14 June, 2024 07:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડાકોરના ગોટા
વરસાદ આવે અને ગરમાગરમ ભજિયાંની સાથે લીલાં મરચાં તળેલાં મળે તો જલસા પડી જાય. ક્યારેક તો મન થાય કે કાશ ડાકોરના ગોટા મળી જાય કે સુરતનાં કુંભણિયા ભજિયાં મળી જાય તો કેવું સારું? તો હવે એ માટે ગુજરાતની ટ્રિપ મારવાની જરૂર નથી. જાણીતાં શેફ નેહા ઠક્કર પાસેથી જાણીએ ફેમસ ભજિયાંની રેસિપી એટલે ઘેરબેઠાં ગુજરાતની સ્પેશ્યલિટી તૈયાર.
ડાકોરના ગોટા
સામગ્રી : ૧ કપ ચણાનો ઝીણો લોટ, પા કપ ચણાનો કરકરો લોટ, પા કપ ઘઉંનો કરકરો લોટ, ૧ ટીસ્પૂન લીલાં મરચાંની પેસ્ટ, ૧/૨ ટીસ્પૂન આદુંની પેસ્ટ, ૧ ટીસ્પૂન લાલ મરચું, સ્વાદ અનુસાર મીઠું, એક ચમચી તલ, એક ચમચી આખા ધાણા, એક ચમચી લીલી વરિયાળી, અડધી ચમચી અધકચરાં મરી, બે ચમચી ખાંડ , પા કપ દહીં, ૧/૨ કપ લીલા ધાણા, ચપટી હિંગ, તળવા માટે તેલ
બનાવવાની રીત : સૌપ્રથમ ઝીણો અને કરકરો ચણાનો લોટ મિક્સ કરો. ઘઉંના કરકરા લોટને બે ચમચી તેલથી મોઈ લો અને મિક્સ કરી લો. એમાં લીલાં મરચાં તથા આદુંની પેસ્ટ ઉમેરવી. આખા ધાણા તથા મરીનો અધકચરો ભૂકો કરી લો. બીજા મસાલા ઉમેરી, ૧ કપ જેટલું પાણી ઉમેરીને ખીરું તૈયાર કરી લો અને દહીં નાખીને ૧૫ મિનિટ માટે પલળવા દો.
હવે એમાં છેલ્લે લીલા ધાણા અને ચપટી સોડા નાખીને ૨ ટીસ્પૂન ગરમ તેલ રેડો અને બરાબર ફીણી લો. મીડિયમ આંચ પર ગોટા તળો.
ગુલાબી રંગના ગોટા તળાય એટલે મોળા દહીં કે ધાણાની ચટણી સાથે સર્વ કરો.
તો તૈયાર છે ડાકોરના ગોટા.
કુંભણિયા ભજિયાં
સામગ્રી : ૧ કપ મેથીની ભાજી
ઝીણી સમારેલી, ૧ બાઉલ સમારેલી કોથમીર, ૧ બાઉલ લીલી ડુંગળીનાં પાન સમારેલાં, ૧ નાની વાટકી લીલું લસણ સમારેલું, ૪ મરચાં ઝીણાં સમારેલાં, ૧ ચમચો આદું છીણેલું, ૧ ચમચી
લસણ છીણેલું, ૧ ચમચી લીંબુનો રસ, ૨ બાઉલ ચણાનો લોટ, સ્વાદ પ્રમાણે
મીઠું, જરૂર મુજબ પાણી
બનાવવાની રીત : સૌપ્રથમ એક બાઉલમાં બધી ભાજી, મરચાં, આદું, લસણ, લીંબુનો રસ અને મીઠું ઉમેરીને બધું મિક્સ કરી લેવું.
પછી એમાં ચણાનો લોટ મિક્સ કરવો. હવે જરૂર મુજબ પાણી ઉમેરતા જઈને બધું મિક્સ કરી લો.
હવે અંગૂઠા અને આંગળીની મદદથી નાનાં-નાનાં કુંભણિયા ભજિયાં ગરમ તેલમાં નાખો અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાં.
તૈયાર છે કુંભણિયા ભજિયાં.
અત્યારે વરસતા વરસાદમાં કુંભણિયા ભજિયાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.
લસણિયા બટાટાનાં ભજિયાં
સામગ્રી : ૫૦૦ ગ્રામ નાના બટાટા, ૩૦ કળી લસણ, ૨ ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું, ૧ ટેબલસ્પૂન સૂકા આખા ધાણા, ૧ લીંબુનો રસ, સ્વાદ પ્રમાણે મીઠું, તળવા માટે તેલ
ખીરું બનાવવા માટે : ૩૦૦ ગ્રામ ચણાનો લોટ, ૨ ચમચી ચોખાનો લોટ, ૧ ચમચી ચિલી ફ્લેક્સ, પા ચમચી હળદર, ૧ ચમચી ગરમ તેલ, પાણી જરૂર મુજબ, સ્વાદ મુજબ મીઠું
બનાવવાની રીત : બટાટાને ધોઈ વચ્ચે બે કાપ મૂકીને વરાળથી પોણા ભાગ જેવા બાફી લેવા. સાવ જ બફાઈને છૂંદો ન થઈ જાય એનું ધ્યાન રાખવું. એ ઠંડા થાય એટલે છાલ ઉતારી લો. એક મિક્સરમાં લસણ, ધાણા અને મરચું લઈને સરસ પીસી લો. એમાં લીંબુ અને મીઠું મિક્સ કરી લો એટલે ચટણી તૈયાર.
