04 December, 2024 07:45 AM IST | Mumbai | Heena Patel
સરસોં દા સાગ
સારા અલી ખાનની શિયાળાની મનપસંદ વાનગી ઊંધિયું અને સરસોં દા સાગ છે. શિયાળામાં આપણા ગુજરાતીઓના ઘરે ઊંધિયું બનતું જ હોય છે, પણ સરસોં દા સાગ જનરલી ઉત્તર ભારતમાં અને ખાસ કરીને પંજાબમાં વધુ ખવાય છે. પાલકની ભાજી જેવાં દેખાતાં સરસોંનાં પાંદડાં પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે. શિયાળામાં શરીરને ગરમાટો અને એનર્જી આપતી સરસોંનું સાગ બનાવીને ખાવાથી ઘણા ફાયદા થાય છે
સરસોં દા સાગ ઔૅર મક્કે દી રોટી... આ એક બેસ્ટ ફૂડ કૉમ્બો છે. પંજાબમાં આ મનપસંદ વ્યંજનને ખાસ શિયાળામાં આરોગવામાં આવે છે. સરસવની ભાજી એટલે રાઈનાં પાંદડાંની ભાજી, જેને અંગ્રેજીમાં મસ્ટર્ડ ગ્રીન્સ કહેવાય છે. હાલમાં જ સોશ્યલ મીડિયા પર અભિનેત્રી સારા અલી ખાને એક પોસ્ટ શૅર કરીને કહ્યું હતું કે તેનું ફેવરિટ વિન્ટર ફૂડ ઊંધિયું અને સરસોં દા સાગ છે. ગુજરાતીઓને ઊંધિંયું ખાવાનું સલાહ આપવાની જરૂર નથી, પણ આપણા ઘરે સરસવનું શાક સામાન્ય રીતે બનતું નથી. આપણે પાલક, મેથી જેવી લીલી પાંદડાંવાળી શાકભાજી ખાઈએ છીએ, પણ સરસોંની ભાજી ખાવાનું ચૂકી જઈએ છીએ. એટલે આજે ખાસ એક્સપર્ટ પાસેથી આ ભાજીના હેલ્થ બેનિફિટ્સ અને એને બનાવવાની યોગ્ય રીત વિશે જાણી લઈએ જેથી આ શિયાળાની સીઝનમાં તમે પણ એનો આસ્વાદ માણી ફિટ રહી શકો.
શિયાળામાં બીમાર થતાં બચાવે
શિયાળામાં સરસોં દા સાગ ખાવાથી શરીરને કયા ફાયદા થાય છે એ વિશે વાત કરતાં ૨૦થી વધુ વર્ષનો અનુભવ ધરાવતાં ન્યુટ્રિશનિસ્ટ ડૉ. વર્ષા પટેલ જોશી કહે છે, ‘સરસોંની ભાજીમાં વિટામિન K ભરપૂર પ્રમાણમાં હોય છે. શરીરમાં વિટામિન Kની ઊણપ હોય તો બ્લડ ક્લૉટિંગ સરખી રીતે થઈ શકતું નથી. એના કારણે ઈજા થવા પર લોહી વધારે નીકળવા લાગે અને ઘા પર જલદીથી રૂઝ આવતી નથી. સરસવની ભાજી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવાનું પણ કામ કરે છે, કારણ કે એમાં વિટામિન C પણ સારા પ્રમાણમાં હોય છે. ડાયટના માધ્યમથી શરીરને પૂરતું વિટામિન C ન મળતું હોય તો ઇમ્યુન સિસ્ટમ નબળી પડી જાય છે, પરિણામે સંક્રમણ જલદીથી થઈ શકે અને વારંવાર બીમાર પડવાનું જોખમ વધી શકે. સરસવની ભાજીમાં વિટામિન Aનું પ્રમાણ પણ સારું હોય છે, જે આંખની તંદુરસ્તી જાળવવા માટે ખૂબ જરૂરી છે. વિટામિન A રતાંધળાપણું તેમ જ વધતી વય સંબંધિત આંખના રોગોનું જોખમ ઘટાડે છે.’
