03 December, 2024 07:54 AM IST | Mumbai | Jigisha Jain
હનુમાન ફળ
ફળ વેચવાવાળા પોતાનું ફળ વેચવા માટે આવું બોલે છે એવું નથી, ન્યુટ્રિશનના જાણકાર લોકો પણ એવું જ માને છે. એક્ઝૉટિક ફળોમાં આજકાલ માર્કેટમાં ઘણું વધારે જોવા મળી રહેલું અને હનુમાનદાદાના નામે વેચાતું આ ફળ આમ તો મૂળ બ્રાઝિલનું છે પણ આપણે ત્યાં દક્ષિણ ભારતમાં ઊગે છે. આ ફળની ઉપયોગિતા શું છે એ જાણીએ, પણ એ વાત પાકી કે એ ખાઈને તમને અફસોસ નહીં થાય : નવજોત સિંહ સિધુનાં પત્નીની કૅન્સરની સારવારની ડાયટમાં કેરી, પાઇનૅપલ અને વૅનિલાના ટેસ્ટનું આ ફળ પણ હતું
નવજોત સિંહ સિધુએ પત્નીની કૅન્સરની સારવારનો જે ડાયટચાર્ટ શૅર કરેલો એમાં વિવિધ ફળોની સાથે ખાસ એક હનુમાન ફળ એટલે કે સોરસૂપ ફ્રૂટનો ઉલ્લેખ પણ હતો. આપણે માર્કેટમાં કદાચ આ ફળ જોયું હશે, પણ એના આકાર-રંગ અને કદને કારણે એના વિશે બહુ ઉત્સુકતા નહીં જાગી હોય. છેલ્લાં કેટલાંક વર્ષોથી એક્સક્લુઝિવ ફળોનું માર્કેટ મોટું બનતું જ જાય છે અને એ છે હનુમાન ફળ. તમે વર્ષોથી શાક-બકાલું લેવા જતા હો છતાં અમુક ફળો જોઈને એવું લાગે કે આ કયું ફળ છે, આવું તો કોઈ દિવસ ખાધું નથી. એમાં પણ તમે ફળવાળાને પૂછો કે આ શું છે? તો કહેશે ખૂબ જ રસ ભરેલું ફળ છે સાહેબ, ખૂબ તાકાત આપશે.
દેખાવ જોઈને લાગે છે આ નવા પ્રકારનાં સીતાફળ છે કે? ના-ના, સીતાફળને પણ ટક્કર મારે એવું ફળ છે આ તો. હનુમાન ફળ. એમાં બીજ નહીંવત્ હશે. સીતાફળ અતિ મીઠું અને બધાનું ભાવતું ફળ છે, પણ કદાચ એનાં અઢળક બીજથી કંટાળી જવાય છે. જો એ જ ગાયબ થઈ જાય અને ફક્ત પલ્પ જ પલ્પ હોય તો કેટલી મજા આવે! આ મજા જોઈતી હોય તો લઈ આવો હનુમાન ફળ, જે આજકાલ મુંબઈની એક્સક્લુઝિવ ફળોની માર્કેટમાં તો અઢળક મળતાં થઈ ગયાં છે. મજાની વાત એ છે કે રામાયણનાં બધાં જ પાત્રોનાં નામનાં ફળો છે આપણી પાસે. સીતાફળ અને રામફળ તો તમે ખાધાં જ હશે પણ લક્ષ્મણ ફળ પણ બજારમાં મળે છે, પણ આ બધાં વચ્ચે આજે વાત કરીએ હનુમાન ફળની.
મેક્સિકો અને સાઉથ અમેરિકામાં મળતું એનોના મુરિકાટા નામનું ફ્રૂટ જ્યારે ભારત આવ્યું ત્યારે આપણે એને પોતીકું નામ આપ્યું હનુમાન ફળ. મૂળ બ્રાઝિલનું આ ફળ આપણે ત્યાં દક્ષિણ ભારતમાં ઊગે છે. ઉપરથી લીલું અને અંદર એકદમ સફેદ એવું હનુમાન ફળ સ્વાદમાં ખૂબ સારું છે. એની ઉપરની સ્કિન ઘણી જાડી હોય છે. ઘણાં હનુમાન ફળમાં ઉપર થોડા કાંટા પણ જોવા મળે છે. એ અત્યંત ક્રીમી છે. ઘણાં નવાં ફળો એવાં હોય છે કે લઈને આપણે પસ્તાઈએ છીએ, પરંતુ હનુમાન ફળમાં એવું થતું નથી. ખાટું, મીઠું અને ક્રીમી હોવાને લીધે એમ પણ કહી શકાય કે કેરી, પાઇનૅપલ અને વૅનિલાને મિક્સ કરીએ તો જેવી ફ્લેવર મળે એવો સ્વાદ છે એનો. પોષક તત્ત્વોથી ભરપૂર આ ફળ શરીરને ઘણી રીતે ઉપયોગી થાય છે એટલું જ નહીં; એનાં પાન, કળીઓ, મૂળ અને બીજનો ઉપયોગ દવાઓ માટે થાય છે.
