મૅનહટનમાં વતનની યાદ અપાવી દે આ વતન રેસ્ટોરાં

25 May, 2024 11:49 AM IST  |  Mumbai | Sanjay Goradia

ગુજરાતમાં તમને ઑથેન્ટિક ગુજરાતી થાળી ખાવા ન મળે એવું બની શકે, પણ અમેરિકામાં આવેલી વતન રેસ્ટોરાં માટે તમે એ ફરિયાદ ક્યારેય ન કરી શકો, ક્યારેય નહીં

સંજય ગોરડીયા અને વતન રેસ્ટોરાં

આમ તો તમને ખબર જ છે કે અત્યારે હું અમેરિકામાં છું અને અમારા નાટકના શો ચાલે છે. અઠવાડિયાની શરૂઆતમાં અમે ન્યુ યૉર્કમાં શો પતાવ્યો. બીજા દિવસે અમારો શો નહોતો અને અમારે ટ્રાવેલ પણ નહોતું કરવાનું એટલે મારી આખી ટીમ ગેલમાં આવી ગઈ કે ચાલો, આપણને ફરવા મળશે. અમે નક્કી કર્યું કે આપણે મૅનહટન જઈશું અને જેવું મૅનહટનનું નામ આવ્યું કે તરત મારી આંખ સામે મારા મિત્ર જિતુભાઈ મહેતા અને તેમની રેસ્ટોરાં આવી ગઈ. એ રેસ્ટોરાંનું નામ છે વતન. આ વતન રેસ્ટોરાં મૅનહટનના થર્ડ ઍવન્યુમાં સ્ટ્રીટ-નંબર ૨૮/૨૯ના કૉર્નર પર છે. પ્યૉર આપણી ગુજરાતી રેસ્ટોરાં અને મિત્રો, મૅનહટનમાં આપણી ગુજરાતી રેસ્ટોરાં હોય એ જ બહુ મોટી વાત કહેવાય. આ મૅનહટન એટલે ન્યુ યૉર્કનો સૌથી પૉશ એરિયા. જો તમારે આ આખો એરિયા જોવો હોય તો ચાલતાં જ જવું જોઈએ, જો તમે ચાલી ન શકો તો તમે મૅનહટન જોઈ જ ન શકો.

અમે તો નીકળ્યા ચાલતાં મૅનહટનમાં અને ફરતાં-ફરતાં પહોંચ્યા અમે વતન રેસ્ટોરાંમાં. ઉમળકાભેર અમને આવકારવામાં આવ્યા. આ જે વતન રેસ્ટોરાંનું ઍમ્બિયન્સ છે એ બહુ સરસ છે એ જસ્ટ ઉમેરી દઉં.

સૌથી પહેલાં અમારા માટે એક મોટી થાળી ભરીને ઍપિટાઇઝર આવ્યાં, જેમાં જાતજાતનાં ફરસાણ અને ચાટ આઇટમ હતાં. કૉકેટેલ સમોસા, બટાટાવડાં, મરચાનાં ભજિયાં, દહીં-બટાટા પૂરી. મસાલા ચણા, સફેદ ઢોકળાં ને રગડા-પૅટીસ ને એવું ઘણું હતું તો સાથે ગરમાગરમ ખીચું પણ હતું. નૉર્મલી કેવું હોય કે ઍપિટાઇઝર માટે તમને પૂછવા ન આવે, પણ વતન રેસ્ટોરાંમાં તમને બે વાર પૂછવા આવે કે તમને આ થાળીની કોઈ વરાઇટી એક્સ્ટ્રા જોઈતી હોય તો અમે આપીએ. અમે તો ના પાડી અને મગાવી થાળી.

થાળીમાં હતાં દાળ અને કઢી બન્ને, બે જાતનાં આપણાં ગુજરાતી શાક, કાંદાનું કચુંબર અને જો ફરસાણનું મન થાય તો પેલી ઍપિટાઇઝરની થાળીમાંથી લઈ લેવાનું. આ ઉપરાંત ગરમાગરમ ફુલકા રોટલી, સાથે બાજરાના અને જુવારના નાના રોટલા પણ. આ ઉપરાંત સ્વીટ ડિશમાં કેરીનો રસ હતો અને શ્રીખંડ હતો. અમે તો શરૂ કર્યું જમવાનું અને સાહેબ, શું જમવાનું હતું. તમને એમ જ લાગે કે તમે ઘરમાં બેસીને જમો છો. એકેક વરાઇટી આપણી ટિપિકલ ગુજરાતી આઇટમ જ જોઈ લો. અમેરિકામાં આપણને આ બધું ખાવા મળે એ તો કેવી મોટી વાત કહેવાય!
તમે રોટલી ખાવાનું પૂરું કરો એટલે તમને ભાત અને ખીચડી બન્ને આપે. જો તમારે દાળ-ભાત ખાવાં હોય તો એ ખાઓ અને જો તમને ખીચડી-કઢી જોઈતાં હોય તો એ ખાઓ. મેં તો બન્ને ટ્રાય કર્યાં. ફોતરાંવાળા મગની ખીચડી અને એની સાથે આપણી પેલી ટિપિકલ મીઠી કઢી તો ભાત સાથે સીંગદાણાવાળી આપણી મસ્ત મીઠી તુવેરદાળ. આટલું પત્યું ત્યાં તો પાછા અમને પૂછવા

આવી ગયા કે તમને ડિઝર્ટમાં શું આપીએ?

ડિઝર્ટમાં એ લોકો પાસે ગરમ ગુલાબજાંબુ અને ચાર જાતના આઇસક્રીમ હતા પણ અમે તો મૅન્ગો અને સીતાફળ આઇસક્રીમ મગાવ્યો. આ જે આઇસક્રીમ હતો એ પણ ટિપિકલ પેલો સંચાનો આઇસક્રીમ હતો. મૅન્ગો આઇસક્રીમમાં તાજી જ કપાયેલી કેરીના ટુકડા પણ મોઢામાં આવે. સાચું કહું તો ખાતી વખતે મેં સતત વાંધાવચકા શોધવાની કોશિશ કરી પણ માળું બેટું કંઈ મળ્યું જ નહીં. મને થયું કે હું જ મૂર્ખ છું કે મૅનહટન જેવા એરિયામાં આટલી સરસ ગુજરાતી થાળી મળતી હોય એમાં કોઈ ખોટ થોડી હોવાની?

જમવાનું પતાવીને અમે નીકળતા હતા ત્યાં મને સુખદ આશ્ચર્ય થયું. એક અંગ્રેજ કપલ આવ્યું અને તેમણે પણ આપણી ગુજરાતી થાળીનો ઑર્ડર કર્યો. મને થયું કે વાહ, ગુજરાતી વાહ. અરે હા, તમને થાળીનો ભાવ કહેવાનું તો રહી ગયું.

પ૮ ડૉલર!
ઑલમોસ્ટ સાડાચાર હજાર રૂપિયાની ગુજરાતી થાળી. અમેરિકનોને તો આ રકમ મોટી ન લાગે; પણ સાહેબ, આપણને લાગે હોં ને એ પછી પણ કહેવું પડે, થાળી એવી તે અદ્ભુત હતી કે જલસો પડી ગયો.

Gujarati food indian food new york Sanjay Goradia