તમને તુવેર, વાલોળ, પાપડી, લીલવા, ગુવારફળી કે ચોળી જેવાં દાણાવાળાં શાક ભાવે છે બહુ પણ સદતાં નથી?

03 January, 2025 09:42 AM IST  |  Mumbai | Kajal Rampariya

આ સીઝનમાં દાણાવાળી ચીજો ખાવી ખૂબ જ ફાયદાકારક છે એટલે સારી પાચનશક્તિ કેળવવા શું કરવું એ આજે જાણી લો

પ્રતીકાત્મક તસવીર

શિયાળાની સીઝનમાં જ ખૂબ છૂટથી મળતાં આ દાણાવાળાં શાક ખૂબ જ હેલ્ધી કહેવાય છે, પણ એ પચવામાં પ્રૉબ્લેમ થતો હોય એટલે લોકો ધારણા બાંધી લે છે કે એ તો તેમને માફક નથી આવતાં. જો આ ચીજો પચતી ન હોય તો સમજવું કે તમારી પાચનક્રિયા નબળી છે. જોકે આ સીઝનમાં દાણાવાળી ચીજો ખાવી ખૂબ જ ફાયદાકારક છે એટલે સારી પાચનશક્તિ કેળવવા શું કરવું એ આજે જાણી લો

વટાણાનું શાક તો ભાવે છે પણ પચતું નથી એટલે ખાતા નથી!

લીલી તુવેરના ઘૂઘરા જીભને તો બહુ ગમે છે, પણ સદતા નથી.

વાલોળ તો ભારે કહેવાય એટલે અમારા ઘરે તો બનતી નથી.

પહેલાં ગુવારસિંગનું શાક બહુ બનતું, પણ હવે એનાથી ગૅસ બહુ થાય છે.

આ પ્રકારની સમસ્યા ઘણા લોકોની હશે. પણ આવું કેમ થાય છે એની ખબર છે?

ખાસ શિયાળામાં જ મબલક પ્રમાણમાં મળતી આ શાકભાજી શરીરને હાઈ પ્રોટીન, ફાઇબર અને મિનરલ્સ પૂરાં પાડવા માટેનો બેસ્ટ સોર્સ છે. શિયાળામાં આ શાકભાજી ખવાય તો સારું પોષણ મળે છે. પણ આ ચીજો પચવામાં સમસ્યા ઊભી કરે છે એનો અર્થ એ થાય કે તમારી ગટ હેલ્થ નબળી છે. ગટ હેલ્થ નબળી હોય અને હાઈ પ્રોટીનવાળા ખાદ્યપદાર્થો લેવામાં આવે તો એ પચવામાં સમસ્યા ઊભી કરે જ છે, તેથી સદતું નથી એમ વિચારીને ન ખાવું એ કોઈ સોલ્યુશન નથી. જેની ગટ હેલ્થ નબળી હોય એ લોકોએ આ શાકભાજી ખાતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ વિશે નિષ્ણાતો પાસેથી જાણીએ. 

ન પચવાનાં કારણો

શિયાળામાં મબલક પ્રમાણમાં મળતી દાણાવાળી શાકભાજી ન પચવાનાં કારણો વિશે આયુર્વેદ ક્ષેત્રે ચાર દાયકાનો અનુભવ ધરાવતા આયુર્વેદ એક્સપર્ટ વૈદ્ય પ્રબોધ ગોસ્વામી કહે છે, ‘શિયાળો શક્તિ સંગ્રહ કરવાની ઋતુ તરીકે ઓળખાય છે. શરીરના કોઈ પણ અવયવોને પોષણ આપવું હોય તો શિયાળો બેસ્ટ માનવામાં આવે છે, કારણ કે ઠંડક હોવાને કારણે શરીરની અંદર વાયુનો પ્રકોપ તીવ્ર હોય છે. સારામાં સારી પાચનક્રિયા આ ઋતુમાં જ હોય અને ભૂખ પણ બહુ લાગે. શિયાળામાં આવતી દાણાવાળી શાકભાજી એટલે કે વટાણા, પાપડી, વાલોળ, લીલી તુવેર, લીલી ચોળી, ગુવાર અને લીલવાના ગુણો એકસરખા જ હોય છે. એમાંથી વિટામિનની સાથે સારા પ્રમાણમાં પ્રોટીન પણ મળે છે, જે શરીરને સારી રીતે પોષણ આપે છે. આ જ શાકભાજી જો ઉનાળામાં કે ચોમાસામાં ખાવામાં આવે તો એ પચવામાં મુશ્કેલી થઈ શકે છે. એટલે આ દાણાવાળી શાકભાજીનું સેવન શિયાળામાં કરવામાં આવે છે. જોકે આ ઋતુમાં પણ ઘણા લોકોને દાણાવાળી શાકભાજી પચતી નથી. તમે સાંભળ્યું હશે ઘણા લોકોને લીલી ચોળીનું શાક નથી સદતું તો કોઈને વાલોળનું શાક ખાવાથી પાચન સંબંધિત સમસ્યાઓ ઉદ્ભવે છે. આવું થવા પાછળનું મુખ્ય કારણ એ છે કે તેમના પાચકરસો નબળા છે અને જઠરાગ્નિ (પેટમાં અનાજને પચાવવાની શક્તિનું તત્ત્વ) મંદ હોય છે. દાણાવાળી શાકભાજીમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે અને એ ન પચે એટલે ગૅસ, કબજિયાત અને ઍસિડિટી જેવી સમસ્યાઓ થઈ શકે છે.’

