની ઉપયોગિતા બદલાય. સામાન્ય રીતે દહીંમાં છગણું પાણી નાખો એ છાશ વધુ લોકો માટે અનુકૂળ છે, જેને આયુર્વેદમાં છચ્છીકા કહેવાય છે. છાશમાં પણ વ્યક્તિની પ્રકૃતિ અને ઋતુ પ્રમાણે મસાલા નાખવાના હોય છે. છાશ હંમેશાં બપોરના સમયે અને ભોજન પછી જ પીવી જોઈએ. છાશને નમક અને જીરાને બદલે આ સીઝનમાં સાકર સાથે પીવી જોઈએ.’

health tips life and style columnists ruchita shah