હાડકાં મજબૂત રાખે
સરસવમાં રહેલાં પોષક તત્ત્વો વિશે વધુ માહિતી આપતાં મુલુંડમાં પ્રૅક્ટિસ કરતાં ડૉ. વર્ષા કહે છે, ‘સરસવની ભાજીમાં કૅલ્શિયમ, મૅગ્નેશિયમ, પોટૅશિયમ અને આયર્ન જેવાં મિનરલ્સ સારા પ્રમાણમાં હોય છે. કૅલ્શિયમ તમારાં હાડકાં અને દાંત બન્નેને સ્વસ્થ અને મજબૂત રાખવા માટે જરૂરી છે. બાળકોમાં હાડકાંનો વિકાસ સૌથી વધુ ઝડપી થતો હોય છે એટલે તેમને કૅલ્શિયમની વધુ જરૂર હોય છે. એવી જ રીતે મૅગ્નેશિયમ પણ હાડકાં માટે જરૂરી છે, કારણ કે એ એની ઘનતા (ડેન્સિટી)માં સુધારો
કરે છે તેમ જ ઑસ્ટિયોપોરોસિસ જેવા રોગોનું જોખમ ઘટાડે છે. મૅગ્નેશિયમ હાઈ બ્લડ-પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. એ સિવાય પોટૅશિયમ પણ બ્લડ-પ્રેશર રેગ્યુલેટ કરવામાં મદદ કરે છે જેથી હૃદયનું સ્વાસ્થ્ય જળવાઈ રહે. એ ઉપરાંત આયર્ન લોહીમાં હીમોગ્લોબિનનું પ્રમાણ વધારીને એનીમિયાનું જોખમ ઓછું કરે છે. હેલ્ધી ઇમ્યુન સિસ્ટમ માટે પણ આયર્ન ખૂબ જરૂરી છે.’
વેઇટલૉસમાં મદદ કરે
ઠંડીમાં સરસવની ભાજી ખાવાથી બીજા કયા સ્વાસ્થ્ય લાભો મળે છે એ ગણાવતાં ડૉ. વર્ષા કહે છે, ‘સરસોની ભાજીમાં ડાયટરી ફાઇબરનું પ્રમાણ પણ સારું હોય છે, જે ગટ હેલ્થને સારી રાખે છે. ફાઇબર આપણા આંતરડાંમાંથી ટૉક્સિન્સને બહાર કાઢવાનું તેમ જ પાંચનતંત્રને સાફ રાખીને કબજિયાત જેવી પેટ સંબંધિત સમસ્યા ટાળે છે. એ સિવાય સરસવની ભાજીમાં લો કૅલરી અને હાઈ ફાઇબર હોવાથી વેઇટલૉસ માટે પણ સારું છે. ફાઇબર તમારા પેટને લાંબો સમય સુધી ભરેલું રાખે છે, પરિણામે તમને વારંવાર કંઈ ખાવાની ઇચ્છા ઓછી થાય છે અને એને કારણે કૅલરી ઇન્ટેક પણ ઓછો રહે છે. સરસવની ભાજીમાં અનેક ઍન્ટિઑક્સિડન્ટ્સ હોય છે. મેટાબોલિક પ્રોસેસ (ચયાપચયની ક્રિયા), પ્રદૂષણ, રેડિયેશન અને સન એક્સપોઝર, કેમિકલ્સ વગેરેને કારણે શરીરમાં ઉત્પન્ન થતા ફ્રી રૅડિકલ્સ આંતરિક કોષોને નુકસાન પહોંચાડે છે. કૅન્સર, હૃદય સંબંધિત બીમારી, અલ્ઝાઇમર વગેરે જેવા ક્રૉનિક ડિસીઝ થવાનું જોખમ વધારતા ફ્રી રૅડિકલ્સની અસરને ઓછી કરવાનું કામ ઍન્ટિઑક્સિડન્ટ્સ કરે છે. એ સિવાય ઍન્ટિઑક્સિડન્ટ્સ શરીરમાં રહેલાં ઝેરી તત્ત્વોને બહાર ફેંકવાનું કામ પણ કરે છે. સરસવની ભાજીમાં રહેલી ઍન્ટિઇન્ફ્લૅમૅટરી પ્રૉપર્ટીઝ શરીરમાં ઇન્ફ્લમેશનને ઘટાડવામાં મદદરૂપ બને છે, પરિણામે શરીરમાં અને ખાસ કરીને સાંધામાં દુખાવો હોય તો એને ઓછો કરે છે.’
