21 December, 2024 08:43 AM IST | Mumbai | Darshini Vashi
થાણેમાં આવેલા કોપરીમાં વિજય સ્નૅક્સ કૉર્નર છે
થાણેમાં આવેલા કોપરીમાં વિજય સ્નૅક્સ કૉર્નર છે. આ સ્નૅક્સ કૉર્નરની શરૂઆત ૧૯૭૪માં કરવામાં આવી હતી. ત્યારથી લઈને આજસુધી આ સ્નૅક્સ કૉર્નર વિવિધ પ્રાંતના નાસ્તા બનાવીને વેચે છે. દરેક ફૂડનો ઑથેન્ટિક સ્વાદ અને ક્વૉલિટીને લીધે આજે પણ લોકો દૂર-દૂરથી અહીંના સ્નૅક્સનો આસ્વાદ માણવા આવી પહોંચે છે. આજે આ જગ્યાએ તેમને ૫૦ વર્ષ થઈ ગયાં છે. અનેક નવા સ્ટૉલ અને હોટેલ્સ આવી ગયાં છે. નવી જનરેશનનો ટેસ્ટ પણ બદલાયો છે છતાં આ સ્નૅક્સ કૉર્નરે એનું સ્થાન જાળવી રાખ્યું છે.
થાણે રેલવે-સ્ટેશનની ઈસ્ટ તરફ બહાર નીકળીને આગળ આવશો એટલે ત્યાં થોડેક આગળ જ વિજય સ્નૅક્સ કૉર્નરનું મોટું બોર્ડ લાગેલું જોવા મળશે. એલ શેપમાં બનેલો આ સ્નૅક્સ કૉર્નર તમને સામે જ દેખાશે. અહીં બટાટાવડાં, મેદુવડાં, સમોસા, ઢોકળાં, છોલે-ભટૂરે, તરી પોહા, કટલેટ, કોથિમ્બીર વડી અને મિસળ જેવી અનેક વરાઇટીના નાસ્તા મળે છે. એ પણ ગરમાગરમ. દરેક વરાઇટીનો ચાહકવર્ગ અલગ-અલગ છે. કોઈ પણ સમયે અહીં આવો તો તમને દરેક નાસ્તા મળી રહે છે. હાઇટેક રેસ્ટોરાં અને કૅફે-કલ્ચરની વચ્ચે આ જગ્યા તમને બીતે હુએ દિનની યાદ અપાવી જશે. નૉર્મલ લાકડાનું ફર્નિચર અને ઍન્ટિક સ્ટાઇલનું ઇન્ટીરિયર આ જગ્યાને ગમતીલી બનાવે છે. સ્ટૉલની બહારની તરફ નાની-નાની બેઠક બનાવેલી છે જ્યાં બેસીને ખાવું હોય તો ખાઈ શકાય છે. વાનગીઓ પણ મેલામાઇન કે પછી પ્લાસ્ટિકની સ્ટાઇલિશ ડિશમાં પીરસવાને બદલે સ્ટીલની ડિશમાં અપાવમાં આવે છે જે હોટેલમાં જમવાની જૂની યાદોને તાજી કરી દે છે.
અહીં માત્ર સ્નૅક્સ જ ચટાકેદાર નથી, એની સાથે પીરસવામાં આવતી ચટણી પણ લાજવાબ હોય છે. ખાસ કરીને લસણની સૂકી ચટણી અને કોકોનટ ચટણી. એમ કહીએ તો પણ ચાલે કે આ ચટણી ખાવા માટે કેટલાક લોકો આ સ્નૅક્સ કૉર્નરની મુલાકાત લેતા હશે. અહીં કોકમ શરબત પણ મળે છે જે કાચની બૉટલમાં આપવામાં આવે છે. અડધા લીટરની બૉટલમાં તાજું કોકમ શરબત આપવામાં આવે છે. અહીં આવશો તો તમને એવું કોઈ ભાગ્યે જ દેખાશે જે અહીંનું કોકમ શરબત ન પીતું હોય.
ક્યાં મળશે? : વિજય
સ્નૅક્સ કૉર્નર, લોકમાન્ય તિલક રોડ, કોપરી,
થાણે (ઈસ્ટ)
સમય : સવારે ૮થી રાત્રે ૧૦ વાગ્યા સુધી