લીલા ચણાની સાથે હવે એની ભાજી પણ ખાજો

31 December, 2024 11:24 AM IST  |  Mumbai | Rajul Bhanushali

શિયાળાની સાંજે પોષણનો ભંડાર ગણાતા હરબરા આગમાં શેકીને ખાવાની મજા આવે છે, પણ આપણે એનાં પાનને સાવ જ અવગણીએ છીએ. ચાલો આજે જાણીએ લીલા ચણા અને એની ભાજીના ફાયદા

પ્રતીકાત્મક તસવીર

દિલ્હીમાં ચોલિયા, છત્તીસગઢમાં ચન્નાબુટ, ઝારખંડ-બિહારમાં ઝિંગરી અને આપણે ત્યાં હરબરા કે જીંજરા તરીકે ઓળખાતા લીલા ચણા શિયાળાનું સુપરફૂડ છે. આ શિયાળુ શાક વિશ્વના સૌથી જૂના પાકમાંનું એક ગણાય છે અને અત્યંત પૌષ્ટિક છે. ઘોડાને આ હરબરા ખવડાવવામાં આવે છે અને એટલે જ કહેવાય છે કે શિયાળામાં જે હરબરા ખાય તે ઘોડા જેવો તંદુરસ્ત થઈ જાય. આપણે ત્યાં આ હરબરા ફોતરાં સહિત શેકીને ખવાય છે, કાચા પણ ખવાય અને બાફીને પણ ખવાય છે, પરંતુ એની ભાજી એટલે કે જૂડી એટલે કે પાન ફેંકી દેવાય છે. આ ભાજીનું મજાનું શાક બને છે એની મોટા ભાગનાને ખબર નથી. આ શાક જેમણે નથી ખાધું તેમણે હજી કાંઈ ખાધું નથી એમ કહી શકાય. હરબરાના લીલા ચણાનાં વડાં પણ બને છે.

લીલા ચણા

લીલા ચણાને ગ્રામીણ વિસ્તારમાં હોરા કે હોરહા કહેવામાં આવે છે. આ વિશે મુલુંડનાં ડાયેટિશ્યન રીટા જૈન કહે છે, ‘લીલા ચણામાં સાત મહત્ત્વનાં ન્યુટ્રિઅન્ટ જોવા મળે છે. મૅગ્નેશિયમ, ઝિન્ક, વિટામિન-બી કૉમ્પ્લેક્સ, વિટામિન-કે, ફોલેટ, પેન્ટોથેનિક ઍસિડ અને મિનરલ્સ. ઠંડીના દિવસોમાં શરીરમાંથી સેરોટોનિન એટલે કે ફીલ ગુડ હૉર્મોનનું સ્તર ઘટવા માંડે છે જે આપણા મૂડને સીધી અસર કરે છે. આપણે સુસ્તી અનુભવવા માંડીએ છીએ. ઘણાને એને કારણે મૂડ-સ્વિંગ પણ થાય, ચિંતા અને બેચેની થાય કે ધબકારા વધી જવા જેવી ફરિયાદો પણ વધી જાય છે. એ વખતે લીલા ચણામાં રહેલું ફોલેટ એટલે કે વિટામિન-B9 એવી સ્થિતિમાંથી બહુ ઝડપથી બહાર આવવામાં મદદ કરે છે. આ લીલા ચણા એટલા ગુણકારી છે કે સગર્ભા સ્ત્રીઓએ પણ ખાવા જોઈએ. કૉલેસ્ટરોલ અને બ્લડશુગર લેવલ કન્ટ્રોલ કરવા સિવાય લીલા ચણા અન્ય રીતે ફાયદાકારક છે. એમાં રહેલાં મૅગ્નેશિયમ અને પોટૅશિયમ બ્લડપ્રેશરને પણ નિયંત્રણમાં રાખે છે. ચણામાં ભરપૂર માત્રામાં પ્રોટીન રહેલું છે જે મસલ્સની વૃદ્ધિ માટે ઉપકારક છે. આમાં બીટા સેટોસ્ટૅરોલ હોય છે જેને પ્લાન્ટ સ્ટૅરોલ પણ કહેવામાં આવે છે. આ જ ગુણ કૉલેસ્ટરોલના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે. એના સેવનથી પ્રોસ્ટેટ અને અન્ય પેશીઓમાં બળતરા પણ ઓછી થાય છે.’

શેકેલા લીલા ચણાના ફાયદા

વેજિટેરિયન્સ માટે કઠોળ એ પ્રોટીનનો ઉત્તમ સોર્સ છે અને તાકાત આપવાની બાબતમાં ચણા શ્રેષ્ઠ આહાર કહેવાયો છે. ઘોડા જેવી તાકાત શરીરમાં કેળવવી હોય તો ચણા ખાવા જોઈએ એવું કહેવાય છે. અલબત્ત, એ માટે સાથે પૂરતી કસરત કરવી પણ જરૂરી છે. શિયાળામાં પાચનશક્તિ પ્રબળ હોય છે એટલે આ સીઝનમાં લીલા ચણા પચી જાય છે. ગોરેગામના આયુર્વેદ નિષ્ણાત વિનય સિંહ કહે છે, ‘ડાયાબિટીઝના દરદીઓ માટે લીલા ચણા વરદાનરૂપ છે. એમાં ભરપૂર ડાયટરી ફાઇબર હોય છે એટલે એનું શાક બનાવીને અથવા તો શેકીને ખાવાથી બ્લડશુગર ધરાવતા લોકોને શુગરનું નિયંત્રણ કરવામાં મદદ થાય છે. એ ધીમે-ધીમે પચે છે એટલે એ ખાધા પછી લાંબા સમય સુધી પેટ ભરાયેલું રહે છે અને લાંબો સમય એનર્જી મળતી રહે છે. લીલા ચણા ખાવાથી સારા અને ખરાબ કૉલેસ્ટરોલની માત્રાનું નિયમન થાય છે. એમાં રહેલું ફાઇબર આંતરડામાં રહેલા સારા બૅક્ટેરિયાને પોષણ પૂરું પાડે છે.’

