દીકરીનું વજન વધતાં અસ્થમા વકર્યો છે

18 August, 2023 04:49 PM IST  |  Mumbai | Dr. Pankaj Parekh

ઓબેસિટી બાળકમાં હોય કે પુખ્તોમાં, એ બન્ને માટે હાનિકારક છે જ.

પ્રતીકાત્મક તસવીર

મારી દીકરી ૯ વર્ષની છે. તે નાની હતી ત્યારથી તેને શ્વાસની તકલીફ થતી હતી. બે વાર બ્રોન્કાઇટિસ થઈ ચૂક્યો છે અને હવે તો અસ્થમાની અસર થઈ રહી છે. સમસ્યા એ છે કે છેલ્લાં બે વર્ષમાં તેનું વજન ખૂબ જ વધી ગયું છે. તેને એલર્જી પણ વારંવાર થઈ જાય છે અને એટલે વારંવાર નાક વહેતું રહે. ડૉક્ટરનું કહેવું છે કે વજન વધવાથી આમ થયું છે. તેને સ્પોર્ટ્સ ટ્રેઇનિંગ માટે મોકલીએ છીએ તો હાંફી જાય છે અને શ્વાસની તકલીફ વધુ થાય છે. આવામાં વજન ઘટાડવું કઈ રીતે? 
 
ઓબેસિટી બાળકમાં હોય કે પુખ્તોમાં, એ બન્ને માટે હાનિકારક છે જ. એનાથી હાર્ટ અને ફેફસાં પર પણ વધુ જોર પડે છે. એટલે મેદસ્વિતાને કારણે પણ બાળકોમાં ઘણી વાર શ્વાસનળીમાં ભરાવો કે શ્વાસની તકલીફ વકરતી હોય છે. પહેલેથી દીકરીને શ્વાસની તકલીફ હતી અને હવે વજન વધ્યું છે તો આ તકલીફ વધવાની જ છે.

અસ્થમાને કન્ટ્રોલ કરવા માટે એની એલર્જીને કન્ટ્રોલ કરવી જેટલી જરૂરી છે એટલી જ એની ઓબેસિટીને પણ. વજન ઉતારવાથી શરીર હલકું બનશે અને ફેફસાં પર ભાર ઓછો થશે જેને લીધે એની પરિસ્થિતિ સુધરશે. જોકે અત્યારે વજન વધારે છે ત્યારે તેને એક્સરસાઇઝ કે સ્પોર્ટ્સમાં નાખશો તો શ્વાસની સમસ્યાને લીધે તે એક્સરસાઇઝ નહીં કરી શકે અને બેઠાડું જીવન વધશે જેને લીધે વજન વધશે અને ફેફસાંની હાલત વધુ ખરાબ થશે. આ વસ્તુના ઉપાય સ્વરૂપે એના ડાયટ પર ધ્યાન આપો. એક્સરસાઇઝ ભલે ઓછી કરે, પરંતુ ડાયટથી એનું વજન ઓછું કરવું જરૂરી છે. જેમ મોટા લોકોમાં વજન ઓછું કરવું અઘરું છે એમ બાળકોમાં વજન ઓછું કરવું ખૂબ અઘરું છે. માત્ર તેને સમજાવવાથી કામ નહીં બને.

એ માટે થઈને તમારે ઘરનો માહોલ જ હેલ્ધી ઇટિંગનો કરી દેવો જરૂરી છે. બૅલૅન્સ્ડ અને હેલ્ધી ફૂડ જો ઘરના બધા જ લોકો ખાતા હશે તો દીકરીને પણ એમ કરવામાં વધુ મુશ્કેલી નહીં નડે. એટલું યાદ રાખો કે વજન ઘટાડવાનું છે, તેને મળતું ન્યુટ્રિશન નહીં. આ ગ્રોઇંગ એજ છે એમાં પૂરતું પોષણ જરૂરી છે. એક વાર વજનમાં થોડોક ફરક દેખાય એટલે તેની સાથે હળવી સ્પોર્ટ્સ, રનિંગ-જૉગિંગ, સાઇક્લિંગ જેવું શરૂ કરાવી શકાય.

health tips life and style columnists