ચોમાસામાં હેલ્ધી અને ફિટ રાખશે ગરમાગરમ સૂપ

28 June, 2024 11:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પહેલા વરસાદમાં ચા અને પકોડાનો લુત્ફ ઉઠાવી લીધો હોય તો હવે થોડાક હેલ્ધી ઑપ્શન્સ તરફ નજર દોડાવવાની જરૂર છે. આ સીઝનમાં શાકભાજીના સૂપને બદલે દાળ અને પ્રોટીન આપે એવી ચીજોનો સૂપ કે સ્ટ્યુ વધુ તાકાત અને શરીરને જરૂરી ગરમાટો આપે છે.

રાગી સૂપ

જાણીતાં શેફ નેહા ઠક્કર પાસેથી જાણીએ હેલ્થને ચુસ્ત રાખે એવા સ્વાદમાં મસ્ત સૂપની રેસિપી...

રાગી સૂપ

સામગ્રી: એક વાટકી રાગીનો લોટ, ૫૦ ગ્રામ વટાણા, ૫૦ ગ્રામ ફ્લાવર, ૫૦ ગ્રામ ગાજર, બે ચમચી મરીનો પાઉડર, એક ચમચી જીરુંનો પાઉડર, એક ચમચી ઘી, એક નંગ ડુંગળી, સ્વાદ પ્રમાણે મીઠું,  કોથમીર 
બનાવવાની રીત : સૌપ્રથમ ફ્લાવર અને ગાજરને સમારી લેવાં. વટાણાને ફોલી લેવા. ફ્લાવર, વટાણા અને ગાજરને થોડું મીઠું નાખીને બૉઇલ કરી લેવાં. ડુંગળીને સમારી લેવી અને રાગીનો લોટ રેડી રાખવો.
એક પૅનમાં ઘી લેવું. ઘી ગરમ થાય એટલે જીરું અને ડુંગળી નાખીને સાંતળવી. ડુંગળી સાંતળાઈ જાય એટલે એમાં બૉઇલ કરેલાં વે​જિટેબલ્સ ઉમેરીને પાંચ મિનિટ સાંતળી લેવું. 
હવે એમાં રાગીનો લોટ, જીરુંનો પાઉડર, મરીનો પાઉડર અને મીઠું નાખીને પાંચ મિનિટ શેકી લેવું. રાગીનો લોટ એકદમ સરખો શેકાઈ જાય પછી એમાં બે ગ્લાસ પાણી ઉમેરીને પાંચ મિનિટ માટે ઊકળવા દેવું.
હવે એક બોલમાં કાઢી ઉપર કોથમીર ભભરાવી વરસતા વરસાદમાં રાગીના સૂપની મજા માણવી.

સરગવાનાં પાનનો સૂપ

સામગ્રી : બે કપ સરગવાનાં પાન, એક ડુંગળી, છ કળી લસણ, બે ચમચી બટર, એક નાની ચમચી કૉર્નફ્લોર, એક 
નાની ચમચી મરીનો પાઉડર, સ્વાદ પ્રમાણે મીઠું 
બનાવવાની રીત : સૌપ્રથમ એક પૅનમાં એક ચમચી બટર મૂકી ઝીણું સમારેલું લસણ અને ડુંગળી સાંતળવાં. હવે એમાં સરગવાનાં પાન ઉમેરીને સાંતળવાં. 
એક ગ્લાસ પાણી ઉમેરીને બે મિનિટ ઉકાળવું.
હવે એને ઠંડું થવા દેવું અને પછી મિક્સરમાં જારમાં ગ્રાઇન્ડ કરી લેવું.
હવે ફરી ગરમ કરવા મૂકવું અને થોડાક પાણીમાં કૉર્નફ્લોર ઓગાળીને સૂપમાં ઉમેરવું. હવે એમાં મરીનો પાઉડર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો.
એક જ વાર ઊકળે એટલે તરત જ ગૅસ બંધ કરી દેવો અને ગરમાગરમ સૂપની મજા માણો.

