તમે ક્યારેય સાગુ મસાલા ઢોસાનું નામ સાંભળ્યું છે?

19 October, 2024 10:07 AM IST  |  Mumbai | Sanjay Goradia

આવી તો અનેક વરાઇટી સાઉથમાં મળે છે, પણ આપણે તો બે-ચાર વરાઇટીમાં જ આખો જન્મારો પસાર કરી નાખ્યો

સંજય ગોરડીયા

હમણાં હું નાટકના શો માટે બૅન્ગલોર ગયો હતો. બૅન્ગલોરમાં મેં મારા મિત્ર નીલેશ સંઘવીને કહી દીધું કે અમને બેસ્ટ સાઉથ ઇન્ડિયન ફૂડ જ ખાવું છે અને એમાં કંઈક નવું ખાવું છે.

નીલેશભાઈ લઈ ગયા જનાર્દન રેસ્ટોરાંમાં. જર્નાદન બૅન્ગલોરની બહુ ફેમસ રેસિડેન્શિયલ હોટેલ છે અને એની પોતાની રેસ્ટોરાં પણ છે.

જર્નાદનની હિસ્ટરી કહું. સાઉથ ઇન્ડિયન રેસ્ટોરાંમાં તમે ઉડિપીનું નામ બહુ સાંભળ્યું હશે. આ જર્નાદન અને ઉડિપી એક સમયના પાર્ટનર, પણ સમય જતાં બન્ને અલગ પડ્યાં અને ઉડિપીએ દુનિયાભરમાં બ્રાન્ચ અને ફ્રૅન્ચાઇઝી શરૂ કરી અને જર્નાદનવાળા પોતાની આ રેસ્ટોરાંને વળગી રહ્યા.

જઈને મેં મગાવી બે ઇડલી અને એક મેદુવડું. હાથનો પંજો ભરાઈ જાય એ સાઇઝની ઇડલી અને એની સૉફ્ટનેસ આરામદાયી તકિયાથી પણ વધારે નરમ. સાંભાર અને ચટણી મેં ટ્રાય કર્યાં અને મને હાશકારો થઈ ગયો. આપણે ત્યાં સાઉથ ઇન્ડિયન ડિશમાં મોટા ભાગના લોકોએ સાંભાર બગાડીને, ગુજરાતીઓને ભાવે એવા ટેસ્ટનો કરી નાખ્યો છે. હશે, જેવાં આપણાં નસીબ.

જનાર્દનમાં ઇડલી-વડાંનો ટેસ્ટ કર્યા પછી મને નીલેશભાઈએ કહ્યું કે હવે તમે સાગુ મસાલા ઢોસા ટ્રાય કરો. નવી આઇટમ ટેસ્ટ કરવામાં તો આપણે બધાના બાપુજી.

મેં તો તરત જ હામી ભણી અને આવ્યો સાગુ ઢોસો. આ સાગુ ઢોસામાં ગાજરથી માંડીને કોળું, ફણસી, કાંદા, દૂધી જેવાં શાકભાજી હોય અને તમને ભાવે એ શાકભાજી પણ તમે એમાં નાખી શકો, પણ એક વાત યાદ રાખજો કે સાગુ મસાલા ઢોસામાં આ શાકભાજી મહત્ત્વનાં નથી, મહત્ત્વની છે સાગુ પેસ્ટ. જે બધાં વેજિટેબલ્સ છે એને બૉઇલ કરી સાગુ પેસ્ટમાં સાંતળી એ મસાલા ઢોસામાં ભરીને તમને આપે.

સાગુ પેસ્ટ વિશે કહી દઉં. ચણાદાળ, આમલી, લીંબુ, લસણ, આદું, તજ, જીરું, આખા ધાણા, લીલાં મરચાં, સાઉથમાં થતાં લાલ મરચાં, લીમડાનાં પાન, ગોળ જેવી વરાઇટી એક કરી એને બ્લેન્ડ કરી, એમાં આમલીનું પાણી નાખી ફરીથી બ્લેન્ડ કરવાનું એટલે જે પેસ્ટ તૈયાર થાય એમાં લીલું નાળિયેર અને કોથમીર નાખી ફરી બ્લેન્ડ કરી પેસ્ટ તૈયાર કરવાની. તૈયાર થયેલી આ જે પેસ્ટ છે એને તવા પર ગરમ કરી એમાં બૉઇલ કરેલાં બધાં વેજિટેબલ્સ નાખવાનાં અને પછી આ મસાલા ઢોસામાં નાખીને આપવાનો.

જ્યારે પણ બૅન્ગલોર જવાનું થાય ત્યારે ભૂલ્યા વિના ગૂગલબાબાની આંગળીએ જર્નાદન રેસ્ટોરાંમાં પહોંચીને આ વરાઇટી ટ્રાય કરજો. તમને સમજાશે કે આપણે સાઉથ ઇન્ડિયન ડિશના નામે શું ખાઈએ છીએ?

ઓરિજિનલ ટેસ્ટની મજા જ કંઈક ઓર છે.

street food indian food bengaluru Sanjay Goradia columnists