સમર વેડિંગનાં સુપરકૂલ ડિઝર્ટ

13 April, 2023 04:40 PM IST  |  Mumbai | Varsha Chitaliya

ઉનાળામાં આયોજિત લગ્નપ્રસંગોમાં કૂલ-કૂલ ફીલ કરાવતાં ડિઝર્ટની ત્રણ-ચાર વરાઇટી હવે કૉમન થઈ ગઈ છે. ઑલટાઇમ ફેવરિટ ગણાતા આઇસક્રીમ ઉપરાંત વૉફલ્સ, કેક અને ફ્રૂટ્સમાં પણ ક્રેવિંગ થાય એવું ઘણુંબધું આવી ગયું છે

સમર વેડિંગનાં સુપરકૂલ ડિઝર્ટ

સમરમાં લગ્ન લેવાનાં હોય ત્યારે વેન્યુ અને મેનુ એવાં હોવાં જોઈએ જેમાં મહેમાનોને ઠંડા-ઠંડા કૂલ-કૂલનો એહસાસ થાય. બુફે ડિનર પછી કુછ મીઠા હોય જાએ એ ભારતીયોની વીકનેસ છે તેથી લગ્નમાં છેલ્લી આઇટમ તરીકે આઇસક્રીમ રાખવાની પ્રથા વર્ષોથી પ્રચલિત છે. જોકે હવે માત્ર આઇસક્રીમથી નથી ચાલતું. આજકાલ કોઈ પણ વેડિંગ મેનુ એના લિપ સ્મેકિંગ અને માઉથ વૉટરિંગ ડિઝર્ટની વાઇડ રેન્જ વિના અધૂરો ગણાય છે. મહેમાનોના ક્રેવિંગને ધ્યાનમાં રાખી દર વખતે હટકે ઇનોવેશન્સ ઍડ થતાં હોય છે ત્યારે આ સીઝનમાં ડિઝર્ટના કાઉન્ટર પર કેવી મજેદાર ડિશ ચાખવા મળશે જોઈએ. 

વેરિએશન ઇન પ્લેટ

ઇન્ડિયન સમર વેડિંગમાં ડિઝર્ટની વાત કરીએ તો આઇસક્રીમ એવરગ્રીન છે અને હંમેશાં રહેશે. લેટેસ્ટ ટ્રેન્ડ પ્રમાણે વન ટ્રેડિશનલ (આઇસક્રીમ) પ્લસ ટૂ ફ્યુઝન ડિઝર્ટ દરેક લગ્નમાં હોય છે એવી જાણકારી આપતાં ગાલા કેટરર્સના રાજેશ ગાલા કહે છે, ‘સ્ટાર્ટર અને મેઇન કોર્સની જેમ આજે ડિઝર્ટમાં પણ લોકોને વેરિએશન જોઈએ છે. કલર અને પ્રેઝન્ટેશન જોઈને મોઢામાં પાણી આવવું જોઈએ. મૅકરન્સ, કેક, પેસ્ટ્રી, ફ્રૂટ્સ, વૉફલ્સ અને ફ્યુઝન સ્વીટ્સ એમ બધી જ આઇટમ ડિઝર્ટના કાઉન્ટર પર જોઈ શકાય છે. મહેમાનોને આકર્ષવા દર નવી સીઝનમાં ટ્વિસ્ટ લાવવું પડે. જેમ કે અગાઉ ફ્રૂટ્સને કાપીને ગોઠવી દેવામાં આવતાં હતાં. હવે એને સ્ટાર્ટરની જેમ સ્ટિકમાં લઈને ખાઈ શકાય એ રીતે ડેકોરેટ કરીને મૂકવામાં આવે છે. ભારતીય ફળોનું સ્થાન ચેરી, મૅન્ગો સ્ટિંગ, લગૂની લિચી જેવા ઇમ્પોર્ટન્ટ ફ્રૂટે લઈ લીધું છે. બ્રાઉન ચૉકલેટ કરતાં વાઇટ ચૉકલેટમાંથી બનાવેલી ડિશ લોકોને વધુ આકર્ષે છે. આઇસક્રીમ સાથે પેસ્ટ્રી અને વૉફલ્સ આવી ગયાં છે. ટૉપિંગ્સ અને ફ્યુઝનમાં ઘણા એક્સપરિમેન્ટ્સ કરી શકાય. નૉવેલ્ટી ઍડ કરતી વખતે અમે લોકો ફ્લેવરનું ખાસ ધ્યાન રાખીએ છીએ.’

