04 January, 2025 12:03 PM IST | Mumbai | Darshini Vashi
કુનાફા ઢોસા
ઢોસામાં એટલીબધી નવી-નવી વરાઇટી ફૂટી નીકળી છે કે ન પૂછો વાત. આપણા દેશમાં જ શું ઓછી વરાઇટી હતી કે હવે વિદેશી ભૂમિના ઢોસા પણ આપણે ત્યાં આવવા લાગ્યા છે. તાજેતરમાં સોશ્યલ મીડિયા પર કુનાફા ઢોસાની રીલ ખૂબ વાઇરલ થઈ રહી છે. નામ સાંભળીને જ કંઈક હટકે હોવાનું ફીલ કરાવતા એવા આ ઢોસા દુબઈમાં ઘણા પ્રખ્યાત છે જેને પ્રથમ વખત મુંબઈમાં યમ્મી ઢોસા લઈને આવ્યું છે.
કાંદિવલી વેસ્ટમાં એમ. જી. રોડ પર સ્થિત યમ્મી ઢોસાએ કુનાફા ઢોસા વેચવાનું શરૂ કર્યું છે, જે હાલમાં લગભગ ૧૦૦ જેટલી વરાઇટીના ઢોસા ઉપરાંત ચાઇનીઝ, ફાસ્ટ ફૂડની આઇટમો બનાવી રહ્યા છે. તેમના કુનાફા ઢોસાની રીલ અત્યારે ઇન્ટરનેટ પર ખૂબ જ વાઇરલ થઈ રહી છે અને લોકોમાં આ ઢોસા માટે કુતૂહલ પણ વધ્યું છે કુનાફા ડિઝર્ટ તો ઘણું પૉપ્યુલર છે પણ કુનાફા ઢોસા વળી શું છે એ વિશે લોકોમાં જાણવાનું અચરજ વધ્યું છે ત્યારે જાણીએ આ ઢોસા કેવી રીતે બને છે અને એમાં શું નાખવામાં આવે છે.
નૉર્મલ ઢોસાની જેમ પૅન પર ઢોસો રેડવામાં આવે છે. પછી એના પર બટર પાથરીને ઉપર ફ્રાઇડ સેવ, ઢગલાબંધ નટેલા અને પિસ્તાંની પેસ્ટ નાખવામાં આવે છે. આ દરેક વસ્તુને પ્રૉપર મિક્સ કરીને પાથરવામાં આવે છે. ત્યાર બાદ એને ચાર સીધી લાઇનમાં કટ કરીને વીંટા વાળવામાં આવે છે. જેમ જીની ઢોસામાં આ વીંટાને ઊભા રાખીને ઉપર ચીઝ ખમણવામાં આવે છે એમ આ ઢોસાના પીસને આડા મૂકીને ઉપર ચૉકલેટ સૉસ, પિસ્તાંનો ભૂકો, પિસ્તાંની પેસ્ટ અને વાઇટ ચૉકલેટ નાખીને સર્વ કરવામાં આવે છે. કદાચ ચૉકલેટ ઢોસા ઉપરથી આવા કોઈ ઢોસા બનાવવાનો વિચાર આવ્યો હશે. જે હશે તે પણ આ ઢોસા ખાવામાં ક્રન્ચી અને સ્વીટ છે અને ગરમાગરમ ખાવાની જ મજા પડે એમ છે.
ક્યાં મળશે? : યમ્મી ઢોસા, સ્વામીનારાયણ મંદિરની બાજુમાં, મોહિતે વાડી, એમ. જી. રોડ, કાંદિવલી (વેસ્ટ).