રોગપ્રતિકારક શક્તિ વધારે
આ ફળની મુખ્ય ઉપયોગિતા વિશે વાત કરતાં ન્યુટ્રિશનિસ્ટ કેજલ શાહ કહે છે, ‘હનુમાન ફળમાં વિટામિન C સારી માત્રામાં મળે છે જે રોગપ્રતિકારક શક્તિ માટે ઉપયોગી છે. વિટામિન C સફેદ રક્તકણોનું ઉત્પાદન વધારવામાં મદદરૂપ છે અને ઇન્ફેક્શન્સ સામે રક્ષણ આપે છે. હનુમાન ફળ ઍન્ટિ-ઑક્સિડન્ટ્સથી ભરપૂર છે. એનામાં ટેનિન્સ, ફ્લેવનૉઇડ્સ ભરપૂર માત્રામાં હોય છે. ઑક્સિડેટિવ સ્ટ્રેસ, જે કોઈ પણ પ્રકારના લાંબા ગાળાના રોગો જેમ કે કૅન્સર કે ડાયાબિટીઝ કે કાર્ડિયોવૅસ્ક્યુલર કન્ડિશન માટે જવાબદાર ગણાય છે એને દૂર કરવા માટે એ ભરપૂર ઉપયોગી છે. એક સ્ટડી તો ત્યાં સુધી કહે છે કે એસીટોજેનિન્સ નામનું કમ્પાઉન્ડ છે જે આ ફળમાંથી મળે છે એ ઍન્ટિ-કૅન્સેરિયસ પ્રૉપર્ટી ધરાવે છે. કૅન્સરના ગ્રોથને અટકાવવામાં મદદરૂપ છે. જો આ બાબતે પાકું ન કહી શકાય તો પણ એ નુકસાન તો નહીં જ કરે એ વાત તો પાકી જ છે.’
બીજા ઉપયોગો
કોઈ પણ ફળમાં આમ તો ફાઇબર્સની માત્રા વધુ જ હોય છે. હનુમાન ફળમાં બીજાં ફળો કરતાં વધુ પલ્પ હોવાને કારણે ફાઇબર સારી માત્રામાં મળે છે, જેના વિશે વાત કરતાં ન્યુટ્રિશનિસ્ટ હેતલ છેડા કહે છે, ‘હનુમાન ફળમાં રહેલાં ડાયટરી ફાઇબર્સ પાચનમાં મદદરૂપ થાય છે. કોઈને કબજિયાત હોય તો આ ફળ સારું છે. આ સિવાય એ જઠરમાં રહેલા સારા બૅક્ટેરિયાની સંખ્યા વધારવામાં પણ મદદરૂપ છે. એટલે એનાથી પાચન સુધરે છે. એમાં રહેલાં વિટામિન B જેમ કે થાયમીન અને રિબોફ્લેવિનને કારણે થાક ઓછો લાગે. મગજ સારી રીતે કામ કરે, મૂડ સ્વિંગ્સ ઓછા થાય અને પાચન પણ પ્રબળ બને છે. આ ઉપરાંત આ ફળને કારણે શરીરમાં કોલાજનનું પ્રોડક્શન વધે છે, જેને કારણે સ્કિન વધુ સારી બને છે. એજિંગનાં ચિહ્નો ઓછાં થાય છે.’