સમર મેનુ પ્લાન કરતી વખતે અમે ક્લાયન્ટ્સને ફૂડમાં બે આઇટમ ઓછી રાખવાની અને ડિઝર્ટના કાઉન્ટર માટે વધારે સ્પેન્ડ કરવાની ભલામણ કરીએ છીએ, કારણ કે આ મોસમમાં 
તીખી અને ગરમાગરમ વાનગીઓ ઓછી ખવાય છે. કેટરિંગ ઇન્ડસ્ટ્રીમાં વિન્ટર અને સમર વેડિંગના મેનુમાં આ સૌથી મોટો ફરક જોવા મળે છે એવી વાત કરતાં યુવરાજ હૉસ્પિટાલિટીના આસ્તિક શાહ કહે છે, ‘હૉટ ડિઝર્ટ આઉટડેટેડ છે. પેસ્ટ્રી અને ચીઝની આઇટમ ડિમાન્ડમાં છે પણ હમણાં લોકોનો ટેસ્ટ ચેન્જ થયો છે. આ સીઝનમાં ફૂડ કરતાં લિક્વિડ તરફ મહેમાનો વધુ આકર્ષાય છે તેથી ડિઝર્ટમાં સોડા, લસ્સી, ગોલા અને શુગરકેનનાં લાઇવ કાઉન્ટર ખૂબ ચાલે છે. કચ્છી અને ગુજરાતીઓના લગ્નપ્રસંગમાં છાશ પણ હોવી જોઈએ. આ આઇટમોમાં અમે લોકોએ ઘણું નવું એક્સપ્લોર કર્યું છે અને સારો રિસ્પૉન્સ છે.’ 

ટ્રેન્ડિંગ આઇટમ

મોસ્ટ ટ્રેન્ડિંગ ડિઝર્ટના લિસ્ટમાં હવે સુરકેન જૂસ આઇસક્રીમ કરતાં આગળ નીકળી ગયો છે. એ ગેસ્ટ સાત-આઠ ગ્લાસ કન્ઝ્યુમ કરે છે એમ જણાવતાં આસ્તિક કહે છે, ‘શેરડીનો રસ કાઢતી વખતે અવાજ ન આવે એવાં આધુનિક કૉમ્પૅક્ટ મશીનો આવી ગયાં છે. વેસ્ટ ગાર્બેજ બિનમાં કલેક્ટ થાય તેથી પ્રેઝન્ટેબલ લાગે. આઇસ ગોલાના કાઉન્ટર પર પણ ખૂબ ભીડ થાય છે. ઑરેન્જ, કાલા ખટ્ટા, કાચી કેરી, રોઝ અને મિલ્કમેડ રનિંગ ફ્લેવર છે. એક સમયે જમ્યા પછી ગોટી સોડા પીવાનો ટ્રેન્ડ હતો. અત્યારે ગોટી સોડા પણ વન ઑફ ધ પૉપ્યુલર ડિઝર્ટમાં સામેલ છે. એમાં ગ્વાવા, બ્લુબેરી, મોઇટો, બબલગમ, ફ્રૂટ બિઅર જેવી ૩૫ ફ્લેવર આવી ગઈ છે. બટર મિલ્ક અને લસ્સીમાં ઘણીબધી ફ્લેવર ઇન્ટ્રોડ્યુસ કરી છે. આ સીઝનમાં પાણીપૂરી ફ્લેવરની છાશ લાવ્યા છીએ. મૅન્ગો, સ્ટ્રૉબેરી, નટેલા, પાન ફ્લેવર લસ્સી ટ્રેન્ડિંગ છે. હમણાં બ્લુબેરી ફ્લેવર્ડ લસ્સીને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ બધાની સાથે અમે ડિફરન્ટ ફ્લેવરની કોલ્ડ સ્ટોન આઇસક્રીમ રોલ અને પ્રી-પ્લેટેડ સિંગલ ડિઝર્ટ આપીએ છીએ. એમાં હેઝલ નટ, ચૉકલેટ અને ફ્રૂટ જેવી ત્રણ-ચાર આઇટમને ડેકોરેટ કરીને એક જ પ્લેટમાં સર્વ કરવામાં આવે છે. પોવલોવા નામનું ઑસ્ટ્રેલિયન ડિઝર્ટ સુપર્બ આઇટમ છે. મેંદાના ડાર્ક બેઝમાં અલગ-અલગ જાતની બેરી નાખીને બનાવવામાં આવે છે. પ્રેઝન્ટેશન સાથે લાઇવ ફૉર્મમાં સર્વ થતાં ડિઝર્ટ મહેમાનોને ઍટ્રૅક્ટ કરે છે.’

