31 August, 2024 10:52 AM IST | Mumbai | Darshini Vashi
સંકેત શાહ અને સ્લાઇડ પીત્ઝા
પીત્ઝા કોને ન ભાવે? જોકે જ્યારે એને ઑર્ડર કરવાનો પ્લાન કરીએ ત્યારે અનેક સવાલ આવે છે કે આટલો મોટો પીત્ઝા ફિનિશ થઈ શકશે? કારમાં આ પીત્ઝાની ઊછળી-ઊછળીને હાલત ખરાબ થઈ જશે તો? પીત્ઝા ફ્રેશ તો મળશેને? એક પીત્ઝામાંથી ગ્રુપમાં કેવી રીતે શૅરિંગ કરીએ? મનમાં ઊઠેલા આવા સવાલોનો સામનો કોઈકે ને કોઈકે ક્યારેક તો કર્યો જ હશે. જોકે અત્યારે જે પીત્ઝા ઇન્ટરનેટ પર વાઇરલ થઈ રહ્યો છે એ આ બધા સવાલોના જવાબ આપી દેશે.
પેરી પેરી પૅરૅડાઇઝ પનોઝો
બોરીવલી-વેસ્ટના યોગીનગરમાં ક્રેવ જંક્શનનું ડિલિવરી અને પિક-અપ પૉઇન્ટ થોડા સમય પહેલાં જ શરૂ કરવામાં આવ્યું છે જ્યાં સ્લાઇડ પીત્ઝા બનાવી આપવામાં આવે છે. આ સ્લાઇડ પીત્ઝા એટલે લાંબા અને લંબચોરસ આકારના ૯×૩ ઇંચના કૉમ્પૅક્ટ પીત્ઝા. સ્લાઇડ પીત્ઝાનો વિચાર કેવી રીતે આવ્યો એ વિશે જણાવતાં ક્રેવ જંક્શનના ઓનર સંકેત શાહ કહે છે, ‘ઘરમાં કે પછી હોટેલમાં પીત્ઝા મગાવવાના હોય અને સાથે એક બાળક પણ હોય તો તેના માટે મા-બાપે નાનો તો નાનો પણ સ્મૉલ માર્ગરિટા પીત્ઝા પણ ઑર્ડર કરવો જ પડતો હોય છે. ઘણી વખત જો બે બાળકો હોય તો બન્નેને અલગ-અલગ વરાઇટી જોઈતી હોય છે એટલે બે અલગ પીત્ઝા ઑર્ડર કરવા પડે છે. બાળક એક અથવા વધારેમાં વધારે બે પીસ ખાઈ શકે. બાકીનો પીત્ઝા નાછૂટકે પેરન્ટ્સે ખાવો પડે છે. આ તો થયું એક કારણ. બીજું, એવું પણ થાય છે કે ટ્રાવેલિંગ કરતી વખતે પીત્ઝા ખાવા હોય તો પ્રૉબ્લેમ થતો હોય છે. ખોલેલું બૉક્સ પાછું પ્રૉપર બંધ થતું નથી. એમાં રસ્તા એવા હોય છે કે પીત્ઝાની ઉપરનું ટૉપિંગ બધું આમતેમ થઈ જાય. આ બધી વસ્તુ મારા મગજમાં ઘણા સમયથી ચાલતી હતી. ત્યારે મને મૅચ-બૉક્સ જોઈને વિચાર આવ્યો કે આ ટાઇપના મૅકેનિઝમમાં પીત્ઝા લાવવામાં આવે તો ઘણાબધા બૅકડ્રૉપ દૂર થઈ જાય. એટલે અમે મુંબઈમાં પ્રથમ વખત સ્લાઇડ પીત્ઝા રજૂ કર્યા. જેવું નામ છે એવું જ એનું મેકૅનિઝમ પણ છે. ૯×૩ ઇંચની સાઇઝના પીત્ઝાને લગભગ એટલી જ સાઇઝના બૉક્સમાં પૅક કરીને આપવામાં આવે છે. એમાં પીત્ઝા એકદમ ફિટ બેસી જાય છે. જ્યારે એને ખાવો હોય ત્યારે નીચેથી બૉક્સને સ્લાઇડ કરવાનું અને ખાઈ લેવાનો. બ્રેક લેવો હોય તો બૉક્સને સ્લાઇડ કરીને બંધ કરી દેવાનું. કૉમ્પૅક્ટ અને પર્ફેક્ટ પૅકિંગ સાથેના બૉક્સમાં પીત્ઝા ગરમ પણ રહે છે અને નાની સાઇઝ હોવાથી એ વેસ્ટ પણ જતો નથી. બીજું, આ બૉક્સમાંથી ટૉપિંગનો એક પણ દાણો બહાર નીકળી શકતો નથી. પ્રાઇસ પણ નૉર્મલ પીત્ઝા કરતાં અડધાથી પણ ઓછી રાખવામાં આવ્યાં છે.’
