એક હાથથી તાળીયે ન વાગતી હોય ત્યારે આ ભાઈ એક હાથેથી પાંઉભાજી બનાવે છે

13 July, 2024 08:58 AM IST  |  Mumbai | Darshini Vashi

મલાડ ઈસ્ટમાં નાનકડા સ્ટૉલ પર વર્ષોથી વન-મૅન આર્મીની જેમ મિતેશ ગુપ્તા પાંઉભાજી વેચે છે, જેનું નામ ‘પ્યારે કી પાંઉભાજી’ છે. આ પાંઉભાજી જેટલી ઇન્ટરેસ્ટિંગ છે એટલી જ રસપ્રદ છે આ પાંઉભાજી સેન્ટર ચલાવતા પ્યારેભાઈની જર્ની

પ્યારેલાલ પાંઉભાજી

રાજેશ ખન્નાએ તેની એક ફિલ્મ ‘અવતાર’માં એક હાથેથી મેકૅનિકનું કામ કરીને આખું એમ્પાયર ઊભું કર્યું હતું. જોકે આ તો માત્ર ફિલ્મ જ હતી, પણ હકીકતમાં પરિસ્થિતિ ઘણી અલગ હોય છે. હાથ જેવું મહત્ત્વનું અંગ ગુમાવી દીધા બાદ જીવન જીવવું અને જીવનનિર્વાહ કરવો કોઈ સામાન્ય વાત નથી પણ મલાડમાં રહેતા મિતેશ ગુપ્તા એક હાથેથી જીવન પણ જીવી રહ્યા છે અને સ્ટૉલ પર પાંઉભાજી બનાવીને એ વેચીને જીવનનિર્વાહ પણ કરી રહ્યા છે. પાંઉભાજી પણ જેવી-તેવી નહીં, એકદમ ચટાકેદાર બનાવે છે. એટલે જ સાંજ પછી અહીં પાંઉભાજી ખાવા માટે લોકો રીતસરના રાહ જોતા જોવા મળે છે.

મલાડ ઈસ્ટમાં આવેલી નિર્મલા નિકેતન કૉલેજની નજીક જય જલારામ પ્યારેલાલ પાંઉભાજીનો એક સ્ટૉલ છે. અહીંની પાંઉભાજી પૉપ્યુલર હોવાનાં બે મુખ્ય કારણ છે, એક તો ટેસ્ટ અને બીજું કારણ છે જે આ પાંઉભાજીને બનાવે છે તે. તેની પાંઉભાજીમાં અન્ય ઠેકાણે મળતી પાંઉભાજીની જ તમામ સામગ્રી અને મસાલા પડતાં હોય છે, પણ વર્ષોવર્ષનો અનુભવ અને નાનપણથી મળેલી પાંઉભાજી બનાવવાની શીખને લીધે તેની પાંઉભાજી ખૂબ જ ટેસ્ટી બને છે. દસ-દસ જણની પાંઉભાજી તે ઉતારતો જાય છે એટલે દરેકને ફ્રેશ મળી શકે છે. ભાજીની ક્વૉન્ટિટી પણ સારીએવી હોય છે. આખી પ્લેટ છલોછલ ભરાયેલી હોય છે અને મસ્ત બટરમાં શેકાયેલાં બે પાંઉ. તે જ્યારે કાંદા વગેરે કટ કરતો હોય છે ત્યારે દૃશ્ય જોવા જેવું હોય છે. કપાયેલા હાથના બચેલા ભાગ અને બગલની વચ્ચે ચપ્પુ મૂકીને બીજા હાથથી શાકભાજી કાપે છે. અને આ રોજનું કામ છે.

મિતેશની સ્ટોરી પણ કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી. તેનો એક હાથ વર્ષો પહેલાં બીમારીને કારણે કાપી નાખવો પડ્યો હતો. ઘરમાં બીજું કોઈ હતું નહીં એટલે જીવનનિર્વાહ માટે પોતાના પપ્પાનો પાંઉભાજીનો સ્ટૉલ તેણે સંભાળી લીધો હતો. ખિસ્સામાં પૈસા નહીં એટલે કોઈ હેલ્પર પણ પોસાતો નહોતો એટલે વન-મૅન આર્મી બનીને સ્ટૉલનું અને પાંઉભાજી બનાવવાનું અથથી ઇતિ સુધીનું કામ તે જાતે કરતો હતો, પણ ધીરે-ધીરે હવે કામ સારું થતાં આજે એક હેલ્પર પણ તેણે રાખ્યો છે. તેમ છતાં આજે મહત્તમ કામ તે જ કરે છે. શાકભાજી લાવવી, એ સમારવી, પ્લેટ ધોવી બધું તે જાતે જ કરે છે. આજે મિતેશ ભાડાના ઘરમાં રહે છે. પહેલાં પોતાનું ઘર હતું પણ કોરોના દરમિયાન કામ ઠપ્પ થઈ જતાં અને દેવું વધી જતાં ઘર વેચી દેવું પડ્યું હતું. જીવનમાં અનેક સંઘર્ષોનો સામનો કરીને આજે આ ભાઈ સ્વમાનભેર જીવીને જીવનનિર્વાહ ચલાવી રહ્યા છે. ક્યાં મળે છે? : જય જલારામ પ્યારેલાલ પાંઉભાજી, નિર્મલા નિકેતન કૉલેજની બાજુમાં, રાણી સતી માર્ગ, મલાડ (ઈસ્ટ)
સમય : સાંજે ૭ પછી

mumbai food indian food malad life and style