આઇસક્રીમ કમ્પલ્સરી છે પણ સ્લાઇસ કરીને પ્લેટમાં આપી દો કે કપમાં સ્કૂપ સર્વ કરો એવું નથી ચાલતું, પ્રેઝન્ટેશન પર ફોકસ રાખવામાં આવે છે એવી વાત કરતાં રાજેશભાઈ કહે છે, ‘આઇસક્રીમ સાથે વૉફલ્સ અને કેકનું કૉમ્બિનેશન ટ્રેન્ડિંગ આઇટમ છે. ક્લાઉડ આઇસક્રીમના ટેક્સ્ચર અને કલર મહેમાનોને ઍટ્રૅક્ટ કરે છે. નવી સીઝનમાં પુલ મી અપ કેક સૌથી વધારે ચાલે છે. પ્લેટની ઉપર રાઉન્ડ પાઇપ શેપના ટ્રાન્સપરન્ટ કન્ટેનરમાં કેક અને સૉસને સેટ કરીને રાખવામાં આવે. કવર હટાવો એટલે કેક પ્લેટમાં સ્પ્રેડ થઈ જાય. કેક અને વૉફલ્સમાં અઢળક ઇનોવેશન્સ થઈ શકે છે. આજકાલ પ્લેટેડ ડિઝર્ટ પણ ખૂબ ચાલે છે. કેક, વૉફલ્સ, ટૉપિંગ્સ બધું જ એક પ્લેટમાં સર્વ થઈ જાય. ચૉકલેટ કૉમન છે તેથી આ ડિઝર્ટમાં અમે લોકોએ બેરી અને નટ્સ ઍડ કર્યાં છે. સમર વેડિંગમાં ચિલ્ડ આઇટમની સાથે સ્ટ્રૉબેરી, ઑરેન્જ અને નટેલા મૅકરન્સ, ફોરેટ નોઇરે, ચૉકલેટ લાવા વગેરે પણ ઘણાં ખવાય છે.’

ટ્રેન્ડમાં શું છે?
 
ડિઝર્ટના નવા-નવા ટ્રેન્ડમાં આઇસક્રીમ-કમ-કેક ટાઇપનું કૉફી લવર્સને જલસો પડી જાય એવું ઇટાલિયન ડિઝર્ટ તિરામિસુ સુપરહિટ છે. એમાં સ્પન્જ કેકને કૉફીમાં ડિપ કર્યા બાદ પાઉડર્ડ ચૉકલેટ, મસ્કારપૉને ચીઝ અને વ્હિપિંગ ક્રીમથી ડેકોરેટ કરીને સર્વ કરવામાં આવે છે.કિંગ ઓફ ફ્રૂટઆમરસ વિના જમણવાર અધૂરો કહેવાય એવી જ રીતે સમર વેડિંગમાં ડિઝર્ટમાં મૅન્ગો પ્લાઝા કાઉન્ટર જોઈએ જ. સમર અને મૅન્ગોનું પર્ફેક્ટ કૉમ્બિનેશન છે. કિંગ ઑફ ફ્રૂટનું અલાયદું કાઉન્ટર લગભગ દરેક લગ્નપ્રસંગમાં જોવા મળશે. એક્સપર્ટ્સનું કહેવું છે કે મૅન્ગોની આઠથી દસ વરાઇટી કૉમન છે. મૅન્ગો ચીઝ કેક, મૅન્ગો ફાલૂદા, ક્રીમી મૅન્ગો ડિલાઇટ, મૅન્ગો ટ્રફલ, ગુલાબજાંબુ મૅન્ગો પેસ્ટ્રી, મૅન્ગો કલાકંદ, મૅન્ગો મસ્તાની, મૅન્ગો કોકોનટ જેલી, મૅન્ગો લસ્સી, મૅન્ગો ચિયા પુડિંગ, મૅન્ગો પન્નાકોટા, કાર્વિંગ મૅન્ગો પૉપ્યુલર છે.
life and style columnists Varsha Chitaliya