22 January, 2025 08:13 AM IST | Mumbai | Heta Bhushan
મિસ્સી રોટી
ફૂડ ઍન્ડ ટ્રાવેલ ગાઇડ ટેસ્ટ ઍટલસ દ્વારા ૨૦૨૫નાં ટૉપ 100 વર્સ્ટ રેટેડ ફૂડની યાદીમાં આપણા પંજાબની મિસ્સી રોટીને ૫૬મું સ્થાન મળ્યું છે. આ વાતે અનેક ભારતીયોને વાંધો પડ્યો છે. અને કેમ ન પડે? જ્યારે આ વાનગી હેલ્થની દૃષ્ટિએ મેંદાની બ્રેડ જેવી વરાઇટીઓ સામે અનેકગણી ચડિયાતી છે ત્યારે એને વર્સ્ટ ફૂડ ગણવામાં આવે એ તો કેમ ચાલે? નિષ્ણાતને પૂછીએ પંજાબની ફેમસ રોટીની આ વરાઇટી કેટલી ગુણકારી છે
શિયાળાની સીઝનમાં પંજાબની અનેક વાનગીઓ સ્વાદ અને સેહતમંદના લિસ્ટમાં મોખરે રહે છે, પણ આ વખતે ફૂડ ઍન્ડ ટ્રાવેલ ગાઇડ ટેસ્ટ ઍટલસ દ્વારા ૨૦૨૫ના ટૉપ 100 વર્સ્ટ રેટેડ ફૂડની યાદીમાં મિસ્સી રોટીને વિશ્વની સૌથી ખરાબ ૧૦૦ વાનગીઓની યાદીમાં સ્થાન મળ્યું છે. જોકે આ યાદીમાં ચીજો સ્વાદના દૃષ્ટિકોણથી મૂલવાતી હોય છે, હેલ્થના દૃષ્ટિકોણથી નહીં. એમ છતાં આ ન્યુઝ ઇન્ટરનેટ પર વાંચ્યા પછી માત્ર પંજાબીઓ જ નહીં, અનેક ભારતીયોને આ બાબતે વાંધો પડ્યો. એક યુઝરે લખ્યું છે આ તો નાચ ન જાને આંગન ટેડા જેવો ખેલ છે. મિસ્સી રોટીને ખરાબ ગણાવનારાઓએ અસલી મિસ્સી ખાધી નહીં હોય એવું ઘણાનું માનવું છે. મેંદામાંથી બનતી નાન, રૂમાલી રોટી કરતાં આપણી મિસ્સી રોટી અનેકગણી સારી છે. એ વાત સાથે સહમત થતાં વીસ વર્ષનો અનુભવ ધરાવતાં સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ ઉષ્મા છેડા પાસેથી જાણીએ એના ફાયદા વિશે.
મિસ્સી રોટીની ઓળખાણ
ઉત્તર ભારતની સ્વાદસભર રોટી એટલે મિસ્સી રોટી. હવે હેલ્થ કૉન્શિયસ લોકો ત્રણ-ચાર લોટ મિક્સ કરીને બનાવેલી રોટીને પણ મિસ્સી રોટી ગણે છે. જોકે આપણે ત્યાં ટ્રેડિશનલી રાજસ્થાન અને પંજાબમાં ચણાના લોટ સાથે બનતી આ રોટલીને મિસ્સી રોટી કહેવાય છે. શિયાળામાં આ વાનગી ભરપૂર ખવાય છે. ચણાના લોટ સાથે અન્ય લોટ અને મસાલા નાખેલી રોટી જ્યારે ચૂલા પર શેકીને ખાવામાં આવે તો એની સોડમ, ફ્લેવર અને ફાયદા અપરંપાર છે. ઠંડીની સીઝનમાં આ વીગન રોટી લગભગ દરેક ઢાબા અને પંજાબી, રાજસ્થાની ફૂડ સર્વ કરતી રેસ્ટોરાંમાં મળે છે. હા, એને ગરમાગરમ ખાવી જરૂરી છે, નહીંતર ક્યારેક ચવ્વડ થઈ શકે છે.
પોષક તત્ત્વો કેટલાં?