બફેલો ચીઝ માર્ગરિટા
અહીં કુલ ૧૦ જાતના ન્યુ વરાઇટીના સ્લાઇડ (SLYDE) પીત્ઝા મળે છે જેને સ્લાઇડ કરીને ખાઈ શકાય છે. એમાં જૈન અને નૉન-જૈન બન્ને છે. એની અંદર વપરાતા તમામ સૉસ ઇનહાઉસ જ રેડી કરવામાં આવે છે. જ્યારે કોઈ કસ્ટમર આવે અને પીત્ઝાની ડિમાન્ડ કરે ત્યાર બાદ પીત્ઝાનો લોટ બાંધવામાં આવે છે એટલે દરેકને ફ્રેશ બાંધેલા લોટના પીત્ઝા મળી રહે છે. આ સાથે કસ્ટમાઇઝ પીત્ઝા પણ અહીં ઑફર કરવામાં આવે છે. અહીં સૌથી વધુ કોરિએન્ડર પનીર પેસ્તો સ્લાઇડ પીત્ઝાની ડિમાન્ડ આવે છે જેનો ટેસ્ટ એકદમ ચટપટો છે. આ સિવાય સ્પેશ્યલ બફેલો મોઝરેલા સ્લાઇડ પીત્ઝા પણ છે જેમાં ફ્રેશ મોઝરેલાને કટ કરીને અંદર નાખવામાં આવે છે. એને લીધે ટેક્સ્ચર ક્રીમી બની જાય છે. બીજો ફૉરેસ્ટ ફાયર છે જેમાં પીત્ઝા સૉસ ખૂબ જ સ્પાઇસી હોય છે. આ સિવાય એમાં પાલક અને ફ્રેશ મોઝરેલા નાખવામાં આવે છે. સ્લાઇડ ફૉર્મમાં અહીં ગાર્લિક બ્રેડ પણ બનાવવામાં આવે છે. એમાં પણ કેટલીક વરાઇટી અહીં મળી રહેશે. કોઈ પણ પ્રકારની ફ્રોઝન પ્રોડક્ટ્સનો અહીં વપરાશ કરવામાં આવતો નથી એવું અહીં કહેવામાં આવી રહ્યું છે. લાસ્ટ બટ નૉટ લિસ્ટ અહીં પનોઝો પણ મળશે જે ઇટાલિયન સૅન્ડવિચ તરીકે ઓળખાય છે. પીત્ઝાના બેઝનો ઉપયોગ સૅન્ડવિચ બ્રેડ તરીકે લઈને એની અંદર ડિમાન્ડ પ્રમાણે અલગ-અલગ વેજિટેબલ, ચીઝ, પનીર વગેરે નાખવામાં આવે છે.
ફૉરેસ્ટ ફાયર
ક્યાં મળશે ? : ક્રેવ જંકશન, યોગીનગર, બોરીવલી-વેસ્ટ