ભાજી બનાવવાની સાચી રીત
સરસવની ભાજીને કઈ રીતે પકાવવી જોઈએ જેથી એમાં રહેલાં પોષક તત્ત્વો બળી ન જાય તેમ જ એમાં કયાં ઇન્ગ્રીડિયન્ટ ઍડ કરવાં જોઈએ જેથી એની ન્યુટ્રિશનલ વૅલ્યુમાં વધારો થાય એ વિશે વાત કરતાં ન્યુટ્રિશનિસ્ટ વર્ષા પટેલ જોશી કહે છે, ‘સરસવની ભાજીને હંમેશાં ધીમા તાપે ચડવા દેવી જોઈએ જેથી એમાં રહેલાં પોષક તત્ત્વો ધીમે-ધીમે રિલીઝ થાય અને બળી ન જાય. સાગ બનાવતી વખતે બાફેલી ભાજીને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીએ ત્યારે એને સાવ ઝીણી પીસવાને બદલે અધકચરી પીસવી જોઈએ જેથી એમાં રહેલું ફાઇબર સાવ ડ્રિસ્ટૉય ન થાય. સરસવની ભાજીમાં પાલકની ભાજી, ચીલની ભાજી અને મેથીની ભાજી પણ મિક્સ કરવામાં આવે છે. સરસવની ભાજીમાં આ અન્ય પાંદડાંવાળી ભાજી મિક્સ કરવાથી એની ન્યુટ્રિશનલ વૅલ્યુ ઘણી વધી જાય છે. સરસવની ભાજીમાં આદું, લસણ, કાંદા, મરચાં વગેરે નાખવામાં આવે છે જે શરીરને ગરમાવો આપવાનું કામ કરે છે. ઠંડીમાં આપણા હાથ-પગ ઠંડા પડી જતા હોય છે, બ્લડ સર્ક્યુલેશન લો થઈ જતું હોય છે એટલે આવાં સ્પાઇસી ઇન્ગ્રીડિયન્ટ ખાવાથી એ સુધરે છે. એ સિવાય આમાં ઘી નાખીને ખાવાથી એ શરીરને પોષક તત્ત્વો યોગ્ય રીતે શોષવામાં મદદ કરે છે. ફૅટ સોલ્યુબલ વિટામિન જેમ કે વિટામિન A, વિટામિન Kનું ઍબ્સૉર્પ્શન ઘીથી સારું થાય છે. સરસવની ભાજીમાં ખાસ સરસિયું તેલ જ વાપરવું જોઈએ કારણ કે આમાં ઑમેગા-થ્રી જેવા એસેન્શિયલ ફૅટી ઍસિડ હોય છે એ પણ ફૅટ સૉલ્યુબલ વિટામિનને ઍબ્સૉર્પ્શનમાં મદદ કરે છે. સરસવની ભાજી સ્વાદમાં થોડી કડવી હોય છે એટલે ટેસ્ટને બૅલૅન્સ કરવા માટે એમાં લીંબુનો રસ અને થોડો ગોળ ઍડ કરવામાં આવે છે. લીંબુમાં રહેલા વિટામિન Cથી આયર્નનું ઍબ્સૉર્પ્શન સારું થાય છે તેમ જ ગોળ પણ આયર્નનો એક સારો સોર્સ છે.’
સરસવની ભાજી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવાનું પણ કામ કરે છે, કારણ કે એમાં વિટામિન C સારા પ્રમાણમાં હોય છે. સરસવની ભાજીમાં વિટામિન Aનું પ્રમાણ પણ સારું હોય છે, જે આંખની તંદુરસ્તી જાળવવા માટે ખૂબ જરૂરી છે. વિટામિન A રતાંધળાપણું તેમ જ વધતી વય સંબંધિત આંખના રોગોનું જોખમ ઘટાડે છે.- વર્ષા પટેલ જોશી, ન્યુટ્રિશનિસ્ટ