કારેલાં અને ચણાની દાળનો સૂપ

સામગ્રી : પાંચ કારેલાં, ૧/૨ કપ ચણાદાળ, ૧ ડુંગળી, ૧ ટમેટું, ૧ ચમચી આદું-લસણની પેસ્ટ, ૧ 
લીલું મરચું, ૩ નંગ લવિંગ અને મરી, અડધી ચમચી જીરુંનો પાઉડર, સ્વાદ પ્રમાણે મીઠું, બે ચમચી ઘી, બેથી ત્રણ ચમચી કાજુ અને બદામનો પાઉડર
બનાવવાની રીત  :  સૌપ્રથમ ચણાની દાળને બે કલાક પલાળી રાખવી. કારેલાં, ડુંગળી, ટમેટું અને લીલાં મરચાં ધોઈને સમારવાં. હવે પલાળીને રાખેલી ચણાદાળને કુકરમાં ૩ ​વ્હિસલ વગાડવી. ત્યાર બાદ ઠંડી થયા પછી સ્મૂથ પેસ્ટ બનાવી લેવી.
હવે એક પૅનમાં ૩ ચમચી ઘી ઉમેરીને ગરમ થાય એટલે એમાં  સૂપ પેસ્ટ ઉમેરો. ધીમા તાપે ગૅસ રાખવો. એમાં અડધો ગ્લાસ પાણી ઉમેરીને હલાવો. એમાં અડધી ચમચી જીરુંનો પાઉડર અને કાજુ-બદામનો પાઉડર ઉમેરીને બરાબર હલાવો. સ્વાદ મુજબ મીઠું ઉમેરીને પાંચ મિનિટ ઊકળવા રાખો. હવે ગૅસ બંધ કરીને ગરમ-ગરમ સૂપ સર્વ કરો.

મગ અને મસૂરની દાળનો સૂપ

સામગ્રી : ૧ ટેબલસ્પૂન મગની દાળ, ૧ ટેબલસ્પૂન મસૂરની દાળ, ૧ ગાજર, ૧ ટુકડો આદું, અડધી ચમચી હળદર, એક ચમચી લીંબુનો રસ, એક ચમચી મરીનો પાઉડર, સ્વાદ પ્રમાણે મીઠું, થોડી કોથમીર
બનાવવાની રીત : સૌપ્રથમ બન્ને દાળને બરાબર ધોઈને ૧૫ મિનિટ પલાળી રાખો.
કુકરમાં મગની દાળ અને મસૂરની દાળ, આદું-હળદર ઉમેરી બે ​વ્હિસલ વગાડીને બાફી લો. બરાબર બફાઈ જાય એટલે બ્લેન્ડર ફેરવીને ગાળી લો. હવે સૂપને બે-ત્રણ મિનિટ ફરી ઊકળવા મૂકો. ગૅસ બંધ કરી લીંબુનો રસ અને મરીનો પાઉડર અને કોથમીર ઉમેરો. 
આ સૂપ નાનાં બાળકોથી લઈને મોટી ઉંમરના લોકો જેમનો ખોરાક ઓછો થઈ ગયો છે તેઓ લે તો જરૂરી પ્રોટીન અને પોષક તત્ત્વો મળી રહે છે.

સૂપની સાથે જો સ્ટિક પણ હોય તો મન્ચિંગની મજા બેવડાઈ જાય

સૂપ સ્ટિક

સામગ્રી : ૧ વાટકો ઘઉંનો લોટ, ૧ ચમચી મિલ્ક પાઉડર, એક ચમચી પીસેલી ખાંડ, અડધી ચમચી બેકિંગ પાઉડર, પા ચમચી બેકિંગ સોડા, બે ચમચી તેલ, બે ચમચી દૂધ, છાશ જરૂર મુજબ
રીત : સૌપ્રથમ લોટમાં બે​કિંગ પાઉડર, બે​કિંગ સોડા, મિલ્ક પાઉડર, મીઠું, પીસેલી ખાંડ બધું ઉમેરીને લોટને ચાળણીથી ચાળી લેવો. હવે એમાં તેલ મિક્સ કરીને છાશથી લોટ બાંધવો.  દસ મિનિટ લોટને ઢાંકીને રાખવો. હવે એને પાંચથી છ વાર સરખો મસળી લેવો. એની લાંબી ​સ્ટિક બનાવીને કપડામાં દસ મિનિટ ઢાંકીને રાખવી. દસ મિનિટ પછી સ્ટિક પર દૂધથી બશ ફેરવવું. હવે ૧૦ મિનિટ માટે અવનમાં બેક કરવા મૂકવી. સરસ ક્રિસ્પી સ્ટિક તૈયાર થઈ જશે. અવન ન હોય તો તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો. તો હવે વરસતા વરસાદમાં સૂપ સાથે સ્ટિકની મજા તમે ઘરે જ માણી શકો છો.

monsoon news Gujarati food mumbai food indian food street food life and style columnists