હાર્ટના દરદીને ખરાબ ન્યુઝ ન આપી શકાય?

28 February, 2024 08:03 AM IST  |  Mumbai | Dr. Bipeenchandra Bhamre

તમને ખૂબ ડર લાગતો હોય તો ધીમે-ધીમે કહીને જુઓ. હાર્ટના દરદી છે એટલે ઘરના દરેક પ્રૉબ્લેમથી દૂર રાખવા એવો કોઈ નિયમ નથી.

પ્રતીકાત્મક તસવીર

મારા પિતા ૭૦ વર્ષના છે અને તેમને એક હાર્ટ-અટૅક આવી ગયો છે. જોકે અમે એ સમયે જ બાયપાસ કરાવી લીધી હતી. હાલમાં મારાં મમ્મીને કિડનીનો પ્રૉબ્લેમ થયો છે, પરંતુ હજી સુધી અમે પપ્પાને કહ્યું નથી. છેલ્લાં ત્રણ વર્ષથી અમે તેમનું એવું ધ્યાન રાખીએ છીએ કે તે હાર્ટ-પેશન્ટ છે તો અમે તેમને સ્ટ્રેસથી દૂર રાખીએ છીએ. જોકે શું ખરેખર એવું હોય? શું તેમને ઇમોશનલી કોઈ ખરાબ ન્યુઝ આપ્યા તો ફરીથી અટૅક આવી શકે? સ્ટ્રેસ અને હાર્ટ-અટૅકને શું સીધો સંબંધ છે?
    
સંબંધ તો છે, પણ આટલું ડરીને રહેવાની જરૂર નથી. શરીરમાં જ્યારે સ્ટ્રેસ થાય ત્યારે હૃદયના ધબકારા ખૂબ વધી જાય છે અને એની રિધમ ખોરવાય છે, બ્લડ-પ્રેશર ઊંચું આવે છે, પેટમાંનો ઍસિડ વધે છે જેને કારણે પેટમાં દુખાવો, અપચો અને છાતીમાં બળતરા થઈ શકે છે. આ ઉપરાંત સ્નાયુઓમાં ટેન્શન વધે છે જેને કારણે માથાનો દુખાવો, ગરદન અને પીઠનો દુખાવો પણ થાય છે. સ્ટ્રેસને કારણે શ્વાસ ટૂંકા થઈ જાય છે, લોહી જાડું બને છે અને ક્લૉટિંગની શક્યતા વધે છે. આમ સ્ટ્રેસને અટૅક સાથે લેવાદેવા છે ખરી.

ફિલ્મોમાં આપણે અવારનવાર જોઈએ છીએ કે એક વ્યક્તિને કોઈના મોતના કે કોઈ દુખદ સમાચાર આપવામાં આવે ત્યારે તેની છાતી પર ભીંસ આવે અને તેને હાર્ટ-અટૅક તરત જ આવે અને તેને હૉ​સ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ ડૉક્ટર કહે કે તે માંડ બચ્યા છે એટલે હવે તેમનું ખાસ ધ્યાન રાખજો. તમને લાગે કે આ રીતે શું કોઈને અટૅક આવી શકે? જ્યારે કોઈ વ્યક્તિને પહેલેથી જ નળીઓમાં બ્લૉકેજ હોય ત્યારે તે વ્યક્તિને એકદમ ચોંકાવનારા કોઈ ખબર આપવામાં આવે ત્યારે તેના બ્લડ-પ્રેશર પર અસર થાય છે અને તેને હાર્ટ-અટૅક આવી શકે છે. એક વાર હાર્ટ-અટૅક આવી ગયો અને એની ટ્રીટમેન્ટ થઈ ગયા પછી તમારી જેમ ઘણા લોકો માનતા હોય છે કે હાર્ટના પેશન્ટ છે એટલે તેમને કોઈ પણ પ્રકારના ઇમોશનલ પ્રૉબ્લેમ્સથી બચાવવા જરૂરી છે, કારણ કે તેમનું હૃદય વધુ ટ્રૉમા સહન નહીં કરી શકે એ વાત યોગ્ય નથી. એક વખત ટ્રીટમેન્ટ થઈ ગયા પછી તે નૉર્મલ હેલ્ધી માણસ જ છે એટલે એવું ખાસ ધ્યાન રાખવાની જરૂર હોતી નથી. તમારા પિતાની બાયપાસ સર્જરી થઈ છે. તેમને આટલી આળપંપાળની જરૂર નથી. તેમને તમે દરેક વસ્તુ કહી શકો છો. તમને ખૂબ ડર લાગતો હોય તો ધીમે-ધીમે કહીને જુઓ. હાર્ટના દરદી છે એટલે ઘરના દરેક પ્રૉબ્લેમથી દૂર રાખવા એવો કોઈ નિયમ નથી. એની જરૂર પણ નથી.

columnists health tips