રોગને રોકવામાં ઉપયોગી
રોગો સામે લડવા માટે અને એને થતા રોકવા માટે બન્ને રીતે આ ફળ ઉપયોગી સાબિત થાય છે એમ સમજાવતાં હેતલ છેડા કહે છે, ‘આ ફળમાં રહેલી પોટૅશિયમની માત્રાને કારણે એ બ્લડ-પ્રેશરને કન્ટ્રોલ કરવામાં મદદરૂપ ફળ સાબિત થાય છે. પોટૅશિયમ શરીરમાં સોડિયમના પ્રમાણને કન્ટ્રોલ કરવાનું કામ કરે છે. લોહીની નળીઓને રિલૅક્સ કરીને એ નસોની હેલ્થ માટે ઉપયોગી સાબિત થાય છે. આમ ડાયાબિટીઝ, બ્લડ-પ્રેશર અને હાર્ટ ડિસીઝના દરદીઓ માટે એ ફાયદો કરે છે પરંતુ તેમણે એ માપમાં ખાવું જરૂરી છે. આ ઉપરાંત કોઈ પણ રોગનું મૂળ ગણાતું ઇન્ફલેમેશન આનાથી દૂર થાય છે, કારણ કે આ ફળમાં ઍન્ટિઇન્ફ્લૅમૅટરી પ્રૉપર્ટી પણ સારી માત્રામાં છે. ખાસ કરીને આર્થ્રાઇટિસ જેવા રોગોમાં એ ઉપયોગી સાબિત થાય છે અને દુખાવાને દૂર કરવામાં મદદરૂપ છે.’
ધ્યાન રાખવું જરૂરી
કોઈ પણ વસ્તુ ઉપયોગી હોય એનો અર્થ એ નથી કે એને ઇચ્છીએ એટલી ખાઈ શકાય. આ ફળ ખાતાં પહેલાં અમુક વસ્તુઓનું ધ્યાન રાખવું જરૂરી છે. એ વિશે વાત કરતાં કેજલ શાહ કહે છે, ‘આ ફળમાં ખૂબ ઓછી માત્રામાં એનોનાસીન જેવાં ટૉક્સિક કમ્પાઉન્ડ છે, જે એની છાલ અને એનાં બીજમાં રહેલાં હોય છે. આમ પણ આ ફળમાં આપણે એનો અંદરનો પલ્પ જ ખાઈએ છીએ છતાં એને ખૂબ વધુ માત્રામાં ખાવું નહીં. વધુ માત્રામાં ખાવાથી એ નર્વના કોષો પર અસર કરે છે. જેને કોઈ ફળની ઍલર્જી હોય તેણે એ ધ્યાન રાખીને ખાવું. પ્રેગ્નન્સી દરમિયાન આ ખાવું સેફ છે કે નહીં એ માટે વધુ રિસર્ચ જોવા મળતાં નથી. એટલે એમ કહી શકાય કે ખાવું હોય તો તમારા ડૉક્ટરને એક વાર પૂછી લેવું. એમાં કૅલરી પણ થોડી વધુ છે એટલે એક સમયે ફળ પણ ઘણું કહેવાય. જેને શુગર અને કૅલરીનું ધ્યાન રાખવું હોય એ અડધાથી શરૂ કરી શકે છે. એમનેમ ફળ ખાવાની મજા પડશે. બાકી નવીનતા માટે એની સ્મૂધી પણ બનાવી શકાય કે ડિઝર્ટમાં પણ વાપરી શકાય.’
હનુમાન ફળમાંથી મળે છે શું?
૧૦૦ ગ્રામ હનુમાન ફળમાંથી
કૅલરી - ૭૫ કૅલરી
કાર્બોહાઇડ્રેટ્સ - ૧૭.૭૧ ગ્રામ
પ્રોટીન - ૧.૫૭ ગ્રામ
ફૅટ - ૦.૬૮ ગ્રામ
ડાયેટરી ફાઇબર - ૩ ગ્રામ
વિટામિન C - ૧૨.૬ મિલીગ્રામ
વિટામિન B6 - ૦.૨૫૭ મિલીગ્રામ
પોટૅશિયમ - ૨૮૭ મિલીગ્રામ
કૉપર - ૦.૦૬ મિલીગ્રામ
આ ફળ ઍન્ટિ ઑક્સિડન્ટ્સથી ભરપૂર છે. એનામાં ટેનિન્સ, ફ્લેવનૉઇડ્સ ભરપૂર માત્રામાં હોય છે. જે કોઈ પણ પ્રકારના લાંબા ગાળાના રોગો જેમ કે કૅન્સર કે ડાયાબિટીઝ કે કાર્ડિયોવૅસ્ક્યુલર કન્ડિશન દૂર કરવા માટે એ ઉપયોગી છે. એક સ્ટડી મુજબ એમાં ઍન્ટિ કૅન્સેરિયસ પ્રૉપર્ટી હોવાથી કૅન્સરના ગ્રોથને અટકાવવામાં હેલ્પ કરે છે - કેજલ શાહ, ન્યુટ્રિશનિસ્ટ