ચરબી સાથે લેવા જોઈએ

જોકે લીલા ચણાનો ઉત્તમ ફાયદો જોઈતો હોય તો એને શેકીને કે બાફીને ખાવાની આદત શ્રેષ્ઠ નથી એમ જણાવતાં ડૉ. વિનય સિંહ કહે છે, ‘ચણા હોય કે કોઈ પણ કઠોળ, એ સુપાચ્ય બને એ માટે થોડી ફૅટ જરૂરી છે. કાચા, શેકેલા કે બાફેલાં ચણાથી વાયુ થાય છે. જે લોકોની પાચનશક્તિ સારી છે તેઓ જ શેકેલા પોપટા પચાવી શકે છે. ચણાને સુપાચ્ય બનાવવા માટે એને તલ કે સિંગના તેલ સાથે લેવામાં આવે એ જરૂરી છે. કઠોળને પકાવવા માટે ઘી નહીં, તેલ શ્રેષ્ઠ છે. ફૅટની હાજરીને કારણે લીલા ચણામાં રહેલાં તમામ વિટામિન્સ અને મિનરલ્સ પણ સુપાચ્ય બને છે અને શરીરમાં સરળતાથી ઍબ્સૉર્બ થાય છે. લોકો બાફેલા ચણા ખાય છે એવું પણ ન કરવું જોઈએ. એને તેલમાં વઘારીને ખાવા ઉત્તમ છે.’

પાનમાં પણ ખૂબ પોષણ રહેલું છે

અમે આ વિશે વધુ જાણવા મુલુંડ-બેઝ્‍ડ ડાયટિશ્યન રીટા જૈનનો સંપર્ક કર્યો. તેઓ કહે છે, ‘શિયાળામાં મળતું આ શાક પોષક તત્ત્વોનો ભરપૂર સ્રોત છે. એમાં વિટામિન-સી, આયર્ન અને ફોલેટ જેવાં આવશ્યક વિટામિન અને ખનિજો છે જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. શિયાળામાં થતી સામાન્ય બીમારીઓ સામે રક્ષણ આપે છે. ચણામાં અમુક ગુડ બૅક્ટેરિયા હોય છે જે પાચનતંત્રને મજબૂત બનાવે છે. ખૂબ ઓછી કૅલરી અને ઊંચું ફાઇબર હોવાને કારણે એ ભૂખ પર નિયંત્રણ કરે છે અને વજન ઘટાડવાનો પ્રયત્ન કરતા લોકો માટે ફાયદાકારક સાબિત થાય છે. આપણે લીલા ચણા તો ખાઈએ પણ મોટા ભાગે એની ભાજી એટલે કે પાન ફેંકી દેઈએ છીએ, પરંતુ એનાં પાનમાં પણ ખૂબ પોષણ રહેલું છે. પાનમાં ઑમેગા-3 ફૅટ અને કોષોને ઑક્સિડેશનથી બચાવે એવાં તત્ત્વો છે જે ઇન્ફ્લેમેશન ઘટાડે છે. એમાં રહેલું કૅલ્શિયમ અને મૅગ્નેશિયમ હાડકાં અને દાંતને મજબૂત કરે છે. ચણામાં ભરપૂર માત્રામાં પ્રોટીન રહેલું છે જે મસલની વૃદ્ધિ માટે ઉપકારક છે. માત્ર શિયાળામાં મળતા આ શાકનો ઉપયોગ આહારમાં ચોક્કસ કરવો જોઈએ. એટલે હરબરાની ઝૂડીમાંથી લીલા ચણા કાઢી લીધા પછી એની ભાજીનાં પાન ફેંકવાં નહીં. એનું શાક બનાવવામાં ઉપયોગ કરવો.’

પાનના શાકની રેસિપી
હરબરાના કૂણાં પાનને ચૂંટી લેવાં. પછી એને જોરથી ઝાટકી લેવાં જેથી કોઈ જીવજંતુ હોય તો ખરી પડે. પછી વ્યવસ્થિત ધોઈને ઝીણા સમારી લેવાં. મસાલા માટે કાચા સિંગદાણા, લીલાં મરચાં, લસણ (લીલું હોય તો ઉત્તમ, સાદું પણ ચાલે) અને જીરું - આ ચાર વસ્તુને મિક્સરમાં અધકચરી પીસી લેવી. તેલમાં હિંગનો વઘાર મૂકીને આ પીસેલો મસાલો સાંતળવો અને પાન નાખી દેવાં. મીઠું અને થોડું પાણી છાંટીને શાક ચઢવા દેવું. બીજું કશું જ નાખવાની જરૂર નથી. ચોખાના રોટલા સાથે આ શાક ખૂબ ટેસ્ટી લાગે.

 ધ્યાનમાં રાખો
હરબરાની જૂડીના માત્ર ચણા અને પાનનો જ ઉપયોગ કરવો. એની સ્ટેમ એટલે કે એના જે દંઠલ હોય છે એ ડાયજેસ્ટ કરી શકવાની ક્ષમતા મનુષ્યના શરીરમાં નથી. એ ખાવાથી પેટ ખરાબ થઈ શકે. 

life and style indian food health tips