વર્કઆઉટ માટે સમય ઓછો મળે તો ડાયટનું ધ્યાન રાખો

27 November, 2023 01:59 PM IST  |  Mumbai | Rashmin Shah

હિન્દી ટેલિવિઝનનો જાણીતો ઍક્ટર અને સ્ટાર પ્લસની ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ સિરિયલમાં લીડ કૅરૅક્ટર તરીકે જોવા મળતા શક્તિ અરોરાનું માનવું છે કે જો સમજો અને સભાન રહો તો હેલ્થનું ધ્યાન રાખવું બહુ ઈઝી છે

શક્તિ અરોરા

આમ તો ઍક્ટિંગમાં આવ્યા પહેલેથી જ હેલ્થની બાબતમાં હું કૉન્શિયસ રહ્યો છું. યસ, ૨૦૦૬માં આવેલા હૉરર શો ‘શશશશ... કોઈ હૈ’થી કરીઅર શરૂ કરી એ પહેલાં પણ હું ફિટનેસની બાબતમાં જરા પણ બેદરકાર નહોતો. કદાચ એ જ કારણે હું મારી સિચુએશન અને પરિસ્થિતિ પ્રમાણે ફિટનેસને હૅન્ડલ કરતાં જવાનું મૅનેજમેન્ટ શીખી ગયો. હું માનું છું કે બીજું કંઈ આવડે કે ન આવડે, તમને હેલ્થ મૅનેજમેન્ટ આવડવું જોઈએ. જાતને સંભાળતાં શીખ્યા હશો તો જીવનમાં આવતા ઉતારચડાવ વચ્ચે પણ તમે ટકી જશો. આજના સમયમાં આ વાત સૌથી વધારે જરૂરી છે અને આજના સમયમાં આ જ વાત સૌથી વધારે શીખવાની પણ જરૂર છે. 

હું કહીશ કે તમે તમારાં બાળકોને પણ હેલ્થ મૅનેજમેન્ટ શીખવો. કંપનીને કે ઘરને મૅનેજ કરવું અઘરું નથી પણ પોતાની ફિટનેસ, પોતાના વેલ-બિઇંગને મૅનેજ કરવાનું કામ ખરેખર બહુ 
કપરું છે.

હંમેશાં ઍક્ટિવ રહો
હું અત્યારે જે શો કરું છું એમાં એટલું કામ હોય છે કે મને એક્સરસાઇઝ માટે રેગ્યુલર સમય નથી મળતો. મારા ઘણા મિત્રો એવા છે જે બારથી ૧૪ કલાકની શિફ્ટમાં કામ કર્યા પછી પણ નિયમિત રીતે કલાકથી બે કલાક વર્કઆઉટ માટે ફાળવે અને પોતાની હેલ્થ માટે અવેર રહે, પણ મારા માટે એ અઘરું છે. એનાં બે કારણો છે.  
એક તો હું ઊંઘને બહુ મહત્ત્વપૂર્ણ માનું છું. દિવસ દરમ્યાન મેન્ટલ અને ફિઝિકલ સ્તર પર શરીરને આપણે જે પણ ઘસારો આપ્યો હોય એને રિપેર કરવા કે પછી શરીર અને મનને ફરીથી ફ્રેશનેસ આપવા ઊંઘના આઠ કલાક અત્યંત મહત્ત્વના છે. મારા માટે હું કહીશ કે મારી ફિટનેસનું પહેલું જો કોઈ અગત્યનું રહસ્ય હોય તો એ છે સારી અને તંદુરસ્ત ઊંઘ અને એ પછી પણ હું ચોખવટ કરીશ કે વીકમાં બેથી ત્રણ દિવસ હું જિમમાં જઈ ઓવરઓલ બૉડી જળવાયેલી રહે એવું વર્કઆઉટ કરું જ છું. હવે વાત કરીએ બીજા રીઝનની. મને નેચર સાથે રહેવું બહુ ગમે. મારા માટે એ બહુ જ મોટું રિજુવિનેશન હોય છે. જંગલોમાં જઈને ત્યાંની શાંતિમાં તરબોળ થઈને નહાવું મને પ્રિય છે. એ પણ મારી હેલ્થનું મહત્ત્વનું સીક્રેટ છે એવું કહેવામાં હું સહેજ પણ ખચકાટ નહીં અનુભવું. જો મને કોઈ  કહે કે અમેરિકામાં રહેવું ગમે કે પછી મૉલદીવ્ઝ કે ફિલિપીન્સ જેવા દેશમાં તો હું મૉલદીવ્ઝ અને ફિલિપીન્સ પસંદ કરીશ, માત્ર અને માત્ર ત્યાંના નેચરને કારણે.

