18 December, 2024 07:48 AM IST | Mumbai | Mukesh Pandya
પ્રતીકાત્મક તસવીર
વર્ષો પહેલાં ઑર્થોપેડિક સર્જરીનો વિકાસ નહોતો થયો કે એક્સ-રે અને MRI સ્કૅનની સુવિધા નહોતી ત્યારે પણ લોકોનાં હાડકાં તો ખોખરાં થતાં જ હતાં અને એ વખતે એને સલામત રાખવાનું કામ હતું હાડવૈદનું. કઈ રીતે આ વિજ્ઞાન કામ કરતું હતું અને શિયાળામાં હાડકાંની કાળજી રાખવા માટે કઈ પૌરાણિક રીતો અપનાવી શકાય એ આજે જાણીએ
પુરાણ કાળમાં યુદ્ધ થતાં ત્યારે ઘાયલ થયેલા યોદ્ધાઓ અને ઘોડાઓનાં હાડકાં સલામત રહે એ માટે રાત્રિ દરમ્યાન લેપ લગાડતા અને પાટાપિંડી કરતા વૈદરાજોને તમે અનેક ફિલ્મો કે સિરિયલોમાં જોયા હશે. એ સમયના વૈદ દરેક પ્રકારના દરદનું નિવારણ કરતા. ઑપરેશન કે ચીરફાડનો જમાનો વિકસ્યો નહોતો. હજી પચાસ વર્ષ પહેલાં મુંબઈમાં દર દસ કે પંદર કિલોમીટરના અંતરે હાડવૈદનાં દવાખાનાં ખૂબ ધમધમતાં. આજે જે લોકો ચાલીસથી નેવું વર્ષના છે એમાં ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જેણે પોતાના ભાંગેલા હાથપગનાં હાડકાંની સારવાર હાડવૈદ પાસે ન કરાવી હોય. તેઓ માત્ર હાથ-પગને સ્પર્શ કરીને પારખી લેતા કે કયું હાડકું કેટલું ખસી ગયું છે કે કેટલું ભાંગ્યું છે અને પેઢી દર પેઢી શીખતા રહ્યા હતા કે કઈ દિશામાં કેટલું દબાણ આપીને હાડકાંની સારવાર કરવી. એ વખતે અન્ય વ્યવસાયની જેમ આ કળાકારીગરી પણ બાપદાદાઓ પાસેથી વારસામાં શીખવા મળતી. મુંબઈમાં એ સમયે પારસી હાડવૈદોની ખૂબ બોલબાલા હતી. કહેવાય છે કે પારસીઓ સૌપ્રથમ દક્ષિણ ગુજરાતના સંજાણ બંદરે ઊતર્યા ત્યારે આ વિદ્યા પોતાની સાથે લેતા આવ્યા હતા. પશ્ચિમના દેશોમાં જે વિદ્યા કાયરોપ્રૅક્ટરના નામે વિકસી હતી લગભગ એવી જ પ્રથા પ્રાચીન પર્શિયા (ઈરાન)માં વિકસી હતી જેને પારસીઓએ ગુજરાત અને મુંબઈમાં ખૂબ પ્રખ્યાત બનાવી હતી. ડૉ. મઢીવાલા જેવા અનેક પારસી હાડવૈદ અનેક કૅમ્પોમાં હજારો દરદીઓને સારવાર આપતા. જોકે આજે પારસીઓની સંખ્યા ઓછી થતી જાય છે તેમ-તેમ પારસી હાડવૈદો પણ હવે ખૂબ ઓછા રહ્યા છે. આ વિદ્યા પેઢી દર પેઢી શીખનાર છેલ્લાં આઠ વર્ષથી કાંદિવલીમાં પ્રૅક્ટિસ કરતા ૨૮ વર્ષના ગુજરાતી હાડવૈદ મુદુલ કંસારા કહે છે કે ‘હું આ વિદ્યા મારા પિતા નારાયણભાઈ પાસે શીખ્યો અને મારા પિતા મારા દાદા મૂળજીભાઈ (શિહોરવાળા) પાસેથી આ વિદ્યા શીખ્યા હતા. માત્ર હાથ દ્વારા સ્પર્શ કરીને હાડકાં-સાંધાનાં દરદોનું નિદાન અને નિવારણ હું કરું છું. નેચરોપથીનો કોર્સ પણ કર્યો છે. ખુદ સંશોધન કરીને અનેક જાતના તેલ અને લેપ બનાવું છું.’
