29 December, 2024 07:34 PM IST | Ahmedabad | Shailesh Nayak
વેજિટેબલ જાવરી સાથે બિનિતા શાહ, મિલેટ નમકીન હલવા સાથે લીલા પ્રજાપતિ.
અમદાવાદમાં બુધવારે સૃષ્ટિ સંસ્થા દ્વારા વીસરાતી જતી વાનગીઓની હરીફાઈ યોજાઈ હતી. આ હરીફાઈમાં ૬૦ મહિલાઓ અને પુરુષો જાત-જાતની વિશિષ્ટ વાનગીઓ બનાવીને લાવ્યાં હતાં. ૭૩ વર્ષનાં ભારતી સોની અશ્વગંધાના લાડુ, પપૈયાની સુખડી, મૂળાના પાનની ચટણી, સરગવા અને મરચાનું અથાણું, પપૈયાનું અથાણું તેમ જ ગલગોટા અને પપૈયાનું શરબત બનાવીને લાવ્યાં હતાં. એને જોઈને લોકો અચરજ પામી ગયા હતા. ભારતી સોનીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બે દિવસની મહેનત કરીને આ બધી વસ્તુઓ બનાવીને લાવી છું. હું ઘરે રહીને આ બધી પ્રવૃત્તિ કરું છું. મને આવી વાનગીઓ બનાવવાનો શોખ છે. ખાંડ અને ઘી વગરના અશ્વગંધાના લાડુ બનાવ્યા છે જે શક્તિદાયક છે. પપૈયાની સુખડી બનાવી છે જે સ્વાસ્થ્ય માટે સારી છે. મને થાપામાં ક્રેક પડી ગઈ હતી એ સમયે મેં પપૈયું ક્રશ કરીને એમાં પાણી, થોડું મીઠું અને કાળાં મરી નાખીને પીતી હતી. તમે માનશો નહીં, પણ પપૈયાનું પાણી પીવાથી હવે હું ચાલી શકું છું. આ ઉપરાંત ગલગોટાનાં ફૂલમાંથી શરબત બનાવ્યું છે. ફૂલ ઉકાળીને એમાં મીઠું અને કાળાં મરી નાખીને પીવાનું હોય છે. શિયાળાના આ દિવસોમાં આ શરબત પીવાં અને અશ્વગંધાના લાડુ તેમ જ પપૈયાની સુખડી ખાવી સ્વાસ્થ્ય માટે સારું છે.’
અશેળિયાની ખીર સાથે દક્ષા લાખાણી.
૬૭ વર્ષનાં દક્ષા લાખાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શિયાળામાં અશેળિયાની ખીર ખાવી જોઈએ. અશેળિયું શક્તિ આપે છે. જેને પણ મેં એની વાત કરી તેઓ મને પૂછતા કે અશેળિયું એટલે શું? મોટા ભાગના લોકોને અશેળિયાની ખબર નથી. અશેળિયું વીસરાતી વસ્તુ છે એટલે મને થયું કે એની કોઈ આઇટમ બનાવીને લઈ જાઉં, એટલે અશેળિયાની ખીર બનાવીને લાવી છું.’
ઘઉં, ચોખા અને મગમાંથી બનાવેલી વેજિટેબલ જાવરી લઈને ૬૦ વર્ષનાં બિનિતા શાહ આવ્યાં હતાં. તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મને નવી-નવી વસ્તુઓ બનાવીને ખાવાનો શોખ છે એટલે હું અલગ-અલગ વરાઇટી બનાવું છું. અત્યારે હું વેજિટેબલ જાવરી લઈને આવી છું. મગ, ચોખા અને ઘઉંને શેકીને કરકરું દળવાનું. સીઝનનાં શાકભાજી સાથે લીલું લસણ, લીલાં મરચાં અને સૂકી ડુંગળીને સાંતળી લેવાનાં. આ મિશ્રણમાં શેકેલો લોટ નાખી દેવાનો અને માપસરનું પાણી લઈને કુકરમાં ત્રણ સિટી બોલાવતાં વેજિટેબલ જાવરી તૈયાર થઈ જાય છે.’
હેલ્ધી મોમોઝ સાથે વિભા ચાંપાનેરી.
