28 September, 2024 02:03 PM IST | Mumbai | Sanjay Goradia
સંજય ગોરડીયા
હમણાં મારા નવા નાટકનાં રિહર્સલ્સ ચાલે છે અને એક ફિલ્મનું શૂટિંગ હમણાં જ પૂરું કર્યું એટલે દિવસ દરમ્યાન થોડીક નવરાશ હોય છે. આ નવરાશ વચ્ચે તમારા માટે ફૂડ-ડ્રાઇવ શોધવાના ઇરાદે હું નીકળ્યો. મનમાં હતું કે કંઈક નવું શોધું, પણ વરસાદ કહે મારું કામ એટલે પછી ટેસ્ટ-ઓકે કહેવાય એવી જ ફૂડ-ડ્રાઇવ કરવાનું નક્કી કર્યું અને હું એક કામ પતાવીને બોરીવલીથી રવાના થયો મલાડ તરફ પણ સાહેબ, વરસાદના કારણે હાઇવે પર ટ્રાફિક જૅમ હશે એવું ધારીને હું એસ. વી. રોડ પર આવ્યો ને ત્યાં પણ એટલો જ ટ્રાફિક. છેક દોઢ કલાકે હું માંડ મલાડ પહોંચ્યો અને ત્યાં સુધીમાં તો માંહ્યલો બકાસુર એવો તે જોરમાં આવી ગયો કે કાબૂમાં ન રહે. દીનાનાથમાં મળતાં બટાટાવડાં મને ભાવે એટલે મેં નક્કી કર્યું હતું કે બટાટાવડાંનો ટેસ્ટ કરાવીશ, પણ ભૂખથી રહેવાયું નહીં એટલે મેં તો ગૂગલ મહારાજની આંગળીએ ચેક કરવાનું ચાલુ કર્યું કે બેસ્ટ ભેળપૂરી, પાણીપૂરી ક્યાં મળશે અને ગૂગલ મહારાજે મને આદેશ આપ્યો મામલતદારવાડી જવાનો.
મલાડમાં મામલતદારવાડી બહુ ફેમસ જગ્યા છે. બોરીવલીથી મલાડ તરફ આવો એટલે એસ. વી. રોડની જમણી બાજુની ગલીનો આખો એરિયા મામલતદારવાડી કહેવાય છે. જમણે ગયા પછી થોડા આગળ જતાં લેફ્ટ સાઇડ પર જય બજરંગબલી ભેળપૂરી હાઉસ આવે. ગૂગલ મહારાજનું કહેવું હતું કે આ જગ્યા બેસ્ટ છે. હું તો માન્યો ગૂગલ મહારાજની વાત અને ગાડી રોકી સીધો અંદર ગયો.
જય બજરંગબલી ભેળપૂરી હાઉસ પ્રૉપર દુકાન છે, આપણા ગુજરાતીની જ છે. પહેલાં મેં પાણીપૂરી ચાખી, સરસ હતી. ભાઈ ગુજરાતી હતા એટલે મને મનમાં હતું કે પાણીપૂરી સારી બનાવશે કે નહીં પણ સાહેબ, ખરેખર સરસ. ગરમાગરમ રગડામાં એકદમ તીખું પાણી. પાણીમાં રહેલો ફુદીનો અને ક્રશ કરીને નાખેલી મરચી મોઢામાં ફીલ થતાં હતાં. ખજૂર-આંબલીનું પાણી પણ સરસ હતું. ખટાશ માટે હવે ઘણી જગ્યાએ આમચૂર વાપરવામાં આવે છે. ઓરિજિનલ આમચૂર તો પોસાય જ નહીં એટલે માર્કેટમાં મળતું તૈયાર આમચૂર ખરીદે અને બજારમાં મળતાં મોટા ભાગનાં આમચૂરમાં સાઇટ્રિક ઍસિડનો પાઉડર નાખવામાં આવે છે, જે હેલ્થ માટે હાનિકારક છે.
શુદ્ધતા અને સ્વાદમાં સંતોષ થયો એટલે મેં આપ્યો ભેળનો ઑર્ડર. હવે લોકો પેપર પ્લેટમાં જ ભેળ આપવાનું પસંદ કરે છે પણ અહીં મને ભેળ પાંદડા પર આપવામાં આવી. ખાખરાના પાનની નીચે એક કાગળ, પણ ભેળ આખી પેલા પાન પર. ભેળ તૈયાર થયા પછી એની ઉપર ટમેટાં અને ખારી સિંગ પણ નાખે. ટમેટાં નાખવાની મેં ના પાડી તો તેણે સામેથી રિક્વેસ્ટ કરી, મારો ભરોસો રાખો; મજા આવશે. અને સાહેબ, હું તો માન્યો તેની વાત ને ટમેટાંની સાથે ઉપરથી ઓરવામાં આવેલી ખારી સિંગ ભેળ માટે ગેમચેન્જર બની ગયાં. સિંગની ખારાશ અને ક્રન્ચીનેસની સાથે ટમેટાંની આછી અમસ્તી ખટાશને લીધે ભેળનો સ્વાદ જ સાવ જુદો થઈ જતો હતો. મજા પડી ગઈ. મને થયું કે હજી કંઈક ખાઈ લેવું જોઈએ એટલે મેં તો ઑર્ડર કર્યો વેજિટેબલ ટોસ્ટ સૅન્ડવિચનો. સૅન્ડવિચમાં જો કંઈ સૌથી અગત્યનું હોય તો એ ચટણી છે અને બજરંગબલીની ચટણી આલાદરજ્જાની. જલસો જ જલસો. ફુદીનાની સ્ટ્રૉન્ગ ફ્લેવર અને મરચાંની તમતમાટ બોલાવી દે એવી તીખાશ.
મલાડ બાજુએ હો અને મન થાય તો ક્યારેક મામલતદારવાડીમાં જઈને બજરંગબલીની વિઝિટ કરજો, બહુ મજા આવશે. બજરંગબલીમાંથી રવાના થઈ ઘર તરફ આવતો હતો ત્યારે મારા મનમાં વધુ એક વાત દૃઢતા સાથે સ્ટોર થઈ કે જેટલી નાની જગ્યા એટલું જ ખાવાનું શ્રેષ્ઠ અને તમે પણ એ વાત માનજો. નાની જગ્યાવાળા લોકો ફ્રિજની વ્યવસ્થા રાખતા નથી એટલે એટલું જ બનાવે જેટલી ખપત હોય, જેને લીધે તમને બધું ફ્રેશ જ ખાવા મળે.