પેડિક્યૉરમાં વપરાતું કેમિકલ ફેફસાંની સફાઈમાં વાપરવાનું?

12 July, 2024 08:18 AM IST  |  Mumbai | Laxmi Vanita

સાઉથની ઍક્ટ્રેસ સમન્થા રુથ પ્રભુએ વાઇરલ ઇન્ફેક્શન માટે હાઇડ્રોજન પેરોક્સાઇડવાળું નેબ્યુલાઇઝેશન લેવું જોઈએ એવી હિમાયત કરતાં સોશ્યલ મીડિયા પર ડિબેટ ફાટી નીકળી છે

સમન્થા રૂથ પ્રભુએ શેર કરેલ પોસ્ટ

કરોડો લોકો સેલિબ્રિટીઝના વિડિયો અને સલાહને અનુસરતા હોય છે. જો તેમની સલાહ લોકોને પ્રેરણા આપવાની હોય તો વાંધો નથી, પરંતુ જે વિષયમાં તેમને જ્ઞાન ન હોય એ વિષય પર ગુરુ બની જાય ત્યારે વિવાદ સર્જાતો હોય છે. કદાચ તમને યાદ ન હોય તો યાદ અપાવી દઈએ કે કોવિડમાં અમેરિકાના એ સમયના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પને એવી ખબર પડી કે લોકો સૅનિટાઇઝરથી હાથ ધુએ તો કોવિડનો વાઇરસ મરી જાય છે. તો જાણકારી વગર તેમણે કહી દીધું કે તો આપણે સૅનિટાઇઝર પી કેમ નથી જતા? હવે આવી વાત સાંભળીને ભલભલાને આંચકો તો લાગે જને! હાલમાં પણ પરિસ્થિતિ કંઈક એવી જ બની છે. અભિનેત્રી સમન્થા રુથ પ્રભુએ શરીરને બહારથી સાફ કરવા માટે વપરાતા રસાયણ હાઇડ્રોજન પેરોક્સાઇડનો શરીરને અંદરથી સાફ કરવા માટે ઉપયોગ કરવાની સલાહ આપી. એટલે મેડિકલ પ્રોફેશનલ્સની આંખો બહાર નીકળી ગઈ. એનું શું કારણ હોઈ શકે? જો આ દવા શરીરની બાહ્ય ત્વચાને સાફ કરી શકે તો આંતરિક ઇન્ફેક્શનને કેમ નહીં? પાયા વગરના સ્ટેટમેન્ટથી વિવાદ સર્જનારી સમન્થાની સલાહ માનવામાં કેવાં-કેવાં જોખમ સમાયેલાં છે એ વિષય પર નિષ્ણાતો સાથે વાત કરીએ.

અતિશય ડેન્જરસ

હિન્દુજા હૉસ્પિટલમાં તેમ જ બોરીવલી અને મલાડમાં ૧૮ વર્ષથી પ્રૅક્ટિસ કરતા ફેફસાંના નિષ્ણાત ડૉ. કિંજલ મોદી કહે છે, ‘સોશ્યલ મીડિયા પર અભિનેત્રી સમન્થા રુથ પ્રભુ દ્વારા મુકાયેલી પોસ્ટમાં એક નહીં પણ ચાર મુદ્દાઓ પર લોકોએ સમજ કેળવવાની જરૂર છે. પહેલું ડિસ્ટિલ્ડ વૉટર, બીજું હાઇડ્રોજન પેરોક્સાઇડ, ત્રીજું નેબ્યુલાઇઝર અને ચોથો મુદ્દો કે ઇન્ફેક્શનમાં એવી કોઈ દવાની જરૂર નથી હોતી. ઇન્ફેક્શન મોં દ્વારા લેવામાં આવતી ચોક્કસ દવાઓથી સારું થઈ જતું હોય છે. વર્ષો જૂની કહેવત છે, શરદી-ખાંસીમાં જો તમે સારવાર લેશો તો સારા થશો અને નહીં લો તો પણ સાંજ સુધીમાં સારા થઈ જશો. સામાન્ય શરદી-ખાંસીમાં લોકો ડૉક્ટર પાસે આવતા પણ નથી હોતા.’

સમન્થા બહુ સારી અભિનેત્રી છે, પરંતુ તેની પાસે મેડિકલ બૅકગ્રાઉન્ડ નથી એમ જણાવીને ડૉ. કિંજલ આગળ કહે છે, ‘તે ઇન્ફ્લુઅન્સર છે અને લોકો માટે બહુ સારું કામ કરી શકે છે પરંતુ ભૂલથી પણ લોકોને ગેરમાર્ગે દોરવાનું ન બને એની ચોકસાઈ તેના સ્થાને પહોંચેલી વ્યક્તિએ રાખવું જોઈએ. તેને હાઇડ્રોજન પેરોક્સાઇડ નેબ્યુલાઇઝરની કોણે સલાહ આપી એ પ્રશ્ન નથી, પણ તે પોતાની મેડિક્લ હિસ્ટરી કે સારવાર આવી રીતે જનતા સાથે શૅર કરે ત્યારે ગેરમાન્યતા ઊભી થઈ શકે છે. અમે અવારનવાર આવા દરદીઓની સારવાર કરતા હોઈએ છીએ જેમણે ખોટી સલાહ માનીને કોઈક અખતરા કે પ્રયોગો કર્યા હોય. કોઈ પણ દવાના નવા પ્રયોગો સફળ થાય તો એ મેડિકલ જર્નલમાં પ્રકાશિત થાય અને ત્યાર બાદ એને પ્રૅક્ટિસમાં આવવામાં પણ સમય લાગતો હોય છે.’

સમસ્યાનું મૂળ શું છે?

