સાંધામાં યુરિક ઍસિડ જમા થતો હોય તો કેળાં ને ચીકુને દૂરથી જ નમસ્કાર કરજો

17 April, 2023 03:35 PM IST  |  Mumbai | Sejal Patel

પુરુષોમાં ગાઉટ એટલે કે સાંધામાં યુરિક ઍસિડ જમા થવાની સમસ્યા સ્ત્રીઓની સરખામણીએ વધુ જોવા મળે છે. આનાં કારણો શું? એને નિવારવા માટે કેવી પરેજી અને ઉપચારો થઈ શકે એ જાણીએ

પ્રતીકાત્મક તસવીર

અમુક સમસ્યાઓ પુરુષોમાં વધુ અને સ્ત્રીઓમાં ઓછી જોવા મળે છે. બ્લડ-પ્રેશર સ્ત્રીઓ કરતાં પુરુષોમાં વધુ જોવા મળે છે. આમવાત પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે અને એ જ રીતે સાંધાઓમાં યુરિક ઍસિડ જમા થવાની સમસ્યા પણ પુરુષોમાં વધુ જોવા મળે છે. આવું થવાનું કારણ સમજાવતાં ગોરેગામના આયુર્વેદ નિષ્ણાત ડૉ. નીતિન કોચર કહે છે, ‘પુરુષો મન અને શરીરથી કઠિન હોય, જ્યારે સ્ત્રીઓમાં ઈસ્ટ્રોજન હૉર્મોનને કારણે મન-શરીરની કોમળતા વધુ હોય. એ જ કારણોસર તેમની બ્લડ વેસલ્સ પણ કોમળ હોવાથી બીપીની સમસ્યા ઓછી હોય. જોકે મેનોપૉઝ વખતે ઈસ્ટ્રોજનમાં ઘટાડો થતાં તેમને પણ બીપીની સમસ્યા થવાનું જોખમ વધી જાય. એવી જ રીતે પુરુષોની ધમનીઓમાં કઠિનતા વધુ હોય છે. તેમના શરીરમાં સેલ્યુલર ટર્નઓવરનું પ્રમાણ પણ વધુ હોય છે. વળી સ્મોકિંગ, સ્ટ્રેસ, આલ્કોહૉલની આદત પણ પુરુષોને યુરિક ઍસિડની જમાવટ થાય છે. ન્યુક્લિઇક ઍસિડ બ્રેકડાઉન થાય તો યુરિક ઍસિડ વધુ બને, જે સાંધાઓમાં જમા થાય છે. સ્ત્રીઓમાં વારતહેવારે ઉપવાસ કરવાની આદત હોય છે જ્યારે પુરુષોમાં એ ઓછું જોવા મળે છે જેને કારણે શરીરની આંતરિક શુદ્ધિ ઓછી થાય છે.’

મોટા ભાગે યુરિક ઍસિડ પગના અંગૂઠાના સાંધામાં જમા થવાનું પ્રમાણ વધુ હોય છે અને જ્યારે પણ ખોરાકમાં ધ્યાન ન રખાય, સ્ટ્રેસનું પ્રમાણ વધી જાય, ઊંઘ ઓછી મળે ત્યારે યુરિક ઍસિડનું પ્રોડક્શન વધી જાય છે અને ગુરુત્વાકર્ષણને કારણે એ શરીરના છેવાડાના અને લટકતા રહેતા સાંધાઓમાં જમા થાય છે. 

શું કરવાથી ઘટે? | યુરિક ઍસિડ એક વાર જમા થઈ જાય તો એ ડાઇલ્યુટ થઈને યુરિન વાટે નીકળી જાય એ માટે ડાયટ સૌથી વધુ મહત્ત્વનો ભાગ ભજવે છે એમ જણાવતાં ડૉ. નીતિન કોચર કહે છે, ‘ગાઉટના દરદીઓએ રોજ એકથી બે દેશી કાકડી ખાવાનું રાખવું. ગાજર અને બાફેલાં બટાટા પણ બેસ્ટ છે. એનાથી યુરિક ઍસિડ બાઇન્ડ થઈને ફ્લશઆઉટ થઈ જાય છે. લીંબુની ખટાશથી યુરિક ઍસિડ વધી શકે છે, પણ આમલી અને કોકમની ચટણી અળવીના પાન સાથે લેવામાં આવે તો યુરિક ઍસિડ ઘટે છે. પાઇનૅપલ ખાવાથી પણ ઍસિડ ફ્લશ આઉટ થવાનું પ્રમાણ સુધરે છે.’