શું છે સૉલ્યુશન?

પાચન સંબંધિત સમસ્યા ધરાવતા લોકોને જો દાણાવાળી શાકભાજીનું સેવન કરવું હોય તો એની યોગ્ય રીત કઈ હોવી જોઈએ એ વિશે વાત કરતાં બોરીવલી અને જૂનાગઢના કેશોદમાં આયુર્વેદિક ક્લિનિકનું સંચાલન કરતા વૈદ્ય પ્રબોધ ગોસ્વામી કહે છે, ‘સામાન્યપણે દાણાવાળી શાકભાજી સાથે અજમો, સૂંઠ, આદું, મરી અને તજનો ઉપયોગ કરવામાં આવે તો સહેલાઈથી પચી શકે છે. શિયાળામાં વસાણા સાથે તેજાનાનો ઉપયોગ આ જ હેતુથી કરવામાં આવે છે, કારણ કે ખાલી શાકભાજી ઘણા લોકોને પચતી નથી પણ મરી-મસાલાને ઉમેરવાથી પાચનક્રિયામાં સમસ્યા થતી નથી. ઘણા લોકોને ગુવાર અને ફણસીનું શાક સૂટ નથી થતું. તેમને ગૅસની સમસ્યા થતી હોય છે. આવું હોય તો શાક બનાવતી વખતે અજમાનો વઘાર કરવો. અજમો વાયુનાશક છે અને એ ખોરાકને પચાવવામાં મદદરૂપ સાબિત થાય છે. દાણાવાળી શાકભાજીને અજમો ઍડ કરીને આરોગવામાં આવે તો સહેલાઈથી પચી જાય છે. તેમ છતાં દાણાવાળી શાકભાજીમાં રિચ પ્રોટીન હોવાથી જે લોકોનું પાચન નબળું હોય તેમણે થોડું ધ્યાન રાખવાની જરૂર છે.’

કૉમ્બિનેશન કરવું ઉત્તમ

સીઝનલ દાણાવાળાં શાક ખૂબ જ ગુણકારી છે કેમ કે એ શાકાહારીઓ માટે પ્રોટીનનો ઉત્તમ સોર્સ છે એમ જણાવતાં ડાયટ ક્ષેત્રે ૧૪ વર્ષનો અનુભવ ધરાવતી ક્લિનિકલ ડાયટિશ્યન માનસી પડેચિયા કહે છે, ‘શિયાળામાં મળતી દાણાવાળી શાકભાજી ન પચે એવું ઘણા ઓછા કેસમાં થાય છે, કારણ કે આ સીઝનમાં દાણાવાળી શાકભાજી પ્રોટીનનો મહત્ત્વપૂર્ણ સોર્સ હોય છે. જો એ ન પચે એટલે પાક્કું તમને ગટ હેલ્થ સંબંધિત ઇશ્યુ છે. લીલી શાકભાજીમાં પ્રોટીન ઉપરાંત ફાઇબર પણ હોય છે અને એનો નેચર ગૅસ બનાવવાનો હોય છે. તેથી જો તમારી ગટ હેલ્થ સારી નહીં હોય તો એ પચવામાં મુશ્કેલી થશે. ઋતુ બદલાય અને ખાવાપીવામાં ધ્યાન ન રાખવામાં આવે તો પણ આ સમસ્યા થઈ શકે છે. જે લોકોની પ્રકૃતિ જ ગૅસવાળી હોય છે એ લોકોને દાણાવાળી શાકભાજી પચવામાં વધુ તકલીફ થાય છે. લીલી તુવેર અને વટાણાથી ક્યારેય કોઈને તકલીફ નહીં થાય પણ હા, ગુવાર, વાલોળ, પાપડી અને લીલી ચોળીનું શાક ખાવાથી ગટ હેલ્થ પર અસર થઈ શકે છે. ‘જે લોકો નિયમિત રીતે વાલોળ, પાપડી, ગુવાર, લીલી ચોળીનું શાક ખાતા હોય એ લોકોને શિયાળામાં કે ક્યારેય પાચન સંબંધિત સમસ્યાઓ આવતી નથી પણ સીઝન ચેન્જ થાય ત્યારે અચાનક આવાં શાક ખાવાનું શરૂ કરે તેમને તકલીફ થઈ શકે છે. આવા લોકોએ ખાલી તુવેર કે ખાલી ચોળીનું શાક ખાવા કરતાં મિક્સ વેજિટેબલનું શાક બનાવીને ખાવું. ગ્રેવીમાં લીલી તુવેર મિક્સ કરીને ખાઈ શકાય. ઊંધિયામાં બધી જ દાણાવાળી શાકભાજી આવે છે તો જે લોકોને ન પચતું હોય એ લોકોએ આ ખાવાનું ટાળવું જોઈએ. ઉદાહરણ તરીકે લીલવા-ટમેટાંનું શાક. ગુવાર સાથે બટેટા, ટમેટાં અને રીંગણાં મિક્સ કરીને શાક બનાવ્યું હોય. એ રીતે લઈ શકાય પણ એકસાથે બેથી વધુ દાણાવાળી શાકભાજી આવતી હોય તો એ ખાવાનું ટાળવું જોઈએ નહીં તો પાચન સંબંધિત સમસ્યાઓ થશે. કિડની સંબંધિત બીમારી કે સમસ્યા ધરાવતા લોકોએ લીલા દાણાવાળી શાકભાજીનું સેવન ડૉક્ટરની સલાહ મુજબ જ કરવું જોઈએ.’

life and style health tips columnists exclusive