હાઇડ્રોજન પેરોક્સાઇડનું રાસાયણિક સૂત્ર H2O2 છે, જે આપણા ખરાબ ઘાને સાફ કરવા માટે કાં તો ઘાની અંદર કચરો ભરાઈ ગયો હોય તો એને બહાર કાઢવા માટે મદદરૂપ થાય છે. એકદમ સાદી ભાષામાં આ રસાયણની ગંભીરતા સમજાવતાં ડૉ. કિંજલ કહે છે, ‘જેમ સોડા ઘરની સફાઈમાં ખૂણામાં ભરાયેલો કચરો સાફ કરે એમ આ રસાયણ શરીરની બાહ્ય ત્વચા માટે કામ કરે છે. મોઢાને ડિસઇન્ફેક્ટ કરવા કે હૉસ્પિટલનાં સર્જિકલ સાધનોને ડિસઇન્ફેક્ટ કરવા માટે વપરાય છે. હવે ડિસ્ટિલ્ડ વૉટર કેવી રીતે હાનિકારક છે? કોઈ પણ પદાર્થ વાપરતાં પહેલાં આપણે એની સાંદ્રતા (એમાં ઍસિડ-મિનરલનું પ્રમાણ) એટલે કે pH  કેટલું છે એ સમજવું પડે. માનવશરીર માટે એની ઍસિડિક સાંદ્રતા કેટલી સહ્ય કે અસહ્ય છે એને ધ્યાનમાં રાખવું પડે. આપણે સાબુ કે શૅમ્પૂના pH વિશે જાણતા હોઈએ, પણ શરીરની પોતાની સાંદ્રતા પણ મહત્ત્વની છે. વ્યક્તિના શરીરમાં જ્યારે પાણી ઓછું થઈ જાય ત્યારે સલાઇન-મીઠાનું પાણી એટલે કે બાટલા ચડાવવામાં આવે છે એનું pH ૧ ટકા કરતાં પણ ઓછું એટલે કે ૦.૯ ટકા જ હોય છે. સાદી ભાષામાં આ મીઠાના પાણીની સાંદ્રતા એવી હોય જે શરીર સહન કરી શકે છે. એટલે જ સલાઇન પાણીનું નેબ્યુલાઇઝર લેવામાં આવે તો શરીર સહન કરી લે, એની આડઅસર ન થાય. પરંતુ H2O22ની સાંદ્રતા શરીર ખમી ન શકે એટલી વધારે હોવાથી એ શરીરમાં હાનિ પહોંચાડે છે.’

ગેરમાન્યતા દૂર કરી લો

નેબ્યુલાઇઝર જેમની શ્વાસનળી સંકોચાતી હોય અને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તે દરદીઓ માટે ઉપયોગમાં લેવામાં આવતું મશીન છે. આ મશીન પ્રવાહી દવાને ફ્યુમ એટલે કે ધુમાડામાં ફેરવે, જે ફેફસાંમાં અંદર જઈને કામ કરે. સામાન્ય ઇન્ફેક્શનમાં કોઈ પણ પ્રકારની સારવારની સલાહ ન આપતાં ડૉ. કિંજલ કહે છે, ‘નેબ્યુલાઇઝર દ્વારા જો શ્વાસનળી ખોલવાની દવા આપી હોય તો તે શ્વાસનળી પર કામ કરે અને જો સોજો ઉતારવાની દવા હોય તો સોજો ઉતારવાનું કામ કરે. સ્વાઇન ફ્લુ, કોવિડ જેવા કેસમાં ઍન્ટિબાયોટિક નેબ્યુલાઇઝરની સારવાર લેવી પડે. બાકી કોઈ પણ મેડિકલ જર્નલ કે ટેક્સ્ટબુકમાં, સંશોધનની ટ્રાયલ્સમાં, કોઈ પણ પ્રકારના કેસ-સ્ટડીમાં હાઇડ્રોજન પેરોક્સાઇડનો ઉપયોગ થયો હોય એવો ઉલ્લેખ નથી. અમુક રોગો જેમ કે ગંભીર અસ્થમાના અટૅક કે ઉંમરના કારણે ગંભીર બીમારીમાં નેબ્યુલાઇઝર આપવામાં આવે છે.’

અખતરાનો ખતરો

ચિંતાની વાત છે કે સમન્થા રુથ પ્રભુના ૩૫ મિલ્યન ફૉલોઅર્સમાંથી જો ૧ ટકા લોકોએ પણ હાઇડ્રોજન પેરોક્સાઇડ નેબ્યુલાઇઝરની સલાહનું અનુસરણ કર્યું તો લોકોને મોટી તકલીફ પડી જશે એવું માનતા ડૉ. કિંજલ કહે છે, ‘આડઅસરમાં શ્વાસનળીમાં સામાન્યથી ગંભીર બળતરા થઈ શકે. ઍક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રૉમ એટલે કે જેમાં શ્વાસોચ્છ્વાસ અતિશય મુશ્કેલ બની જાય છે અને પ્રાણવાયુ શરીરમાં પ્રવેશી ન શકે એવું સંભવ છે. યાદ રહે, આ સિન્ડ્રૉમ જીવલેણ છે અને આવા કેસમાં ૮૦ ટકા લોકો બચતા નથી. એટલે અમુક વ્યક્તિને એની આડઅસર ન થઈ તો સારું થયું પણ બીજા લોકોને આની શું અસર થશે એની આગાહી ન કરી શકાય. જે સારવાર મેડિકલી પણ અપ્રૂવ્ડ નથી એ કોઈને સજેસ્ટ કરવાનું જરાય યોગ્ય નથી.’

health tips columnists gujarati mid-day