ઠંડીમાં દુખાવા કેમ વધે?
નિ:સ્વાર્થ અને સેવાભાવી મૃદુલભાઈએ આ વ્યવસાયને એક હાર્ડકોર ધંધા તરીકે નહીં પણ સેવા તરીકે વધુ અપનાવ્યો છે. શિયાળામાં દરદીઓની સંખ્યા વધી જાય છે. શિયાળામાં હાડકાં અને સાંધાના દુખાવા વધી જાય છે એનું કારણ શું એના જવાબમાં તેઓ કહે છે, ‘શિયાળામાં પડતી કડકડતી ઠંડી અને સૂકી હવાને કારણે શરીરની માંસપેશીઓ અને સ્નાયુઓ જકડાઈ જાય છે. એની અસર હાડકાંના સાંધા પર પડે છે. આ સાંધા પર દબાણ વધતાં આપણને એ ભાગ પર દુખાવાની લાગણી થાય છે. જેમ ઠંડી વધે છે એમ બ્લડ-સર્ક્યુલેશનની પ્રક્રિયા ધીમી પડે છે. લોહી ઓછું પહોંચતાં શરીર પોતાને બચાવવા આંતરિક સોજા આપે, જે દુખાવાનું કારણ બને છે. અગાઉ ક્યારેક ઈજા થઈ હોય કે વાગ્યું હોય અને એની આસપાસના સ્નાયુઓની બરાબર સારવાર ન થઈ હોય તો શિયાળામાં આ જ જગ્યાએ જૂના દુખાવા ફરી શરૂ થઈ જાય છે.’
કસરત જ પ્રાથમિક ઉપાય
આ દુખાવાથી બચવાના પ્રાથમિક ઉપાય તરીકે તેઓ કસરતને પ્રાધાન્ય આપતાં મૃદુલ કંસારા કહે છે, ‘આ ઋતુમાં દુખાવાઓથી બચવા શરીરમાં લોહી બરાબર ફરતું રહે એ જરૂરી છે અને એ માટે રોજ નિયમિત કસરત કરવી જોઈએ. એમાંય પુરુષો કરતાં મહિલાઓમાં સાંધાના દુખાવાનું પ્રમાણ વધુ હોય છે. સ્ત્રીના શરીરમાં લગભગ ૧૪, ૨૩ અને ૩૫ વર્ષે તેમ જ મેનોપૉઝ શરૂ થાય એટલે (લગભગ) ૪૮ વર્ષે ઘણા હૉર્મોનલ પરિવર્તન આવે છે. આ બદલાવને કારણે દુખાવા વધે છે. આ ઉપરાંત ગૃહકાર્યો કરતી ઘણી મહિલાઓ દિવસો સુધી સૂર્યપ્રકાશના સીધા સંપર્કમાં નથી આવતી એટલે તેમના શરીરમાં વિટામિન Dની ઊણપ પણ જોવા મળે છે. હાડકાં અને સાંધાની સમસ્યાથી બચવા વિટામિન D ખૂબ ઉપયોગી સાબિત થાય છે. સ્ત્રીઓ એક જ જગ્યાએ વધુ વાર ઊભી રહીને રસોઈ બનાવતી હોય છે ત્યારે પણ કમર, ઘૂંટણ અને એડીના દુખાવા વકરે છે.’
