દુખાવો ન થતો હોવા છતાં દાંત પડી ગયો

11 September, 2023 04:20 PM IST  |  Mumbai | Dr. Rajesh Kamdar

દાંત માટે એક બહુ ખોટી માન્યતા લોકોમાં છે

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૩૯ વર્ષ છે. થોડા મહિના પહેલાં સવારે હું જ્યારે બ્રશ કરીને થૂંકું ત્યારે સાથે લોહી પણ પડતું હતું. જોકે મને દાંતમાં દુખાવો નહોતો થતો એટલે બહુ ગણકાર્યું નહીં. દિવસમાં બે વાર બ્રશ કરવાનું રાખતો. જોકે એ પછી મને ડાબી બાજુનો કેનાઇન દાંત હલતો હોય એવું લાગતું હતું. અગેઇન દુખતું નહોતું એટલે મેં કંઈ કર્યું નહીં, પણ થોડા દિવસ પહેલાં અચાનક જ વડાપાંઉનો મોટો બાઇટ લીધો ત્યારે ચાવતી વખતે એ દાંત પડી ગયો. નવાઈની વાત એ છે કે મને જરાય દુખાવો પણ ન થયો. અલબત્ત, હવે મને એની બાજુનો બીજો દાંત પણ સહેજ હલતો હોય એવું લાગે છે. એ દાંતની આસપાસ અવાળું ફૂલી ગયેલું લાગે છે. મને ચિંતા એ છે કે આ પણ એમ જ દુખાવા વિના પડી તો નહીં જાયને? 
  
દાંત માટે એક બહુ ખોટી માન્યતા લોકોમાં છે. દુખે તો જ ડૉક્ટરને બતાવવાનું. બાકી દાંત, પેઢામાં ચાહે કંઈ પણ થઈ જાય એને ચલાવી લેવાનું. તમને ઘણા સમય પહેલાં જ સિગ્નલ મળી ચૂક્યાં હતાં કે તમારા દાંતમાં કંઈક તકલીફ છે. માત્ર દુખાવો નહોતો થતો એટલે તમે ઇગ્નૉર કર્યા કર્યું. જ્યારે દાંત લૂઝ થઈને હલવા માંડે એટલી હદે ડૅમેજ થઈ ગયો ત્યારે પણ તમે દુખાવો થાય તો ડૉક્ટરને બતાવવું એની રાહ જોતા રહ્યા. દાંત માટે આ અપ્રોચ જરાય ઠીક નથી.

એક વાત કહી દઉં કે ભગવાને આપણને ૨૮ દાંત આપ્યા છે અને એ દરેક દાંતનું પોતાનું આગવું કામ છે. એક દાંત પડી જશે તો શું એવો અભિગમ ન રાખવો. કેમ કે દાંત ગયા પછી પાછો નથી આવતો. હાથી જેવો હાથી પણ બોખો થઈ જાય તો પોષણના અભાવે મરણતોલ થઈ જાય છે એટલે તમારા શરીરની અને એને મળતા પોષણની સ્વસ્થતા માટે દાંત અને પેઢાંનું માળખું સુદૃઢ રહે એ બહુ જરૂરી છે.

૩૯ વર્ષની ઉંમરે એમ જ પેઢાં નબળાં થવાથી દાંત પડી જાય એ ચિંતાજનક છે. તમારે તાત્કાલિક ડેન્ટિસ્ટને બતાવવું જોઈએ. પેઢાંમાં કોઈ તકલીફ હોય તો જ આવું સંભવ છે. પેઢાંની સમસ્યાની આ શરૂઆત જ છે ત્યારે એની બીજા દાંતો પર આડઅસર ન પડે એ માટે પ્રિવેન્ટિવ સારવાર કરાવવી જરૂરી છે. 

health tips life and style columnists