24 August, 2024 12:31 PM IST | Mumbai | Darshini Vashi
તિરંગા સૅન્ડવિચ, મેક્સિકન પનિની અને કસાટા સૅન્ડવિચ સાથે સંતોષ ભોસલે
આજકાલ એક ટેબલ અને આકર્ષક ફૂડ-આઇટમના ફોટો લગાવીને ફૂડ-સ્ટૉલ શરૂ કરવો કોઈ મોટી વાત નથી રહી. પરંતુ અઘરું છે શરૂ કરેલા આ સ્ટાર્ટઅપને ટકાવી રાખવાનું. આવા ટફ કૉમ્પિટિશનના માહોલ વચ્ચે પણ જૂના વારસાને જાળવીને નવા બદલાવ સાથે તાલથી તાલ મેળવીને ચાલનારા ફૂડ-વેન્ડર્સ પણ હજી છે. મુંબઈની સ્ટ્રીટ-ફૂડની દુનિયામાં સક્રિય આવા જ એક અનોખા ફૂડ-સ્ટૉલની વાત અમે લઈને આવ્યા છીએ.
કાંદિવલીની હદ જ્યાં પૂરી થાય છે અને પોઇસરની હદ જ્યાંથી શરૂ થાય છે ત્યાં એટલે કે કાંદિવલી એસ. વી. રોડ પર આવેલા ફાયર-બ્રિગેડની સામે હંગર પૉઇન્ટ નામનો સૅન્ડવિચ સ્ટૉલ છે જ્યાં પીત્ઝા, ગાર્લિક બ્રેડ અને પનિની પણ મળે છે. આ સ્ટૉલ જે ચલાવે છે તેમનું નામ છે સંતોષ ભોસલે. પોલિયો હોવા છતાં આ ભાઈ આખો દિવસ ઊભા રહીને સૅન્ડવિચ બનાવે છે અને એ પણ આજકાલથી જ નહીં પણ છેલ્લાં ૨૨ વર્ષથી. સાંજે ચારના ટકોરે આવીને કામકાજ શરૂ કરે અને પછી રાતે અગિયાર વાગ્યા સુધી તેમને ત્યાં માનવમહેરામણ ઊભરાતો રહે છે. બાવીસ વર્ષથી ટકી શક્યા છે એટલે સંતોષની સૅન્ડવિચમાં તો દમ છે જ પણ આ સ્ટૉલ શરૂ કરવા પાછળની તેમની સ્ટોરી પણ મજેદાર છે. સંતોષ ભોસલે કહે છે, ‘મને પોલિયો હોવાથી મારા પપ્પાને ચિંતા થતી હતી કે હું આગળ કેવી રીતે સેટલ થઈ શકીશ. હું એવું માનતો આવ્યો છું કે મારી શારીરિક સમસ્યાના દમ પર સ્ટૉલ લેવા કરતાં અથવા તો બીજા પર આધાર રાખવા કરતાં પોતાની જાતમહેનતે જેટલા મળે એટલા પૈસા કમાવવા છે એટલે હું જ્યારે કૉલેજના ત્રીજા વર્ષમાં હતો ત્યારે મેં સૅન્ડવિચનો સ્ટૉલ શરૂ કર્યો. મારા પગલાથી મારા પિતાજીની ખુશીનો કોઈ હિસાબ નથી.’
સૅન્ડવિચ ઉપરાંત સંતોષે અહીં ફ્રેન્ચ ફ્રાઇસ અને બર્ગર બનાવવાનું પણ ચાલુ કર્યું હતું પરંતુ એકલા હાથે પહોંચાતું નહોતું એટલે એ બંધ કરી દીધું. હવે તેમની પાસે એક હેલ્પર છે એટલે નજીકના ભવિષ્યમાં પાંઉભાજી અને પુલાવ વેચવાનું શરૂ કરવાનો પણ તેમનો પ્લાન છે. પ્રાઇમ લોકેશન પર ફૂડ-સ્ટૉલ હોય ત્યારે ઘણા પડકારો પણ હોય છે. એ વિશે સંતોષ કહે છે, ‘અનેક વખત મારો સ્ટૉલ BMCના માણસો આવીને ઉપાડી ગયા છે તો કેટલીયે વાર એ તોડી પણ પાડ્યો છે. જોકે એવું થાય ત્યારે હું મારી શારીરિક તકલીફને આગળ ધરીને રડતો નથી બેસતો. ઘણી વાર આસપાસ બિલ્ડિંગ બનાવનારા હેરાન કરવા આવી પહોંચે છે. તેઓ ઇચ્છે છે કે હું આ જગ્યા છોડી દઉં. મને ખૂબ હેરાન કરવામાં આવ્યો ત્યારે હું લોકલ રાજનેતા પાસે અરજી લઈને ગયો. તેમણે મને ચકાલા પાસે જગ્યા બતાવી અને ત્યાં સ્ટૉલ નાખવા કહ્યું. મેં એમ કર્યું પણ મને ચકાલામાં વર્ષોથી સ્ટૉલ ધરાવતા લોકોએ ત્યાં ઘૂસવા દીધો નહીં, મને નીકળી જવા માટે ધમકીઓ મળવા લાગી એટલે ફરી હું અહીં જ આવી ગયો. આમ આજે પણ તલવારની ધાર પર જ હું મારો ધંધો ચલાવી રહ્યો છું.’
ફૂડની વાત પર આવીએ તો અહીંની કસાટા સૅન્ડવિચ સોશ્યલ મીડિયા પર ખૂબ વાઇરલ છે. ચાર-પાંચ બ્રેડની સ્લાઇસને એકબીજાની આજુબાજુ ગોઠવી ઉપર અલગ-અલગ ચટણી, સૉસિસ અને ચીઝ નાખવામાં આવે છે. પછી એનો રોલ બનાવવામાં આવે છે. ઉપર ઢગલાબંધ ચીઝ નાખવામાં આવે છે અને બેક કરવામાં આવે છે. એવી જ રીતે તિરંગા સૅન્ડવિચ પણ ખૂબ અલગ છે. ઑરેન્જ કલર માટે ટમૅટો ચટણી, વાઇટ માટે કાંદાની ચટણી અને ગ્રીન કલર માટે કૅપ્સિકમની ચટણી બનાવીને એક પછી એક બ્રેડની સ્લાઇસ ઉપર લગાડવામાં આવે છે અને જ્યારે સૅન્ડવિચને કટ કરવામાં આવે છે ત્યારે વચ્ચે તિરંગા જેવો લુક આવે છે. આવી રીતે અહીં મેક્સિકન પનિની, ડોનટ્સ સૅન્ડવિચ, ઓપન ગાર્લિક બ્રેડ વગેરે પણ ખૂબ જ ટેસ્ટી મળે છે.
ક્યાં છે? : હંગર પૉઇન્ટ, એસ. વી. રોડ, કાંદિવલી ફાયર-બ્રિગેડની સામે, કાંદિવલી (વેસ્ટ)
સમય : સાંજે ૪થી લઈને રાત્રે ૧૧ વાગ્યા સુધી