15 May, 2024 07:52 AM IST | Mumbai | Sejal Patel
પ્રતીકાત્મક તસવીર
આમ તો ચા કે કૉફી બને ત્યાં સુધી ન જ પીવાં જોઈએ એવું નિષ્ણાતો કહેતા આવ્યા છે, પરંતુ તાજેતરમાં ICMR દ્વારા બહાર પડેલી ગાઇડલાઇન્સમાં આ પીણાં બાબતે કેટલીક ગેરમાન્યતા સ્પષ્ટ કરવામાં આવી છે જેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જમ્યા પછી તરત ચા કે કૉફી પીવી ઝેર સમાન છે. ન્યુટ્રિશન-નિષ્ણાત સાથે વાત કરીને સમજીએ કે આવું કેમ થાય છે અને જો ચા-કૉફી પીવી જ હોય તો ક્યારે પીવી જેથી ઓછું નુકસાન થાય
બપોરના ભોજન માટે ઉડિપી રેસ્ટોરાંમાં જાઓ તો જમી લીધા પછી વેઇટર તમને અચૂક પૂછે, ‘ચા કે કૉફી?’ આપણે ત્યાં પણ ઘણા લોકોને જમ્યા પછી તરત ચા કે કૉફી પીવાની આદત હોય છે. માન્યતા છે કે આ આદત બહુ સારી છે, પણ તાજેતરમાં ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા બહાર પડેલી ૧૪૮ પાનાંની ગાઇડલાઇન્સમાં ચા-કૉફી પીવાને લગતી ખોટી માન્યતાઓ બાબતે પ્રકાશ પાડવામાં આવ્યો છે. દક્ષિણ ભારત અને ઉત્તર ભારતની કેટલીક સંસ્કૃતિઓમાં લંચ પછી કૉફી કે ચા પીવાની પરંપરા છે. દક્ષિણમાં કૉફી વધુ પીવાય છે જ્યારે ભારતના અન્ય ભાગોમાં ચા. આવું કરવા પાછળની માન્યતા એ છે કે ભોજન પછી ચા-કૉફી પીવાથી ગળામાં રહેલું વધારાનું ઑઇલ સાફ થઈ જાય છે અને ઍસિડિટીના ઓડકાર નથી આવતા. જોકે ICMRની ગાઇડલાઇન્સ મુજબ ચા કે કૉફી જમ્યા પછી પીવાય તો એનાથી એનીમિયા એટલે કે હીમોગ્લોબિનની કમીની તકલીફ થઈ શકે છે. એનું કારણ પણ કહેવાય છે કે ચા-કૉફીમાં રહેલું ટૅનિન શરીરમાં આયર્નનું ઍબ્ઝૉર્પ્શન થવામાં અડચણ ઊભી કરી શકે છે.
જમ્યા પછી કેમ નહીં?
તમે કોઈ પણ રોગની સારવાર માટે કે પછી હેલ્ધી લાઇફસ્ટાઇલ કેળવવા માટે ડાયટ કરવાનું નક્કી કરો તો સૌથી પહેલી શરત ચા-કૉફી છોડવાની આવે. જોકે ચા-કૉફી જમ્યા બાદ તો નહીં જ એવા નિર્દેશ સાથે સહમત થતાં લાઇફસ્ટાઇલ ન્યુટ્રિશનિસ્ટ કેજલ શાહ કહે છે, ‘ચા અને કૉફીમાં ટૅનિન દ્રવ્ય તો છે જ, પણ સાથે એ બન્નેમાં કૅફીન પણ હોય છે. કૅફીન એક પ્રકારનું ઍસિડિક દ્રવ્ય છે. તમે જમો ત્યારે ડાયજેસ્ટિવ ઍસિડ્સ ઝર્યા હોય, જે ખોરાકના પાચનનું કામ હજી શરૂ જ કરી રહ્યા હોય. એવામાં બીજો ઍસિડ પણ એમાં ઉમેરાય. એનાથી ફૂડ વધુ ઍસિડિક બને. એને કારણે ખોરાકમાં રહેલાં પોષક તત્ત્વોની શરીરમાં ભળવાની પ્રક્રિયામાં ખલેલ પહોંચે છે. એને કારણે તમે ન્યુટ્રિશનસભર ખોરાક ખાધો હોય તો પણ એનો ફાયદો નહીં મળે. જેમ જમ્યા બાદ ચા પીવાની ના કહેવાય છે એમ જમતાં પહેલાં પણ ન પીવાય. ભૂખ લાગી હોય ત્યારે પાચક રસોની અંદર ચા-કૉફીનો વધારાનો ઍસિડ પાચનને અવરોધે છે. જમવાના એક કલાક પહેલાં અને એક કલાક બાદ સુધી આવાં કૅફીનયુક્ત પીણાં પીવાનું ટાળવું જરૂરી છે.’
સવારની શરૂઆત ચાથી થાય?
