ગ્રીન જૂસ ભલે બહુ સારો, પણ પીવામાં ધ્યાન રાખજો

22 October, 2024 09:48 AM IST  |  Mumbai | Laxmi Vanita

સેલિબ્રિટીઝે સોશ્યલ મીડિયા પર શૅર કરેલી રેસિપી જોઈને આપણે ઘરે બનાવતા હોઈએ છીએ. એમાં હેલ્ધી રેસિપી વધારે આકર્ષક લાગતી હોય છે. જોકે તાજેતરમાં વાઇરલ બનેલી અભિનેત્રી ભાગ્યશ્રીની ગ્રીન જૂસ રેસિપી કેટલી હદે ફાયદેમંદ કે નુકસાનકારક છે એ નિષ્ણાત પાસેથી જાણીએ

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

ભાગ્યશ્રીએ તાજેતરમાં ગ્રીન જૂસની રેસિપી શૅર કરીને એને મૅજિકલ ડ્રિન્કનો ટૅગ આપ્યો હતો. જોકે હેલ્થ-એક્સપર્ટ કહે છે કે ગ્રીન જૂસનું આડેધડ સેવન પણ નુકસાન કરી શકે છે. નૅચરલ એટલે સર્વશ્રેષ્ઠ જ હોય એવું માનવામાં પણ સભાનતા જરૂરી છે. કઈ વસ્તુ નૅચરલી સારી છે અને કઈ નૅચરલ વસ્તુમાં ફેરફાર જરૂરી છે એનું નૉલેજ હોવું જોઈએ. એમાં પણ હવે શિયાળો શરૂ થવાનો છે એટલે ઠેર-ઠેર કાચાં શાકભાજીના જૂસની લારીઓ પણ ઊભી હશે. વસ્તુઓ કાચી ખાતા હો કે એનો જૂસ બનાવીને પીતા હો ત્યારે શું ધ્યાન રાખવું એ જાણવું પણ મહત્ત્વનું છે.

શરીરની તકલીફમાં વધારો ન કરો

વીસ વર્ષથી ચર્ની રોડ પર પ્રૅક્ટિસ કરતાં આયુર્વેદનિષ્ણાત ડૉ. રુચિરા ગોરડિયા કહે છે, ‘જેમને IBS (ઇરિટેબલ બોવલ સિન્ડ્રૉમ) હોય તેમને ગ્રીન જૂસ નુકસાન કરે છે. જેમને વાયુની કે કફ-પિત્તની પ્રકૃતિ છે તેમના માટે પણ ગ્રીન જૂસ નથી. જેમને બ્લૉટિંગની તકલીફ હોય જેમાં થોડું જમ્યા હો તો પણ પેટ ફૂલી જતું હોય અથવા ડાયેરિયા, મરડો જેવી તકલીફ હોય તેમણે પણ ગ્રીન જૂસ ન લેવો જોઈએ. અમુક લોકોને ગ્રીન જૂસ પીવાથી ઊબકા કે ઊલટી થતાં હોય છે. શરીર ગ્રીન જૂસનો સ્વીકાર ન કરે તો એને અવગણવો જોઈએ, કારણ કે બધાની તાસીરને આ જૂસ માફક નથી આવતો. કાચાં શાકભાજીમાં ઊંચા પ્રમાણમાં ઑક્ઝેલેટ હોય છે. ઑક્ઝેલેટ એટલે એક પ્રકારનું એવું તત્ત્વ જે શરીરમાં જમા થાય છે. એને કારણે એ અમુક કન્ડિશનમાં શરીર માટે ખતરનાક સાબિત થઈ શકે છે અને આંતરડાં તથા કિડનીના ગંભીર રોગ થઈ શકે છે. ઘણી વાર તમે સાંભળ્યું હશે કે કાચાં શાકભાજી ખાવાથી કિડનીમાં સ્ટોન થાય છે. તેથી હવે લોકો પહેલાંની જેમ કાચાં શાકભાજી વગર વિચાર્યે નથી ખાતા.’

શાકભાજી પકાવીને જ ખાવાં જોઈએ

ગ્રીન જૂસમાં મોટા ભાગે લોકો પાલક, બીટ, ફ્લાવર, દૂધી જેવાં કાચાં શાકભાજીનો રસ વજન ઉતારવા કે શરીરનું ડિટૉક્સિફિકેશન કે ડાયાબિટીઝ દૂર કરવા માટે પીતા હોય છે. આયુર્વેદ કહે છે કે કાચાં શાકભાજીનો જૂસ લેવો જ ન જોઈએ એમ જણાવતાં ડૉ. રુચિરા કહે છે, ‘લોકો એવો દાવો કરતા હોય છે કે અમે તો શાકભાજીને સારી રીતે ધોઈને જૂસ બનાવીએ છીએ. જોકે તમે ગમે એ રીતે ધોતા હો, નરી આંખે ન દેખાતી જીવાત રહી જ જતી હોય છે. માનવશરીર કાચા આહારને સારી રીતે પચાવી નથી શકતું એટલે તો આપણે આહારને સારી રીતે પકાવીને ખાઈએ છીએ. ખોરાકને પકાવીને ખાવા પાછળ વૈજ્ઞાનિક કારણો પણ છે. એમાં પણ આપણે શાક બનાવતી વખતે એમાં મરી-મસાલા, તેલ કે ઘી નાખતા હોઈએ છીએ. આ તત્ત્વોને કારણે પાચનતંત્ર પોષક તત્ત્વોને સારી રીતે ઍબ્સૉર્બ કરી શકે છે અને એને શ્રમ નથી પડતો. તેલ એવું દ્રવ્ય છે જે પાચનતંત્રનું કામ સરળ બનાવે છે. તમને ખબર હશે કે સૅલડમાં પણ તેલનું ડ્રેસિંગ નાખવામાં આવતું હોય છે.’

ગ્રીન જૂસ પીતાં પહેલાં આટલું ધ્યાનમાં રાખો

કાચાં શાકભાજીમાં મિનરલ્સ, વિટામિન, ખનિજ એમ બધાં જ સારાં તત્ત્વો છે; પરંતુ જો આપણી સિસ્ટમ પચાવી જ ન શકે તો એનો કોઈ ફાયદો નથી એમ જણાવતાં ડૉ. રુચિરા કહે છે, ‘ગ્રીન જૂસ જેમને લેવો હોય તેમણે ક્વૉન્ટિટીનું ખાસ ધ્યાન રાખવું. એકદમ ઓછા પ્રમાણમાં એ લેવો. ગ્રીન જૂસમાં સંચળ, ફુદીનો, આદું, સૂંઠ, મરીનો પાઉડર, લીંબુ જેવાં પાચક દ્રવ્યોની હાજરી હોવી જરૂરી છે. આ બધાં જ પાચક દ્રવ્યો એકસાથે નહીં પરંતુ તમારી જરૂરિયાત મુજબ નાખવાં.’

health tips life and style columnists