ડાયટ છે બહુ જરૂરી
હું ખાવાનો કેટલો શોખીન છું એનો અંદાજ આપવો હોય તો હું એમ કહી શકું જો હું ઍક્ટિંગ ફીલ્ડમાં ન હોત તો આજે મારું વેઇટ સો કિલો હોત. હન્ડ્રેડ પર્સન્ટ મારું વેઇટ એ લેવલ પર પહોંચ્યું હોત. હા, ખાવાની બાબતમાં હું એવો શોખીન છે. મને બધી જ ટાઇપનાં ક્વિઝીન ભાવે. સ્વીટ મારી પ્રિય છે. ગુજરાતી, પંજાબી, રાજસ્થાની એક દરેક પ્રકારનાં ક્વિઝીનની સંખ્યાબંધ આઇટમો મારા ફેવરિટના લિસ્ટમાં છે અને એમાં પણ સૌથી વધુ કમ્ફર્ટ ફૂડ જો મારા માટે કોઈ હોય તો એ છે દાળ, ભાત, પાપડ અને અથાણું. બસ, મારા માટે આટલું મળ્યું એટલે મજાની લાઇફ. જોકે એ પછીયે હું જે ક્ષેત્રમાં કામ કરું છું ત્યાં મારો દેખાવ મારા માટે અતિ મહત્ત્વનો છે. મને ખબર છે કે હું જે શેડ્યુલ જીવું છું એમાં વર્કઆઉટ માટે સરખો સમય ફાળવવો અઘરો છે તો દેખીતી રીતે જ મારે બીજો રસ્તો અપનાવવો પડે અને એ રસ્તો મારા માટે છે ડાયટ. હું કાર્બ્સ ઓછું ખાઉં. ફાઇબર, પ્રોટીન મારી ડાયટમાં વધારે હોય. દરરોજ મિનિમમ બાર કલાકનું ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ એટલે કે બે ભોજન વચ્ચે ઓછામાં ઓછું બાર કલાકનું અંતર રાખવાનું અને એ પછી પણ હું સાંજે સાત પછી કશું જ ખાતો નથી. હું કહીશ કે આ વ્યક્તિની વિવેકબુદ્ધિ પર આધાર રાખતી વાત છે. તમારે હેલ્ધી રહેવું છે પણ તમારી પાસે વર્કઆઉટ માટે સમય નથી તો તમે તમારી ડાયટ પર ફોકસ કરો અને એ રીતે તમારા શરીરનું ધ્યાન રાખો. મૉરલ ઑફ ધ સ્ટોરી, વર્કઆઉટ કે પછી ડાયટની બાબતમાં જાગરૂકતા. બન્ને થાય તો બેસ્ટ પણ અધરવાઇઝ બેમાંથી એક વાત તો ફૉલો કરવાની જ કરવાની.

ગોલ્ડન વર્ડ્‍ઝ                                                                                                                                                                                                                                          અવેર અને ઍક્ટિવ રહો. જો એવું કરશો તો અને તો જ તમે તમારું ધ્યાન સારી રીતે રાખી શકશો. ધારો કે બહુ ખાઈ લીધું તો કલાક વૉક કરો અને કાં એ પછીનું મીલ સ્કિપ કરો. સભાનતા સાથે આવાં પગલાં લેશો તો સહજ રીતે તમે હેલ્ધી રહેશો.

મને બધી જ ટાઇપનાં ક્વિઝીન ભાવે. સ્વીટ મારી પ્રિય છે. ગુજરાતી, પંજાબી, રાજસ્થાની એમ દરેક પ્રકારનાં ક્વિઝીનની સંખ્યાબંધ આઇટમો મારા ફેવરિટના લિસ્ટમાં છે અને એમાં પણ સૌથી વધુ કમ્ફર્ટ ફૂડ જો મારા માટે કોઈ હોય તો એ છે દાળ, ભાત, પાપડ અને અથાણું. બસ, મારા માટે આટલું મળ્યું એટલે મજાની લાઇફ- શક્તિ અરોરા 

shakti arora health tips columnists