21 December, 2024 08:29 AM IST | Mumbai | Sanjay Goradia
સંજય ગોરડિયા
મારા પગમાં પદ્મ છે એવું કહું તો જરાય ખોટું નહીં કહેવાય. મહિનામાં ૨૦ દિવસ હું કદાચ બહાર રહેતો હોઈશ અને મિત્રો, સાચું કહું તો મને એ ગમે પણ છે. અલગ-અલગ શહેર, ત્યાંના લોકો, તેમની વિચારધારાથી લઈને તેમની આહારધારા બધું મને જોવું ને અનુભવવું ગમે. હમણાં હું લખનઉ ગયો હતો.
અગાઉ હું લખનઉ ગયો છું અને ત્યાં ફર્યો છું એ તમારી જાણ ખાતર અને મારામાં ઉત્સાહ પ્રસરી ગયો હતો એનું કારણ તમે. મારે લખનઉથી એકાદ સરસ ફૂડની આઇટમ તમારે માટે લઈ આવવી હતી. ત્યાં જઈને મેં એ આઇટમ શોધવાની શરૂઆત કરી અને એવી આઇટમ મને હરદયાલને ત્યાં મળી ગઈ. આ હરદયાલ જે છે એ અહીં ચાટ-કિંગ ગણાય છે.
ચાટ-કિંગ હરદયાલ મૌર્યની રૉયલ કૅફેમાં મને મારો ડ્રાઇવર લઈ ગયો. હઝરતગંજ નામનું મેટ્રો સ્ટેશન છે ત્યાં જ આ રૉયલ કૅફે છે. જગ્યા પણ ફેમસ અને ત્યાં મળતી વરાઇટી પણ બહુ ફેમસ. જોકે એ બધી ફેમસ આઇટમમાં સૌથી ટોચ પર જો કોઈ વરાઇટી હોય તો એ છે બાસ્કેટ ચાટ. આ ઉપરાંત આલૂ-ટિક્કી ચાટ પણ બહુ સરસ મળે અને પાપડી ચાટ પણ એકદમ ટેસ્ટી. દહીંવડાંની ચાટ પણ મળે અને એ પણ એટલી જ સ્વાદિષ્ટ. અરે હા, તમને કહેતા ભૂલી ગયો. યુપીમાં દહીંવડાંને પણ ચાટ જ ગણવામાં આવે છે.
બાસ્કેટ ચાટ મગાવતાં પહેલાં મેં મગાવ્યાં કાંજીવડાં. આપણે ત્યાંનાં કાંજીવડાં કરતાં અહીં મળતાં કાંજીવડાં અલગ હોય છે. વડું તો આપણે ત્યાંના જેવું જ દહીંવડાંનું જ વડું હોય, પણ ત્યાં એ આપે પાણીપૂરીના પાણીમાં, પણ બહુ ટેસ્ટી હતું અને એ ખાવું જરૂરી પણ હતું બાસ્કેટ ચાટ પચાવવા માટે. હવે વાત કરીએ બાસ્કેટ ચાટની.
બાસ્કેટ ચાટમાં જે બાસ્કેટ હોય એ બટાટાની હોય. જાળીવાળી, તળેલી અને કરકરી, સહેજ ચમચી મારો તો તૂટી જાય એવી. ખાસ્સી મોટી એવી એ બાસ્કેટ લઈ, એમાં આલૂ-ટિક્કી મૂકે. આ જે ટિક્કી હોય છે એને ઘીમાં સાંતળવામાં આવે એટલે એકદમ કરકરી હોય. આલૂ-ટિક્કી પર ટુકડા કરીને પાપડી નાખે. ત્યાર પછી બાસ્કેટમાં દહીંવડાંનું એક વડું નાખે અને પછી એના પર મીઠી-તીખી ચટણી અને બીજા મસાલા નાખે. એ પછી એના પર કોથમીરનું ગાર્નિશિંગ થાય અને એ તમને ખાવા આપે.
ઓહોહોહો, સાહેબ જલસો જલસો.
બાસ્કેટ ચાટ ખાવાની ખરેખર મજા પડી ગઈ. બાસ્કેટ ચાટનો એક મહત્ત્વનો ફાયદો કહું. તમારે ચાટની ત્રણ અલગ-અલગ આઇટમ મગાવવી ન પડે. જો મેં બાસ્કેટ ચાટ ન મગાવી હોત તો મને આલૂ-ટિક્કી, દહીંવડાં અને પાપડી ચાટ એમ ત્રણેયનો ટેસ્ટ કરવા ન મળ્યો હોત અને કાં તો મારે એ ત્રણેત્રણ વરાઇટી અલગ મગાવવી પડી હોત એટલે એ ત્રણેયનું સંગમ એટલે બાસ્કેટ ચાટ. બાસ્કેટ ચાટમાં જે મસાલા નાખવામાં આવે છે એ સારામાં સારી ક્વૉલિટીના નાખવામાં આવે છે. એમાં જે ચટણી પડે છે એ અદ્ભુત છે.
લખનઉમાં પાણીપૂરીને બતાશા કહે. એની અંદર છૂંદેલા બટાટા અને એના પર તીખું-મીઠું પાણી આપે. આપણે ત્યાં તીખું અને મીઠું પાણી સાથે લેવાનો રિવાજ છે, પણ લખનઉમાં તમે પાણીપૂરી ખાઓ એટલે પહેલી પૂરી તમને મીઠા પાણીમાં આપે તો બીજી પૂરી તમને તીખા પાણીની આપે અને કાં તો તમે જે ઇન્સ્ટ્રક્શન આપો એમ આપે, પણ તીખા-મીઠા પાણીનું મિક્સચર કરવાનું કોઈ ચલણ નથી. અહીં મળતા છોલે પણ અદ્ભુત છે. છોલે તમે મોઢામાં મૂકો કે તરત જ ઓગળી જાય.
હું તો કહીશ કે જો લખનઉ જવાનું બને તો આ રૉયલ કૅફેમાં જવાનું ચૂકતા નહીં. એના માલિકનું નામ હરદયાલ મૌર્ય છે. મેં તો તેમની સાથે અઢળક વાતો કરી. તેમની વાનગીઓથી મારું પેટ અને વાતોથી મારું મન તૃપ્ત થઈ ગયું.