20 July, 2024 08:12 AM IST | Mumbai | Sanjay Goradia
સંજય ગોરડીયા
આજે મારે જે વાત કરવાની છે એ ચાટ આઇટમ છે. તમને થાય કે માળું બેટું, એક તો આ ચોમાસાની મોસમ ને એમાં રોજ પેપરવાળા વૉર્નિંગ આપતા હોય કે આવી આઇટમ નહીં ખાતા તો પછી શું કામ ચાટ આઇટમની વાત હું કરતો હોઈશ?
જવાબ આપી દઉં. એનો પણ જવાબ મારી પાસે છે બકા. મને જ્યારે મારા એક વાચકે ફોન કરીને આ જગ્યાનું કહ્યું ત્યારે જ તેણે ચોખવટ કરી લીધી કે આ જગ્યાએ બધેબધી વરાઇટી પ્યૉર મિનરલ વૉટરમાં જ બને છે. મનમાં હાશકારો થયો કે ચાલો શુદ્ધતાની તો ગૅરન્ટી આવી ગઈ. હવે બસ, મારે એ આઇટમનો સ્વાદ લેવાનો હતો. જો એમાં એ ખરી ઊતરે તો પછી મારે એ તમારા સુધી પહોંચાડવાની હતી અને સાહેબ, એવું જ થયું. એકથી એક ચડિયાતી કહેવાય એવી આઇટમ. શું સ્વાદ! જલસો જ જલસો.
હું વાત કરું છું લોખંડવાલા કૉમ્પ્લેક્સમાં મેગા મૉલની પાસે આવેલી ઑસમ નામની જગ્યાની. અમારા લોખંડવાલામાં બહુ સારાં વડાપાંઉ કે સેવપૂરી કે રગડા-પૅટીસ મળતા નથી એવી મારી કાયમની ફરિયાદ છે પણ ઑસમે મારી એ ફરિયાદ દૂર કરી દીધી.
રેફરન્સના આધારે હું તો પહોંચ્યો ઑસમમાં અને ત્યાં જઈને મેં સૌથી પહેલાં પાણીપૂરીનો ઑર્ડર આપ્યો. એક ટિપ આપું, આવી કોઈ જગ્યાએ જાઓ તો પાણીપૂરી પહેલાં મગાવવી, કારણ કે એમાં ઓછામાં ઓછી આઇટમ પડતી હોવાના કારણે તમને સ્વાદની તરત ખબર પડી જાય.
પાણીપૂરી આવવાની શરૂ થઈ અને પહેલી પૂરી સાથે જ હું ઓળખી ગયો કે આ તો સિંધી પાણીપૂરી. નૉર્મલ પાણીપૂરીની પૂરીમાં સહેજ અમસ્તો રવાનો લોટ ઉમેર્યો હોય પણ સિંધી પાણીપૂરીની પૂરી માત્ર રવાના લોટની જ બને. રવાની પૂરી એકદમ સૉફ્ટ હોય અને એટલી જ એમાં ક્રન્ચીનેસ હોય. બીજું, સિંધીઓ પાણીપૂરીમાં ગરમ રગડો નથી નાખતા, એ લોકો બુંદી નાખે. અહીં પણ એવું જ હતું, પણ હા, બુંદી સાથે બાફેલા બટાટા અને મગનું પૂરણ પણ હતું. સિંધી પાણીપૂરીની ત્રીજી ખાસિયત, એનું જે ફુદીનાનું પાણી હોય એ એકદમ ચિલ્ડ હોય. માનો કે બરફ જ ઓગાળ્યો હોય. પાણીની હાર્ડકોર તીખાશ અને એ જ પાણીની બરફ જેવી ઠંડક. આ જે કૉમ્બિનેશન છે એ કૉમ્બિનેશન તમને ખબર ન પડવા દે કે તમે કેટલી પાણીપૂરી ખાઈ ગયા. મારું પણ એવું જ થયું. હું તો ખાતો જ ગયો, ખાતો જ ગયો અને ત્યાં જ મને બકાસુરે પેટમાં ઢીંકો માર્યો અને આદેશ કર્યો કે આઇટમ બદલાવ અને મેં મારી જાતને બ્રેક મારી, મેનુ પર નજર કરી.
એ પછી મેં મગાવી દહીંપૂરી. દહીંપૂરીમાં જે દહીં વાપરવામાં આવ્યું હતું એ પણ એકદમ ઠંડું અને ક્રીમી હતું. મને લાગે છે ત્યાં સુધી એ ભાઈએ દહીંમાંથી પાણી તારવી લીધું હતું. જે હોય એ, મૂળ વાત છે સ્વાદની અને દહીંપૂરીનો સ્વાદ અદ્ભુત હતો. અમુક જગ્યાએ દહીંપૂરીમાં સહેજ ગળ્યું હોય એવું દહીં નાખે છે પણ એ ખોટું છે. દહીંપૂરીમાં નાખવામાં આવતા દહીંનો જો કોઈ સ્વાદ ન હોય તો જ એ ખાવાની મજા આવે, બાકી દહીં આખી પ્લેટનો સ્વાદ દબાવી દે અને તમને એવું જ લાગે કે દહીંમાં તમે પાપડી નાખીને એ ખાઓ છો.
મારું પેટ ભરાઈ ગયું પણ એમ છતાં મેં મેનુમાં નજર કરી અને મને અફસોસ થયો કે હું સાથે કેમ કોઈને લઈ આવ્યો નહીં? સ્ટ્રીટ-ફૂડની સાચી મજા કંપનીમાં જ આવે એ હું જાતઅનુભવે કહું છું. ઑસમના મેનુમાં મને જે વાંચીને મજા આવી ગઈ એ વરાઇટી હતી ટમૅટો સેવપૂરી, બાસ્કેટ સેવપૂરી, પંજાબી ભેળ, કુરકુરે ચાટ, દહીં માખણ ચાટ, ડાયટ ભેળ અને મુંગ ચાટ. આ બધી આઇટમો દરેક જગ્યાએ નથી મળતી. મેં તો નક્કી કર્યું કે હું તો ફરી ત્યાં જઈશ અને મારા આ નિર્ણય સાથે મને થયું કે હું તમને પણ કહી દઉં, લોખંડવાલા કે અંધેરીના મેગા મૉલ તરફ આવવાનું બને તો અચૂક વિઝિટ કરવા જેવી આ જગ્યા છે. ભૂલતા નહીં અને અંધેરી બાજુ રહેતા મિત્રોને સજેસ્ટ કરવાનું પણ ભૂલતા નહીં.
ખરેખર, બહુ મજા આવશે.