એક મીડિયમ સાઇઝ મિસ્સી રોટીમાં ૧૨૦થી ૧૫૦ કૅલરી હોય છે. પ્રોટીન પાંચથી સાત ગ્રામ, વીસથી પચીસ ગ્રામ કાર્બોહાઇડ્રેટ, ત્રણથી ચાર ગ્રામ ફાઇબર અને બેથી ચાર ગ્રામ ફૅટ હોય છે. તમે મેંદાની રોટી, બ્રેડ, પાંઉ કે નાન ખાઓ એના કરતાં આ રોટલી સોગણી સારી છે. ટેસ્ટમાં પણ અને હેલ્થમાં પણ. એમાં વિટામિન B કૉમ્પ્લેક્સ સારી માત્રામાં હોય છે જે શરીરને એનર્જી પૂરી પાડવામાં મદદરૂપ થાય છે અને બ્રેઇન હેલ્થ માટે એ મહત્ત્વનાં છે. B કૉમ્પ્લેક્સની સાથે ફોલિક ઍસિડ પણ એમાં હોય છે જેને કારણે નવા કોષો બનાવવામાં અને રક્તકણો બનાવવામાં મદદ થાય છે. ચણાના લોટ કે સત્તુનો ઉપયોગ કર્યો હોય તો એમાં આયર્ન કન્ટેન્ટ પણ સારી હોય છે એટલે એ હીમોગ્લોબિન વધારે છે. જેમને હીમોગ્લોબિનની કમી હોય તેમણે આ રોટી ખાવી જોઈએ. એમાં મૅગ્નેશિયમ પણ સારું હોય છે જે મસલ્સને રિલૅક્સ રાખવામાં અને ચેતાતંતુઓનું ફંક્શન જાળવી રાખવામાં મદદ કરે છે. એમાં ફૉસ્ફરસ હોય છે જે હાડકાંની મજબૂતી માટે જરૂરી છે. આજકાલ નબળી ઇમ્યુનિટી પણ એક મોટો ઇશ્યુ છે. મિસ્સી રોટીમાં ઝિન્ક પણ સારું હોય છે જે રોગપ્રતિકારક શક્તિ બિલ્ડ કરે છે.
સ્વાસ્થયસભર ફાયદા
ભરપૂર પ્રોટીન : મિસ્સી રોટી ચણાના લોટથી બને છે અને એમાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે અને મસલ્સના રિપેર અને મેઇન્ટેનન્સમાં ફાયદાકારક છે.
ફાઇબરથી સમૃદ્ધ : મિસ્સી રોટીમાં રહેલું ફાઇબર પાચનક્રિયામાં મદદરૂપ છે. કબજિયાત દૂર કરવામાં મદદરૂપ છે અને ગટ હેલ્થને સારી રાખે છે.
ડાયાબિટીઝ માટે : મિસ્સી રોટીનો ગ્લાઇસીમિક ઇન્ડેક્સ ઓછો છે. મતલબ કે એ ચીજનું પાચન થઈને એમાંથી ગ્લુકોઝ ધીમે-ધીમે રિલીઝ થાય છે. આને કારણે લાંબો સમય સુધી એનર્જી શરીરને મળ્યા કરે છે. ડાયાબિટીઝના દરદીઓ ઓછા ગ્લાઇસીમિક ઇન્ડેક્સવાળી ચીજો ખાય તો એનાથી તેમને વારંવાર ભૂખ નથી લાગતી અને શરીરને જે ખાધું છે એમાંથી લાંબો સમય એનર્જી મળી રહે છે. એટલે ડાયાબિટીઝના પેશન્ટ માટે સૌથી સારો ઑપ્શન છે.
એનર્જી બૂસ્ટર : મિસ્સી રોટીમાં કૉમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ છે જે લાંબો સમય સુધી એનર્જી આપે છે.
સપોર્ટ હાર્ટ હેલ્થ : મિસ્સી રોટીમાં ચણાના લોટ અને ઘઉંના લોટનું કૉમ્બિનેશન છે જે ખરાબ કૉલેસ્ટરોલ ઓછું કરે છે.
વેઇટ મૅનેજમેન્ટ : મિસ્સી રોટીમાં ફાઇબર અને પ્રોટીનનું પ્રમાણ વધારે હોવાથી લાંબા સમય સુધી ભૂખ લગતી નથી અને વેઇટ લૉસમાં મદદરૂપ થાય છે.
ગ્લુટન-ફ્રી ઑપ્શન : મિસ્સી રોટી ઘઉંનો લોટ નાખ્યા વિના માત્ર ચણાના લોટમાંથી પણ બનાવી શકાય છે. કેટલાક લોકો જેમને ગ્લુટન ઇનટૉલરન્સની તકલીફ હોય છે તેમના માટે એક ગ્લુટન-ફ્રી ઑપ્શન બને છે.