ખાનપાનમાં બદલાવ
આ ઋતુમાં ખાનપાનની પદ્ધતિ બદલવાનું જણાવતાં મૃદુલ કંસારા કહે છે, ‘દૂધ વાયુકારક છે અને શિયાળામાં દૂધ ઓછું પીવું. રાતના સમયે બટાટા ઓછા ખાવા જોઈએ. કાંદા, લસણ, મેથી જેવી ગરમ પ્રકૃતિની ચીજોનો ઉપયોગ વધારવો જોઈએ. વા અને સંધિવાના દુખાવા વૃદ્ધાવસ્થામાં વધુ સતાવે છે, પણ આજે કમ્પ્યુટર અને મોબાઇલનો વધુપડતો ઉપયોગ કરતા યુવાનોમાં ગરદન અને પીઠના દુખાવાના કેસ વધતા જાય છે. ટેબલ પર મૂકેલા કમ્પ્યુટ૨નું મૉનિટર ૧૫ ડિગ્રી ઉપર કરવું જોઈએ અથવા ટેબલ પર કોઈ જાડું પુસ્તક મૂકીને એના પર મૉનિટર રાખીને કામ કરવું જોઈએ જેથી ગરદન બહુ ઝુકાવવી ન પડે અને એની સમસ્યાથી બચી શકાય.’
દુખાવા અને કળતર માટે ઘરગથ્થુ તેલ આ રીતે બનાવો : મૃદુલ કંસારા
૧૦૦ મિલિલીટર તલનું કે સરસવનું તેલ લઈ એમાં બે લસણની કળી નાખી હળવા ગૅસમાં હૂંફાળું ગરમ કરવું. ગૅસ બંધ કરી અડધી-અડધી ચમચી અજમો અને હળદર તેમ જ આદુંનો એક નાનકડો ટુકડો નાખી એક રાત આ મિશ્રણને રાખી મૂકવું. ત્યાર બાદ જે-જે સાંધાઓ દુખતા હોય ત્યાંની ચામડીમાં તેલ અંદર સુધી ઊતરે ત્યાં સુધી રોજ લગાડવું. આ પ્રયોગ દુખાવામાં તો રાહત આપે જ છે સાથે ભવિષ્યની કોઈ નવી મુસીબત સામે પણ રાહત આપે છે.
હાડવૈદું આજેય એટલું જ પ્રસ્તુત
હાડવૈદાની વિશેષતા જણાવતાં મૃદુલ કંસારા કહે છે, ‘ઑપરેશન કે ચીરફાડથી બચવાના ઘણા રસ્તા આ ઑસ્ટિયોપથી (હાડવૈદું) નામની ચિકિત્સામાં છે. આજની ફાસ્ટ લાઇફમાં પગ મચકોડાઈ જવાની ઘટનાઓ વધતી જાય છે એમાં હાડવૈદું અકસીર કામ આપે છે. અમે પેઢી દર પેઢીના જ્ઞાન અને અનુભવથી કામ કરીએ છીએ. અમે પ્લાસ્ટરને બદલે હરીફરી શકાય એ માટે સુતરાઉ પાટા વાપરીને મલમપટ્ટા કરીએ છીએે. મલમ પણ જાતે જૂની રીતથી બનાવીએ છીએ.’
હાડકાં છે શરીરનો આધાર,એનાં કાર્યો છે અતિ અપાર
હાડકાં મુખ્યત્વે કૅલ્શિયમ અને ફૉસ્ફરસથી બનેલાં હોય છે. હાડકાંમાં જોવા મળતા પ્રોટીનને ઓસીન કહેવાય છે. આ કારણોસર હાડકાંનો અભ્યાસ કરવાના વિજ્ઞાનને ઑસ્ટિયોલૉજી કહેવામાં આવે છે.
