ગાર્લિકનો આઇસક્રીમ અને એ પછી પણ ગાર્લિક તમને ક્યાંય નડે નહીં

08 June, 2024 07:27 AM IST  |  Mumbai | Sanjay Goradia

જગતઆખાનો સૌથી બેસ્ટ આઇસક્રીમ જો ક્યાંય મળતો હોય તો એ છે અમેરિકા

સંજય ગોરડિયા

સૅન ફ્રાન્સિસ્કોથી લૉસ ઍન્જલસ જતા હો ત્યારે હાઇવે પર તમને અઢળક ફાર્મહાઉસ જોવા મળે, જેમાં એ જ ફાર્મમાં ઊગેલાં ફ્રૂટ્સ કે પછી એમાંથી બનેલી વરાઇટી મળતી હોય, એકદમ ટેસ્ટી અને સાવ કિફાયતી દામમાં

આજે મારે તમારી સાથે વાત કરવાની છે આઇસક્રીમની. જગતઆખાનો સૌથી બેસ્ટ આઇસક્રીમ જો ક્યાંય મળતો હોય તો એ છે અમેરિકા. આ મારું માનવું છે અને મોટા ભાગના લોકો મારી આ વાત સાથે સહમત પણ થશે.

હું જે આઇસક્રીમની વાત કરવાનો છું એની વાત કરતાં પહેલાં તમને કહેવાનું કે મેં વર્ષો પહેલાં રાજકોટમાં એક વાર આદુંનો આઇસક્રીમ ખાધો હતો. આદુંનો આઇસક્રીમ તમે શિયાળામાં ખાઓ તો તમને જરા ગરમાટો આવે. સહેજ તીખાશ અને આઇસક્રીમની ગળાશ સાથેનું એ કૉમ્બિનેશન મને તો ભાવ્યું હતું. એ અનુભવનું પુનરાવર્તન થયું આ વખતે મને અમેરિકામાં. બન્યું એમાં એવું કે અમેરિકાના સૅન ફ્રાન્સિસ્કોમાં નાટકનો શો પતાવીને અમારે લૉસ ઍન્જલસ જવાનું હતું. તમને અગાઉ કહ્યું હતું એમ, અમેરિકામાં અમે મોટા ભાગે રોડ ડ્રાઇવ જ કરતા હોઈએ. અમે તો નીકળ્યાં સૅન ફ્રાન્સિસ્કોથી લૉસ ઍન્જલસ જવા. આ જે આખો રસ્તો છે એ એકદમ પહાડી રસ્તો છે. તમે કમ્પ્યુટરના વૉલપેપર જોતા હો એવું જ કુદરતી દૃશ્ય તમને લાગે. આ આખા રસ્તા પર અઢળક ફાર્મહાઉસ અને ખેતરો છે જેમાં ચેરી, સ્ટ્રૉબેરી, આવાકાડો, લસણ અને એવુંબધું ઊગે છે.

આ ફાર્મહાઉસવાળાઓ પોતાના ફાર્મની બહારના ભાગમાં જ લાકડાનું કામચલાઉ ઝૂપડા કે દુકાન જેવું બનાવી લે અને પોતાના ફાર્મમાંથી થતી હોય એ બધી વરાઇટીઓ વેચે. માર્કેટમાં મળે એના કરતાં એ સસ્તું પણ હોય અને એકદમ ફ્રેશ હોય. ઘણાં ફાર્મવાળા તો તમને તમારી જાતે ચેરી અને સ્ટ્રૉબેરી વીણી આવવાની પણ પરમિશન આપે છે. એક નાનકડી બજાર જેવું અમે જોયું એટલે મેં ગાડી ધીમી કરાવી અને ચાલતી એ ધીમી ગાડીમાંથી મારું ધ્યાન ગયું ગાર્લિક આઇસક્રીમ પર.

મેં તો બ્રેક મરાવી દીધી. નક્કી કર્યું કે આપણે આ આઇસક્રીમ ટેસ્ટ કરવો છે. હું તો પહોંચ્યો એ સ્ટૉલ પર. ઇન્ક્વાયરી કરી તો ખબર પડી કે ગાર્લિક આઇસક્રીમમાં પણ તેમની પાસે બે ફ્લેવર હતી, વૅનિલા અને ચૉકલેટ. ચૉકલેટ મને ખાસ ભાવે નહીં એટલે મેં તો વૅનિલા આઇસક્રીમ લીધો અને પહેલી સ્પૂન મોઢામાં મૂકી ત્યાં જ એની ક્રીમનેસ મને ખુશ કરી ગઈ.

આ ગાર્લિક આઇસક્રીમની મોટી ખાસિયત એ છે કે એમાં ગાર્લિકના ટુકડા નથી આવતા. પૃચ્છા કરી તો ખબર પડી કે એ લોકો ગાર્લિકનો જૂસ કાઢી એને દૂધમાં ભેળવી એ દૂધમાંથી આઇસક્રીમ બનાવે છે. ગાર્લિકનો એકદમ માઇલ્ડ ટેસ્ટ હતો, જે તમને સ્વાદમાં આવે એના કરતાં તમારા ગળામાં આવે એવું હું કહીશ શકું. ગાર્લિકની આછી ખુશ્બૂ પણ ખરી અને એ જ એની સૌથી મોટી મજા હતી.

ગાર્લિક આઇસક્રીમના એક કપની કિંમત પાંચ ડૉલર હતી, પણ પ્રાઇસ વસૂલ હતી એવું કહી શકાય. આઇસક્રીમ ટેસ્ટ કર્યા પછી તો અમે ત્યાંથી ચેરી પણ ખરીદી અને સ્ટ્રૉબેરી, આવાકાડો પણ લીધાં. આપણે ત્યાં મુંબઈમાં જે ચેરી મળે છે એ તો આ ચેરીનું બચ્ચું કહેવાય. મોટા બોરની સાઇઝની ચેરી અને સ્ટ્રૉબેરી એટલે ઓછામાં ઓછી ત્રણ ઇંચની, તમારી આંગળીની સાઇઝની. જૂસી પણ એવી કે તમારા મોઢામાંથી રસ બહાર આવી જાય. આવાકાડો મને બહુ ભાવતા નથી પણ ટીમ માટે અમે લીધા. આ જે આવાકાડો છે એ દુનિયાઆખીમાં સસ્તાં મળે છે, એકમાત્ર આપણું મુંબઈ જ એવું છે જે આવાકાડોના નામે લૂંટે છે. હશે, એ લોકો પાસે એનું કૅલ્ક્યુલેશન હશે. ચેરી, સ્ટ્રૉબેરી અને આવાકાડોના ઑલમોસ્ટ થેલા ભરી અમે રવાના થયા અને પછી એ દિવસનું બપોરનું લંચ અમે આ ફ્રૂટ્સ સાથે જ પૂરું કર્યું.

Gujarati food street food indian food life and style columnists Sanjay Goradia