૫૮ વર્ષનાં વિભા ચાંપાનેરી રાગી, કોદરી, જવ અને જુવારના ગ્લુટનફ્રી મોમોઝ બનાવીને લાવ્યાં હતાં. તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી જાતે હું ખાવાની નવી-નવી વસ્તુઓ ઇનોવેટ કરીને બનાવું છું, મને એ ગમે છે એટલે મિલેટનાં સમોસાં, ઢોકળાં, ઇડલી પણ બનાવી છે; પરંતુ અહીં હું મિલેટ મોમોઝ બનાવીને લાવી છું. કોદરી, રાગી, જવ, જુવારના લોટમાં વેજિટેબલ નાખીને મિક્સ કર્યાં છે. લીલું મરચું, આદું-લસણ નાખ્યાં છે એટલે એ પૌષ્ટિક અને ટેસ્ટી પણ બને છે તેમ જ બજારમાં મળતા મોમોઝ કરતાં આપણું ફૂડ હેલ્ધી છે. આ ઉપરાંત પાલકનાં પત્તાંમાંથી પણ મોમોઝ બનાવ્યાં છે. રાગી, અખરોટ અને ખજૂરમાંથી બરફી પણ બનાવી છે.’
અશ્વગંધાના લાડુ, પપૈયાની સુખડી સાથે ભારતી સોની.
૬૪ વર્ષનાં લીલા પ્રજાપતિએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મને ખાવાની નવી-નવી વાનગીઓ બનાવવી ગમે છે એટલે મેં દૂધી અને મકાઈ, શ્રીફળ અને મેથી, લીલાં મરચાંમાંથી મિલેટ નમકીન હલવો બનાવ્યો છે. આ ઉપરાંત નારિયેળની રબડી તેમ જ નારિયેળની છાસ પણ બનાવી છે. નારિયેળને ક્રશ કરીને એમાં પાણી નાખીને એને ગાળી દીધા પછી જીરું, સંચળ નાખીને નારિયેળની છાસ પીવો તો એનો ટેસ્ટ અલગ જ આવશે અને એ હેલ્થ માટે સારી છે.’
ગુજરાતી ત્રિરંગી પોટલી બનાવીને પલક શેઠ આવ્યાં હતાં. તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘લીલા ચણામાં રાગી અને ઘઉંનો લોટ મિક્સ કરીને લીલી ડુંગળી, આદું, લસણ, ગાજર, મીઠું, મરચું નાખીને એના ઉપર પાલક, રાગી અને બીટનું લેયર કરીને સ્ટીમ કરીને આ વાનગી બનાવી છે. આ વાનગી સ્વાસ્થ્ય માટે હેલ્ધી છે. આ વાનગી પહેલી વખત બનાવી છે અને એનો ટેસ્ટ બધાને પસંદ પડ્યો છે.’
રતાળુ, શક્કરિયાં અને બટાટાના બાર્બેક્યુ સાથે નીના દેસાઈ.
રતાળુ, શક્કરિયાં અને બટાટાનું બાર્બેક્યુ કરીને એક અલગ ડિશ નીના દેસાઈએ પીરસી હતી. તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રતાળુ, શક્કરિયાં અને બટાટાને બાફીને એના પર ઘી લગાવીને કાંટામાં ભરાવીને સગડી પર શેકવાનાં. એના પર લવિંગ પણ નાખી શકાય. આ સાથે મેથી ભાજીની ચટણી, સવા પાલકની ચટણી અને ખજૂર, સફરજન અને દાડમની ચટણી તેમ જ દહીં-અડદની ચટણી બનાવી છે. એમાં રતાળુ, શક્કરિયાં અને બટાટાને ડીપ કરીને એના પર શેકેલા જીરાનો પાઉડર છાંટીને ખાવાનાં હોય છે. આ એક હેલ્ધી ફૂડ છે.’
શક્કરિયાંની રબડી અને ત્રિરંગી પોટલી સાથે પલક શેઠ.
બીજું શું?
આ હરીફાઈમાં બાજરીનો હલવો, બાજરી અને સરગવાની સિંગમાંથી બનાવેલા કબાબ, રાગી કેળામાંથી બનાવેલી ડાર્ક ચૉકલેટ, દેશી કાવો, ખજૂરનું શાક, રાગી ગાજરનો હલવો, ગુંદાની સુખડી, રાગીની ખાંડવી, મિલેટ મંગલમ સિઝલર, ગુલાબના લાડુ સહિતની જાત-જાતની વાનગીઓ બનાવીને લોકો આવ્યા હતા.