હાડકાંનું સૌથી પહેલું અગત્યનું કાર્ય છે શરીરને આકાર આપવાનું અને શરીરના વિવિધ અવયવોને પૂરતો આધાર આપવાનું. ઉપરાંત કેટલાંક કોમળ અંગ જેવાં કે મગજ, કરોડરજજુ, હૃદય, ફેફ્સાં વગેરેને કવચ આપી રક્ષણ આપવાનું છે. શરીરની ઊંચાઈ વધારવાનું કાર્ય પણ અસ્થિતંત્ર કરે છે. અસ્થિતંત્રનું અન્ય અગત્યનું કાર્ય છે લોહી બનાવવાનું. હાડકાંના પોલાણમાં આવેલી મજજાપેશીઓમાંથી રક્તકણો, શ્વેતકણો અને પ્લેટલેટ્સ ઉત્પન્ન થતા હોય છે. જો આ મજજાપેશીઓ યોગ્ય કાર્ય ન કરતી હોય તો વ્યક્તિમાં પૂરતા પ્રમાણમાં લોહી ઉત્પન્ન થતું નથી. અસ્થિતંત્રનું એક કાર્ય કૅલ્શિયમના ચયાપચય પર કાબૂ રાખવાનું પણ છે. કૅલ્શિયમ શરીરની અનેક ક્રિયાઓ-પ્રક્રિયાઓ ઉપર કાબૂ રાખતું હોય છે. હૃદયના ધબકારા, આંતરડાંની ગતિવિધિ, સ્નાયુઓના સંકોચન અને વિસ્તરણથી માંડીને ચેતાતંત્રમાં ઊર્જાના સંચાર માટે કૅલ્શિયમ અગત્યનો ફાળો ભજવે છે. આ બધી જ પ્રક્રિયાઓના સુચારુપૂર્ણ સંચાલન માટે લોહીમાં કૅલ્શિયમની માત્રા પૂરતા પ્રમાણમાં રહેવી જરૂરી હોય છે, જે કાર્ય અસ્થિતંત્ર કરે છે. વ્યક્તિ ગમેતેટલું કૅલ્શિયમ લેતી હોય અથવા તેના શરીરમાં ગમેતેટલો કૅલ્શિયમનો ભંડાર હોય, પરંતુ લોહીમાં અમુક લેવલમાં કૅલ્શિયમ લેવલ નૉર્મલ રાખવાનું કાર્ય હાડકાં થકી થતું હોય છે. હાડકાં કૅલ્શિયમના ભંડાર (સ્ટોરેજ) તરીકે કાર્ય કરતાં હોય છે. આમ સાવ નિર્જીવ દેખાતાં હાડકાં શરીરનાં અનેક અગત્યનાં કાર્ય કરતાં હોય છે અને એના કોઈ પણ એક કામમાં ખલેલ પડે તો વ્યક્તિને અનેક શારીરિક તકલીફો પડી શકે. માનવશરીરમાં નાનાંમોટાં થઈને ૨૦૬ હાડકાં આવેલાં છે. શરીરનું સૌથી નાનું હાડકું કાનમાં આવેલું છે, જે શ્રવણકાર્યમાં મદદ કરે છે અને સૌથી મોટું હાડકું જાંઘમાં છે જેને ફિમર કહેવામાં આવે છે.
૭૦ કિલોગ્રામની વ્યક્તિ ચાલતી હોય ત્યારે તેના સાથળના હાડકાને દર ચોરસ સેન્ટિમીટરે ૮૪૦ કિલોગ્રામનું જબ્બર દબાણ વર્તાય છે. દોડતી કે કૂદતી વખતે તો દબાણ ગુણાકારમાં વધી જાય છે. નાઈની વાત તો એ છે કે રોજ-રોજ સખત દબાણ ખમી લેતાં હાડકાં પોતે વજનમાં અત્યંત હળવાં છે. શરીરના વજનમાં એમનો ફાળો ૧૬ ટકાથી વધુ હોતો નથી.