વિન્ટરની વાનગીઓ! ટેસ્ટ ભી, હેલ્થ ભી

15 November, 2024 07:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‌કહેવાય છે કે શિયાળો તો ઇમ્યુનિટી વધારવાની અને ઘડવાની ઋતુ છે. મુંબઈમાં પણ હવે હળવી-ફૂલગુલાબી ઠંડી શરૂ થઈ રહી છે ત્યારે શરીરને હળવો ગરમાટો આપે અને સ્વાસ્થ્યને મજબૂત બનાવે એવી રેસિપીઝ શૅર કરી છે શેફ નેહા ઠક્કરે

વિન્ટરની વાનગીઓ

બાજરાની ખીચડી

સામગ્રીઃ ૧ વાટકો બાજરો, અડધી વાટકી મગની ફોતરા વગરની દાળ, બે નંગ બટેટા, બે નંગ ટામેટાં, એક કેપ્સિકમ, બે લીલા મરચા, નાનો આદું નો ટુકડો, ૧ ચમચી લાલ મરચું પાઉડર, ૧ ચમચી ગરમ મસાલો, ૧ ચમચી હળદર, ૧ ચમચી ધાણાજીરૂ, બે ચમચી લીંબુનો રસ, ૧ ચમચી ઘી, સ્વાદ પ્રમાણે મીઠું

બનાવવાની રીત : સૌપ્રથમ બાજરાને અને દાળને પાણીથી ધોઈ બે કલાક પલાળી દેવાં જેથી બાજરો અને દાળ પલળીને નરમ થઈ જાય. હવે એક પૅનમાં બે ચમચા ઘી ઉમેરી એમાં એક ચમચી રાઈ, એક ચમચી જીરું અને અડધી ચમચી હિંગનો વઘાર કરી એમાં બટેટા, ટમેટાં, કૅપ્સિકમ અને લીલાં મરચાં, આદું ઝીણાં સમારીને એમાં વઘાર કરી પાંચ મિનિટ ચડવા દેવું. પછી એમાં બાજરો અને દાળને મિક્સ કરી ફરી પાછું પાંચ મિનિટ થવા દેવું. હવે વઘાર થઈ ગયેલા બાજરામાં આપણે લાલ મરચું પાઉડર, હળદર, ગરમ મસાલો, ધાણાજીરું, લીંબુનો રસ અને સ્વાદ પ્રમાણે મીઠું અને ચાર વાટકા પાણી ઉમેરી કુકરમાં પાંચ સીટી વગાડવી. કુકર ઠંડું થાય પછી એક બાઉલમાં ખીચડી, ધાણાભાજીથી ગાર્નિશ કરીને સર્વ કરવી. તમે એમાં કાંદા-લસણ પણ ઉમેરી શકો છો. આપણી ગરમાગરમ બાજરાની ખીચડી રાતના ડિનરમાં ખાવાની ખૂબ મજા આવે છે. સાથે હેલ્ધી અને પૌષ્ટિક પણ છે.

બાજરો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. એ એનર્જીનો સ્રોત છે. બાજરાનું નિયમિત સેવન કરવાથી શરીર મજબૂત અને શક્તિશાળી બને છે. ગરમાગરમ ખીચડી તંદુરસ્તી વધારશે.

આમળાંનો હલવો

સામગ્રીઃ ૨૫૦ ગ્રામ બૉઇલ્ડ આમળાં, ૪ ચમચા ઓટ્સનો પાઉડર, ૧૦૦ ગ્રામ મોળો માવો ૨ ચમચા દેશી ઘી, ૨૦૦ ગ્રામ ગોળ, મિક્સ ડ્રાયફ્રૂટ

બનાવવાની રીત : સૌથી પહેલાં બૉઇલરમાં આમળાંને બૉઇલ કરવાં. પછી બૉઇલ્ડ આમળાંને છીણી લેવાં. હવે પૅનમાં ઘી ગરમ મૂકવું. એમાં છીણેલાં આમળાં નાખવાં. ઓટ્સનો પાઉડર ઉમેરી બેઉને શેકી લેવાં. થોડું શેકાઈ જાય પછી માવો નાખી શેકવું. હવે એમાં ગોળ ઉમેરી સરખું હલાવ્યા કરવું. પછી એમાં ઇલાયચી પાઉડર અને ડ્રાયફ્રૂટ નાખવાં. ગરમાગરમ આમળાંનો હલવો સર્વ કરવો.