આ પણ વાંચો  : પાર્કિન્સન્સના દરદીઓ માટે મુંબઈમાં થવા જઈ રહ્યો છે આશાસ્પદ પાઇલટ સ્ટડી

શાનાથી વધે? | થયા પછી કઈ રીતે જમા થયેલો યુરિક ઍસિડ ઘટે છે એ જેટલું જાણવું જરૂરી છે એનાથી વધુ મહત્ત્વનું છે કઈ ચીજો ખાવાથી એનું પ્રોડક્શન વકરી શકે છે. એ માટે પરેજી સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. મુખ્ય પરેજી વિશે ડૉ. નીતિન કહે છે, ‘જો તમને યુરિક ઍસિડ જમા થવાની સમસ્યા છે એવી ખબર પડે એટલે તમારા ડાયટમાંથી સૌથી પહેલાં જ અથાણાં અને જાતજાતનાં પ્રિઝર્વેટિવ્સ નાખેલાં સૉસિસ અને કેચપની બાદબાકી કરી નાખવાની. કેળાં, ચીકુ અને સીતાફળ પણ લેવાનું ટાળવું. સ્ટ્રૉન્ગ ચા-કૉફી પીવાનું મર્યાદિત કરવું અને એ પણ સ્ટ્રૉન્ગ ન હોવા જોઈએ. નૉનવેજ અને એગ્સને કારણે યુરિક ઍસિડ ખૂબ સ્પાઇક થાય છે એટલે જો લેતા હો તો એને પણ બંધ કરવાં. પચવામાં ભારે હોય એવાં કઠોળ અને દાળ બંધ. તુવેરની દાળ તો નહીં જ લેવી.’

આયુર્વેદિક સારવારમાં શું? | મૉડર્ન મેડિસિનમાં વિટામિન સીની ગોળીઓ તેમ જ યુરિક ઍસિડને ફ્લશ આઉટ કરવા માટેનાં ઇન્જેક્શનો આપવામાં આવે છે, પણ એ ટેમ્પરરી અને તત્કાલીન લક્ષણોથી રાહત આપે છે. આયુર્વેદની દૃષ્ટિએ શું-શું થઈ શકે એ સમજાવતાં ડૉ. નીતિન કોચર કહે છે, ‘દરદીની તાસીર મુજબ ગોક્ષુરાદિ ગૂગળ, શતાવરી, મંજિષ્ઠાદિ ક્વાથ જેવી ચીજોનો પ્રયોગ કરી શકાય. ગાઉટ માટે કોકિલાક્ષ એટલે તાલમખાનાનાં બીજ આવે છે એનો પાઉડર આપી શકાય. ગાઉટ ખૂબ વધારે હોય તો પંચકર્મમાં બસ્તિ પણ આપી શકાય. અમે એરંડમૂળ, દશમૂળ અને ગળોનો ઉકાળો બનાવીને નિરુહ બસ્તિ આપીએ. શતાવરી કે બલાના તેલથી અનુવાસન બસ્તિ પણ આપી શકાય. ધમાસો અને સારિવા જેવી ઔષધો પણ દરદીનાં લક્ષણોને આધારે વાપરી શકાય.’

આટલા ડૂઝ અને ડોન્ટ્સ યાદ રાખજો

 વજન વધારે હોય તો ઓછું કરવું જરૂરી છે. પણ વજન ઝડપથી ઘટે નહીં એનું ધ્યાન રાખવું. મસલ માસ ઘટશે તો યુરિક ઍસિડ વધશે. 

 ફેડ ડાયટમાં પ્રોટીનનો ઓવરડોઝ ન કરવો. 

 ગાઉટની જગ્યા પર મસાજ કદી ન કરવો.  

 રોજનું ત્રણ લિટર પાણી પીવું મસ્ટ છે.

 સ્ટ્રેસ ગાઉટનું કારણ છે. રાતની ઊંઘ જરૂરી છે. 

 સફેદ કોળાનો જૂસ કે સૂપ લેવો. 

 ‍તકમરિયાં પલાળીને લઈ શકાય.

columnists health tips sejal patel life and style