22 June, 2024 07:30 AM IST | Mumbai | Sanjay Goradia
સંજય ગોરડિયા
મુંબઈ આખામાં તમને ઠેરઠેર ભેળપૂરી, સેવપૂરી જોવા મળે, ખાવા મળે પણ બહુ ઓછી જગ્યા એવી હોય છે જ્યાં હાઇજીનથી લઈને ઑથેન્ટિક ટેસ્ટ અને શુદ્ધ ઇન્ગ્રીડિયન્ટ્સ વપરાતાં હોય એવું જોવા મળે. જો મને એવી જગ્યા મળે તો હું તો તરત મારા લોકોને એની જાણ કરું. આવી જ મને એક જગ્યા મળી અને મને થયું કે મારે એ જગ્યા અને એ જગ્યાનો આસ્વાદ તમારા સુધી પહોંચાડવાં જ રહ્યાં.
હમણાં હું જુહુના પૃથ્વી થિયેટર પર ગયો હતો. વહેલો પહોંચી ગયેલો એટલે ખાવાની નવી જગ્યા શોધવા નીકળ્યો બહાર. હું જુહુ તારા રોડ પર આવ્યો અને સહેજ લેફ્ટ તરફ વળ્યો ત્યાં મને એક બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં એક ભેળપૂરીવાળો ભૈયો દેખાયો. રોડ પર નહીં, બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં બેત્રણ ફુટ અંદર. તેની ચોખ્ખાઈ જોઈને મને થયું કે આની એકાદ વરાઇટી ટ્રાય કરું અને મેં તો આપ્યો ભેળપૂરીનો ઑર્ડર. મારા અગાઉ બેત્રણ જણ ઊભા હતા અને એ પછી પણ મારે રાહ જોવી પડી એટલે મેં તેને કહ્યું કે ભાઈ, આપ મને તો મને તે કહે કે સર, આમનાં પાર્સલ ચાલે છે!
કોઈની ચાર ભેળપૂરી ને કોઈની પાંચ સેવપૂરી ને એવું ચાલ્યા જ કરે. હું સમજી ગયો કે ભાઈ, આવ્યો છું તો પ્રૉપર જગ્યાએ.
પંદર-સત્તર મિનિટ પછી મારા હાથમાં મારો ઑર્ડર આવ્યો. બહુ સરસ ભેળ અને એકદમ ઑથેન્ટિક મુંબઈનો ટેસ્ટ. હળદર નાખેલા સહેજ વઘારેલા મમરા, ઝીણી સેવ, સહેજ કાંદા, લાલ લસણની ચટણી, કોથમીર-મરચાંની લીલી તીખી ચટણી અને ખજૂર-આમલી-ગોળની ચટણી, જેમાં ખજૂર નામપૂરતો અને આમલી-ગોળનું પ્રમાણ વધારે. મિત્રો, એક વાત યાદ રાખજો, જ્યારે પણ મુંબઈમાં તમે ભેળપૂરી ખાઓ અને એ ભેળપૂરીમાં તમને ટમેટાં, ચણાની દાળ, ખારી સિંગ કે પછી મસાલા સિંગ જોવા મળે ત્યારે સમજી જવું કે આ ઓરિજિનલ મુંબઈની ભેળ નથી. આપણી ભેળમાં એ બધું આવે જ નહીં.
મારી ભેળ તૈયાર થઈ એટલે એના પર કોથમીરનું ગાર્નિશિંગ કરીને મને આપવામાં આવી. મારા મનમાં દોથો ભરીને ખુશી હતી પણ મારી એ ખુશીમાં ઉમેરો કર્યો એ માણસની પૂરીએ. હા, ભેળપૂરી આપણે પૂરી સાથે જ ખાતા હોઈએ છીએ. આ જે ભૈયો હતો તેની પૂરી સહેજ મોટી હતી અને તેણે એવી રીતે બનાવી હતી કે એ પૂરીના આગળના ભાગ સહેજ વળેલા હતા, જેને લીધે એ પૂરી ચમચીની ગરજ સારતી હતી. મને થયું કે ક્યાંક આવું અજાણતાં તો નથી થયુંને એટલે મેં તો તેની પાસે બીજી પૂરી માગી તો એનો પણ આકાર એવો જ, ચમચીની ગરજ સારે એવો.
મેંદો અને ઘઉંના લોટની એ પૂરી સહેજ કડક હતી, જે ખરેખર તો ભેળ ખાવામાં હોવી જ જોઈએ. રાજી થતાં-થતાં મેં તો ભેળનો ટેસ્ટ કર્યો અને આંખોને મળેલી તૃપ્તિ આગળ વધીને મારી જીભ સુધી પહોંચી. એક પણ સ્વાદમાં અતિરેક નહીં અને ક્યાંય નામપૂરતો પણ કલર કે કેમિકલ નહીં.
ભેળ પછી મેં તરત સેવપૂરી મગાવી તો એમાં પણ મને મજા આવી ગઈ. સેવપૂરીની પૂરીનો આકાર સહેજ નાનો, જેથી એ આખી તમારા મોઢામાં જઈ શકે અને પ્રમાણમાં એ સૉફ્ટ પણ ખરી. મને એ માણસની ચીવટ પર માન થઈ ગયું અને સાથોસાથ થઈ ગયું કે તમને પણ તાકીદ કરી દઉં કે જો તમે પૃથ્વીની આજુબાજુમાં ક્યાંય પણ જવાના હો તો ભૂલ્યા વિના આ જગ્યાએ જજો. પૃથ્વીથી બહાર નીકળીને જુહુ તારા રોડ પર આવો એટલે સહેજ ડાબી બાજુએ વળવાનું. એ પછી આવતા બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં બે-ત્રણ ફુટ અંદરની બાજુએ આ ભૈયો ઊભો રહે છે.
જજો, ભૂલ્યા વિના. ધક્કો વસૂલ થશે.