કેટલાય લોકો એવા હોય છે જેમને પથારીમાંથી ઊઠીને સૌથી પહેલાં ચા કે કૉફી પીવાની આદત હોય છે. એની પાછળનું બહાનું હોય છે કે જો ચા નહીં પીઉં તો પેટ સાફ નહીં આવે. સવારે સાડાપાંચ કે છ વાગ્યે ઊઠીને પણ તમે ખાલી પેટમાં ચા-કૉફીનું ટૅનિન અને કૅફીન ઉમેરો એ કેટલું યોગ્ય છે? એવો સવાલ ઉઠાવતાં કેજલ શાહ કહે છે, ‘સવારે તમારું સ્ટમક ખાલી હોય ત્યારે એમાં તમે જેટલી બને એટલી વધુ પોષક તત્ત્વવાળી ચીજ ખાઓ એ જરૂરી છે. એને બદલે તમે એમાં ટૅનિન અને કૅફીનનાં કેમિકલ નાખો તો પાચનશક્તિ ખરાબ થઈ જ જાય. એનાથી સ્ટમકની અંદરની લાઇનિંગ ડૅમેજ થાય છે અને એ અસર લાંબા ગાળે જોવા મળે. સવારના સમયે આપણને દૂધવાળી ચા-કૉફી વધુ નુકસાન કરે. ચામાં ઍસિડ હોય, શુગર પણ એક પ્રકારનો ઍસિડ પેદા કરે અને એમાં લૅક્ટોઝવાળું દૂધનું મિશ્રણ થાય. આ કૉમ્બિનેશન ખાલી જઠરને ડૅમેજ કરે છે.’
તો શું ચા-કૉફી પીવાની જ નહીં?
ઉપરનું વાંચીને ચાના રસિયાઓને આવો ઇમોશનલ સવાલ થાય અને ચા નહીં પીવા મળે એ વિચારથી પણ તેમનું માથું ચડી જાય, પણ એટલું સમજો કે ચા-કૉફી એ ભારતીયોની જરૂરિયાત નહીં, આદત છે એમ સમજાવતાં કેજલ શાહ કહે છે, ‘આઇડિયલી જુઓ તો ચા-કૉફી તમારા શરીરના પોષણમાં કોઈ ફાયદો નથી કરતી એટલે ન પીઓ તો સારું, પણ વડીલોની વર્ષોજૂની આદત એમ બદલી શકાય એમ નથી. એને કારણે હું વચલો રસ્તો સૂચવું છું. બે મીલ કે બ્રેકફાસ્ટ વચ્ચે ચા-કૉફી પીઓ તો ઓછું નુકસાન થાય. મલતબ કે સવારે ઊઠીને પહેલું પીણું તો ચા-કૉફી ન જ હોવું જોઈએ. ભૂખ્યા પેટે તમે શરીરને ન્યુટ્રિશન જ આપો. ભીંજવેલા નટ્સ અને ફ્રૂટ્સથી જ પહેલી શરૂઆત કરવી. એ પછી દોઢ-બે કલાકે ગરમ બ્રેકફાસ્ટમાં શુગર વિનાની કે ખૂબ ઓછી શુગરવાળી ચા પી શકાય.’
ગોળવાળી ચા
શુગરથી બચવા માટે આજકાલ ગોળવાળી ચાનાં આઉટલેટ્સ ખૂલ્યાં છે. રિફાઇન્ડ શુગરને રિપ્લેસ કરીને ગોળ વાપરવાથી ગિલ્ટ થોડું ઓછું થાય, પણ ચા-કૉફીના જે ગેરફાયદા છે એમાં ઘટાડો સંભવ નથી. એ વિશે કેજલ કહે છે, ‘તમે પીણામાં શુગર નાખો, ગોળ નાખો, હની વાપરો કે ઈવન મેપલ સીરપ; એ બધું જ આખરે તો સિમ્પલ શુગર અને સિમ્પલ કાર્બોહાઇડ્રેટ જ છે અને શરીર માટે એ સારું નથી જ. ચા-કૉફીને ગળપણ વિના કે ઓછા ગળપણ સાથે પીવાની આદત કેળવવી બહેતર છે.’
ગ્રીન કે બ્લૅક પીણાં બેસ્ટ
નૅચરલ ચાની પત્તીમાં અનેક ગુણો ભરેલા છે, જ્યારે એને ફર્મેન્ટ કરીને એમાંથી ભૂકી બનાવીને પ્રોસેસ્ડ ટી બનાવવામાં આવે છે ત્યારે જ એમાં વધારાનાં કેમિકલ્સ ભળે છે. ગ્રીન કે બ્લૅક ચાની પત્તીમાં ઘણા ગુણો ભરેલા છે એ વિશે ICMRની માર્ગદર્શિકામાં કહેવાયું છે કે ‘ગ્રીન ટીની પત્તીમાં થીઓબ્રોમાઇન અને થીઓફાલિન જેવાં કેમિકલ્સ હોય છે જે રક્તવાહિનીઓને રિલૅક્સ કરવાનું કામ કરે છે. એમાં બીજાં પણ ઘણાં ઉપયોગી ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ છે જે કોરોનરી હાર્ટ ડિસીઝનું જોખમ ઓછું કરે છે. આ ફાયદા સીમિત માત્રામાં ગ્રીન અને બ્લૅક ટી પીવાથી જ મળે છે.’
અન્ય પીણાં માટેની માર્ગદર્શિકા
ફ્રૂટ્સનાં જૂસ પીવાને બદલે ફળ આખાં ખાવાં. ફ્રૂટ-જૂસને ‘હેલ્થ ડ્રિન્ક’ ન ગણવું.
ઉનાળામાં શેરડીનો રસ લેવામાં પણ પ્રમાણમાત્રા જાળવવી. ૧૦૦ મિલીલીટર શેરડીના રસમાં ૧૩થી ૧૫ ગ્રામ શુગર હોય છે જે ડાયાબિટીઝના દરદીઓ માટે ઠીક નથી.
નારિયેળનું પાણી હાઇપરકૅલેમિયાને કારણે થતા કિડની ડિસીઝ કે હાર્ટ ડિસીઝની સમસ્યા ધરાવતા લોકોએ ઓછું પીવું.