સીડ્સ : મિસ્સી રોટીમાં ચિયા સીડ્સ કે ફ્લેક્સ સીડ્સ કે તલ ઉમેરવાથી ઑમેગા-થ્રી ફૅટી ઍસિડ અને ફાઇબર વધે છે.
ગ્રીન્સ : મિસ્સી રોટીમાં ઝીણી સમારેલી પાલક, મેથી, કોથમીર, લીલા કાંદાનાં પાન વગેરે ઉમેરવાથી આયર્ન અને વિટામિન છે.
મસાલા : હળદર ઍન્ટિ-ઇન્ફ્લૅમૅટરી અને અજમો પાચનક્રિયામાં મદદરૂપ થાય છે. એમાં લીલાં આદુંમરચાં, લીલી હળદર છીણીને કે લીલું લસણ પણ ઉમેરી શકાય છે.
મિસ્સી રોટી બનાવવાની રીત
સામગ્રી ઃ ૧ કપ ચણાનો લોટ અથવા સત્તુ પાઉડર
૧/૪ કપ ઘઉંનો લોટ
૧/૪ કપ ઝીણી સમારેલી કોથમીર
૧/૪ કપ ઝીણી સમારેલી મેથી અથવા લીલા કાંદા અને એનાં પાન
૧/૨ ટીસ્પૂન અજમો
૧/૨ ટીસ્પૂન જીરું
૧/૪ ટીસ્પૂન હળદર
૧/૪ ટીસ્પૂન લાલ મરચું અથવા વાટેલાં લીલાં આદુંમરચાં
મીઠું સ્વાદાનુસાર
પાણી લોટ બાંધવા
તેલ અથવા ઘી
રીત ઃ એક મોટા બાઉલમાં બધી સામગ્રી મિક્સ કરી સૉફ્ટ લોટ બાંધવો અને એના નાના લૂઆ બનાવી રોટલી વણવી અને તવા પર ઘી કે બટર કે તેલ લગાવી શેકીને ગરમાગરમ પીરસવી. ગરમાગરમ મિસ્સી રોટી પર માખણ, ઘી, બટર લગાવીને ખાઈ શકાય છે અને મિસ્સી રોટી સાથે જામશે સૅલડ, કાંદા, અથાણું, દહીં. એને વધુ હલ્ધી અને ફાયદાકારક બનાવવા એમાં હેલ્ધી સીડ્સ, ગ્રીન્સ, મસાલા ઉમેરી શકાય છે.
ન્યુટ્રિશન ટિપ્સ ઃ મિસ્સી રોટી સાથે પાલક કે મેથીનું શાક, મિક્સ વેજિટેબલ લેશો તો ભરપૂર આયર્ન, કૅલ્શિયમ વિટામિન્સ મળશે.
મિસ્સી રોટી સાથે વેજિટેબલ રાયતું ખાવાથી એ પ્રોબાયોટિક અને વિટામિન્સથી ભરપૂર બનશે.
મિસ્સી રોટી સાથે દાળ કે કઢી સાથે વધુ પ્રોટીન-રિચ ફૂડ બનશે.
મિસ્સી રોટી કોણે ખાવી જોઈએ?
જેમને પ્રોટીન મેળવવું હોય, ડાયાબિટીઝ હોય, એનીમિયા હોય, વજન ઓછું કરવું હોય એ બધાએ મિસ્સી રોટી ખાસ ખાવી જોઈએ. પ્રેગ્નન્ટ સ્ત્રીઓ અને બાળકને દૂધ પીવડાવતી માતાઓ પણ પોતાની ડાયટમાં સામેલ કરવી જોઈએ. એથ્લીટ્સ અને હાઈ ઍક્ટિવિટી કરતા લોકોએ વધુ પ્રોટીન અને એનર્જી માટે ખાસ મિસ્સી રોટી ખાવી જોઈએ.
કોણે ન ખાવી જોઈએ?
મિસ્સી રોટીમાં વધુ માત્રામાં પ્રોટીન અને પોટૅશિયમ હોવાથી જેમને કિડનીની સમસ્યા હોય તેમણે એ ન ખાવી અને ચણા કે ઘઉંની ઍલર્જી હોય તેમણે પણ ન ખાવી જોઈએ.