ડેન્ગી ફીવરમાં જ નહીં, આ તકલીફોમાં પણ પપૈયાનાં પાન છે ખૂબ જ ગુણકારી

24 October, 2024 04:43 PM IST  |  Mumbai | Kajal Rampariya

પ્લેટલેટ‍્સ ઘટી ગયા હોય ત્યારે પપૈયાનાં પાનનો રસ પીવાની હિમાયત કરવામાં આવે છે. જોકે વાત માત્ર આટલી જ નથી, પપૈયાનાં પાન અને એનો રસ ત્વચા માટે પણ ઍન્ટિ-એજિંગ ગુણોથી ભરપૂર મનાય છે.

પપૈયાના પાનનો રસ

પપૈયું તો બધા જ ખાતા હશે પણ એનાં પાનમાં પણ ગુણોનો ભંડાર હોય છે એ ગણ્યાગાંઠ્યા લોકોને જ ખબર હોય છે. પપૈયાનાં પાનની વાત ત્યારે જ ચર્ચામાં આવે છે જ્યારે ડેન્ગીનો તાવ ફેલાય. પણ સોશ્યલ મીડિયાની દુકાનમાં હવે પપૈયાનાં પાનનો ફેસપૅક પણ બહુ ટ્રેન્ડમાં છે. સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સરો સ્કિન ટાઇટનિંગ અને ઍન્ટિ-એજિંગ માટે પપૈયાનાં પાનનો ફેસપૅક તરીકે ઉપયોગ કરવાની હિમાયત કરે છે. અરે કેટલાકે તો ત્યાં સુધી દાવા કરી દીધા છે કે આ પાન બોટોક્સ ટ્રીટમેન્ટ કરતાં પણ અસરકારક છે. તો ચાલો જાણીએ આ મામલે નિષ્ણાતો શું કહે છે.

સ્કિન-હેર માટે ગુણકારી

પપૈયાના પાનની સ્કિન-ટાઇ‌ટ‌િંગ પર થતી અસર વિશે ન્યુટ્રિશન ક્ષેત્રે ૧૭ કરતાં વધુ વર્ષનો અનુભવ ધરાવતાં કલ્યાણનાં ડાયટિશ્યન પ્રીતિ શેઠ કહે છે, ‘ઍન્ટિ-એજિંગ માટે કરાવાતી બોટોક્સ ટ્રીટમેન્ટ કરતાં પપૈયાનાં પાન ફાયદાકારક છે એ વિશે મિશ્ર પ્રતિસાદ આવી રહ્યા છે પણ હું માનું છું કે પપૈયાનાં પાન ત્વચા માટે તો ફાયદાકારક છે જ પણ સાથે એ વાળ અને સ્વાસ્થ્યને પણ અઢળક ફાયદાઓ આપે છે. પપૈયાનાં પાનમાં અમીનો ઍસિડ, વિટામિન A અને વિટામિન C હોવાથી એ ત્વચા માટે ગુણકારી છે. પપૈયાનાં પાનને પાણીમાં ધોઈને એને પીસી દહીં અને એક ચપટી હળદર નાખીને લેપ બનાવો અને એને ચહેરા પર લગાવો. સુકાઈ ગયા બાદ ચહેરો પાણીથી ધોઈ નાખો. આ નુસખો સ્કિન-ટાઇટનિંગ માટે અને ઍન્ટિ-એજિંગ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ ઉપરાંત પપૈયાનો રસ પણ પી શકાય છે. એને પીવાથી વાળની હેલ્થ પણ સારી રહે છે. એ ડૅન્ડ્રફ અને હેરફૉલની સમસ્યાને જડમૂળથી કાઢીને વાળને મજબૂત બનાવવાનું કામ કરે છે.’

ડેન્ગી માટે પ્રચલિત ઇલાજ

પપૈયાનાં પાનના ડેન્ગી માટેના વપરાશ વિશે પ્રીતિ કહે છે, ‘પપૈયાનાં પાનનું સેવન લોહીમાં પ્લેટલેટ્સ વધારવાનું કામ કરે છે. તેથી ડેન્ગીથી પીડિત દરદીને ત્રણ મહિના સુધી બે-બે ચમચી પપૈયાનાં પાનનું સેવન કરવાની સલાહ અપાય છે. આ ઉપરાંત જે મહિલાને પિરિયડ પેઇનની સમસ્યા હોય તેમના માટે પણ આ કારગર સાબિત થાય છે. પપૈયાનાં બે પાનને પાણીમાં ધોઈને પીસી લેવાં. પછી એમાં આમલી, મીઠું અને પાણી નાખીને ઉકાળી લેવું. આ ઉકાળો ઠંડો થાય ત્યારે પીવાથી આ સમસ્યાથી રાહત મળે છે.’

કૅન્સર વિરોધી ગુણધર્મો

પપૈયાનાં પાનમાં રહેલા ગુણધર્મો વિશે પ્રીતિ જણાવે છે, ‘પાનમાં કૅન્સર વિરોધી ગુણધર્મો છે અને એમાં રહેલું વિટામિન C રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે અને બૅક્ટિરિયા સામે લડત આપે છે. સર્વાઇકલ અને બ્રેસ્ટ-કૅન્સર જેવી બીમારીમાં પપૈયાનાં પાનનો રસ ગુણકારી માનવામાં આવે છે. પપૈયાનાં પાન શરીરમાં ઇન્સ્યુલિન પ્રોડક્શનનું પણ કામ કરતાં હોવાથી એ બ્લડ-શુગર લેવલને નિયંત્રણમાં રાખે છે. બ્લડ-પ્રેશર અને ડાયાબિટીઝના દરદીઓ માટે પણ એ લાભકારી છે.’

કોણે દૂર રહેવું?

પપૈયાનાં પાન આમ તો ગુણકારી છે, પણ ઘણા લોકોને એ સૂટ નથી કરતાં. આ વિશે વાત કરતાં પ્રીતિ કહે છે, ‘પપૈયાનાં પાનમાં ઍન્ટિ-ઇન્ફ્લમૅટરી (સોજો કે ઇન્ફેક્શન થતા અટકાવે) અને મગજમાં રહેલાં ન્યુરૉન્સને નુકસાન થતાં બચાવે એવાં ન્યુરોપ્રોટેક્ટિવ કેમિકલ્સ અને મિનરલ્સનો ખજાનો હોવાથી એ ફાયદો તો આપે છે પણ જે લોકોને ઍલર્જીની સમસ્યા હોય તેમણે પપૈયાનાં પાનનું સેવન ન કરવું જોઈએ. આ ઉપરાંત લો શુગર હોય અને લો બ્લડ-પ્રેશરની બીમારી હોય તેવા લોકોને પણ આ પાન ખાવાં ન જોઈએ. એનાથી શુગર લેવલ હજી ઓછું થશે અને બીજી સમસ્યા ઊભી થશે. એને આરોગતાં પહેલાં ડાયટિશ્યન કે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.’

indian food health tips skin care cancer diabetes social media life and style columnists