આમળાંમાંથી આપણે આથેલાં આમળાં, આમળાંની કૅન્ડી, આમળાંનો જૂસ, બધું બનાવતા હોઈએ છીએ પણ આમળાંનો હેલ્ધી શીરો ડિઝર્ટની ગરજ સારશે. 

વિન્ટર સ્પેશ્યલ પૌષ્ટિક ગ્રીન મસ્તી

સામગ્રી : એક કપ સરગવાની લીલી ભાજી, એક કપ મેથીની ભાજી, એક કપ પાલકની ભાજી, એક કપ કાપેલી લીલી ડુંગળી, અડધો કપ સરગવાનાં ફૂલ, એક કપ લીલું લસણ કાપેલું, એક કપ કાપેલી સૂવાની ભાજી, એક કપ કાપેલા લીલા ધાણા, એક કપ તુવેરદાણા, એક કપ લીલા વટાણા, બે ચમચી લીલાં મરચાંની પેસ્ટ, અડધો કપ તાજું નારિયેળનું છીણ, બે ચમચી આખા ધાણા, એક ચમચી જીરું, એક ચમચી લીંબુનો રસ.

બનાવવાની રીત : સૌથી પહેલાં પૅનમાં બે ચમચા તેલ ગરમ કરવું. એમાં જીરું, આખા ધાણા, લીલી ડુંગળી, લીલું લસણ, તુવેરદાણા, લીલા વટાણા, તાજું નારિયેળનું છીણ નાખી પાંચ મિનિટ શેકી લેવું. હવે મિક્સર જારમાં લઈ થોડું જાડસર પીસી લેવું. હવે એક પૅનમાં બે ચમચા તેલ ગરમ કરવું. એમાં પેસ્ટને બે-ત્રણ મિનિટ શેકી લેવી. હવે એમાં બધી લીલી શાકભાજી નાખી સારી રીતે શેકી લેવું. હવે મીઠું, ધાણા પાઉડર, લીંબુનો રસ અને અડધો કપ પાણી નાખી મિક્સ કરવું. તો તૈયાર છે વિન્ટર સ્પેશ્યલ ગ્રીન મસ્તી. વિન્ટર ગ્રીન મસ્તીને આપણે બાજરીનો રોટલો, મૂળા, છાશ સાથે સર્વ કરીશું.

શિયાળાની સીઝનમાં લીલી ભાજીઓ ભરપૂર ખાઈ લેશો તો એનાથી હીમોગ્લોબિન પણ વધશે અને ફાઇબર સારું હોવાથી પાચન પણ સુધરશે. 

લીલી હળદર અને આમળાંનો સૂપ

સામગ્રી: ૫૦ ગ્રામ લીલી હળદર, ૧ ગાજર, ૨ ટમેટાં, ૨ આમળાં, ૪-૫ લસણની કળી, ૧/૨ ટુકડો આદું, સ્વાદ પ્રમાણે મીઠું, ૨ ગ્લાસ પાણી, ૧ લીંબુનો રસ

બનાવવાની રીત : સૌપ્રથમ ગાજર, આમળાં, ટમેટાં, લસણ, આદું બધું છોલીને ધોઈ નાખવું. પછી એના નાના ટુકડા કરવા. હવે એક કુકરમાં બે ગ્લાસ પાણી નાખો. પછી ઉપર જણાવ્યા મુજબની બધી જ શાકભાજી ઉમેરો. સ્વાદ પ્રમાણે મીઠું નાખીને એને બરાબર હલાવો. પછી કુકરનું ઢાંકણ બંધ કરી દો. એક સીટી વગાડીને ગૅસ બંધ કરી દો. હવે આ મિશ્રણને ઠંડું થવા દો. હૅન્ડ બ્લેન્ડરની મદદથી પીસી લો. આ મિશ્રણને એક બાઉલમાં કાઢી લો. હવે એક વઘારિયામાં એક ચમચી બટર ગરમ કરી જીરું ઉમેરી સૂપમાં નાખી દો. લીંબુનો રસ પણ ઉમેરી દો અને ગરમ-ગરમ સૂપ કોબીજ અને લીલી હળદરથી ગાર્નિશ કરી સર્વ કરો.

શિયાળામાં સૌથી સુકૂન આપનારી વાનગી છે સૂપ. લીલી હળદર અને આમળાં આ સીઝનમાં જ સરસ મળે છે. એનો મૅક્સિમમ ફાયદો લેવા માટે ગુલાબી ઠંડીમાં ગરમાગરમ સૂપની ચુસકી લઈ શકાય.

Gujarati food mumbai food indian food gujarati mid-day