બટાટાના વચ્ચેના ભાગમાં ચટણી ભરી દો. બધા બટાટા આ રીતે તૈયાર કરી દો. હવે કડાઈમાં તેલ ગરમ કરો અને ત્યાં સુધીમાં ભજિયાં માટે ખીરું તૈયાર કરી લો. હવે ખીરામાં ગરમ તેલ ઉમેરીને મિક્સ કરી લો. ખીરામાં ભરેલા બટાટા ડીપ કરીને ગરમ તેલમાં ગોલ્ડન તળી લો. હવે બધાં જ ભજિયાં થયા બાદ તળેલાં મરચાં અને ગ્રીન ચટણી કે કેચપ સાથે એને સર્વ કરો. ખૂબ જ ટેસ્ટી લાગે છે.
ખંભાત સ્પેશ્યલ દાબડા ભજિયાં
સામગ્રી : બે મોટા બટાટાની સમારેલી સ્લાઇસ
દાબડાનો મસાલો બનાવવા માટે : અડધો કપ ચણાનો લોટ, ૧ નાની ચમચી લાલ મરચું પાઉડર, ૧ ચમચી ધાણાજીરું, અડધી ચમચી હળદર, ૧ મોટી ચમચી લસણની પેસ્ટ, ૧ ચમચી તલ, ૧ ચમચી ખાંડ, ૧ ચમચી લીંબુનો રસ, ૧ ચમચી તેલ
ખીરું બનાવવા માટે ઃ ૧ બાઉલ ચણાનો લોટ, મીઠું સ્વાદ મુજબ, ૧/૨ ચમચી લાલ મરચું પાઉડર, ૧/૪ ચમચી હિંગ, ૧/૪ ચમચી હળદર, ૧/૪ ચમચી સોડા, પાણી જરૂર મુજબ, ૧ ચમચી શેકેલા જીરાનો પાઉડર, ૧/૨ ચમચી મરી પાઉડર, ૧/૨ ચમચી ગરમ મસાલો
બનાવવાની રીત: સૌપ્રથમ બટાટાને ધોઈને એની છાલ કાઢીને એની સ્લાઇસ કરી લેવી અને એને ઠંડા પાણીમાં રાખી દેવી. મસાલો બનાવવા માટે એક પૅનમાં ચણાનો લોટ લઈ એને એકદમ ધીમા ગૅસ પર સુગંધ આવે ત્યાં સુધી શેકી લો.
પછી ચણાનો લોટ ઠંડો થઈ જાય એટલે એમાં લાલ મરચું પાઉડર, મીઠું, હળદર, ધાણાજીરું, લસણની પેસ્ટ, મરી પાઉડર, શેકેલા જીરાનો પાઉડર, ખાંડ, તલ, લીંબુનો રસ અને તેલ નાખી બરાબર મિક્સ કરી લેવું.
બટાટાની સ્લાઇસને પાણીમાંથી નિતારી લેવી. પછી એક પર મસાલો લગાવી એના ઉપર એની ઉપર બીજી સ્લાઇસ મૂકી દેવી.
પછી ચણાના લોટનું ખીરું બનાવી લેવું. ચણાના લોટના ખીરામાં દરેક સ્લાઇસને ડિપ કરી ગરમ તેલમાં દાબડા ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવા. તો તૈયાર છે ખંભાત સ્પેશ્યલ દાબડા ભજિયાં.
કઢી બનાવવા માટે : પા કપ મોળા દહીંમાં અડધો કપ બેસન ઉમેરીને જરૂર મુજબ પાણી મિક્સ કરો. તમારે કઢી જેટલી ઘટ્ટ રાખવી હોય એ પ્રમાણે પાણી ઉમેરવું. હવે કડાઈમાં તેલ લઈ રાઈ અને ૩-૪ લીલાં મરચાંનાં ટુકડા અને મીઠો લીમડો ઉમેરી કઢીનું મિશ્રણ ઉમેરવું.
પછી ત્રણથી ચાર ચમચી ખાંડ અને મીઠું ઉમેરી ઘટ્ટ કરી લો.
વરસાદમાં બપોરના નાસ્તામાં ચાની સાથે આ ચખણું ખાવાની મજા આવશે : સિંગનાં ચટપટા ભુજિયાં
સામગ્રી : ૫૦૦ ગ્રામ મોટા સિંગદાણા, ૧૫૦ ગ્રામ બેસન, ત્રણ ચમચી ચોખાનો લોટ, ત્રણ ચમચી કૉર્નફ્લોર, એક ચમચી તેલ, ચપટી હિંગ, સ્વાદ અનુસાર મીઠું ૧/૨ ચમચી લાલ મરચાંનો પાઉડર, ૧/૨ ચમચી સફેદ મરચાંનો પાઉડર, ૧/૨ ચમચી ગરમ મસાલો, ૧/૨ ચમચી સંચળ, ૧/૨ ચમચી ચાટ મસાલો, ૧/૨ ચમચી સોડા, તળવા માટે તેલ
બનાવવાની રીત : સૌપ્રથમ બધા લોટને ચાળી લો. હવે એક બાઉલમાં લઈ એમાં સિંગ ઉમેરો. પછી એમાં બધા મસાલા અને સોડા મિક્સ કરી લો. હવે એમાં ૧-૧ ચમચી પાણી ઉમેરી લોટ થોડો છૂટો રહે એ રીતે ખીરું તૈયાર કરવું. ભજિયાં જેવું ઢીલું ખીરું નથી કરવાનું. હવે તેલ એકદમ ગરમ કરીને પછી એક-એક ભુજિયું પાડી ગૅસ મીડિયમ કરી કડક થાય ત્યાં સુધી તળો.
આ રીતે બધાં ભુજિયાં તૈયાર કરી લો. એના પર થોડો ચાટ મસાલો અને
સફેદ મરચું છાંટીને બરાબર મિક્સ કરી લેવું. આ ભુજિયાં પંદર દિવસ સારાં રહે છે.