મુંબઈમાં ઑથેન્ટિક છોલે-ભટૂરે ક્યાં ખાવા જશો?

06 July, 2024 10:25 AM IST  |  Mumbai | Sanjay Goradia

મહાકાલી કેવ્સ રોડ પર આવેલી ગુલાટીઝ સ્વીટ્સ ઍન્ડ સ્નૅક્સમાં તમારી ઇચ્છા પૂર્ણ થશે

સંજય ગોરડીયા

મને ઘણા વખતથી છોલે-ભટૂરે ખાવાની ઇચ્છા થતી હતી કારણ કે મિત્રો, આપણે ત્યાં મુંબઈમાં તમને ભેળપૂરી, સેવપૂરી, સાઉથ ઇન્ડિયન આરામથી મળી જશે પણ તમને છોલે-ભટૂરે કે બીજું ઑથેન્ટિક પંજાબી ફૂડ સરળતાથી મળે નહીં એટલે મેં મારી અક્કલ દોડાવી. અંધેરીમાં મહાકાલી કેવ્સ રોડ પર શેર-એ-પંજાબ કૉલોની છે. હવે આપણે ત્યાં તો નિયમ છેને, જેની વસ્તી વધુ એનું ફૂડ સરળ. મને થયું કે આ બાજુએ મને ઑથેન્ટિક પંજાબી ફૂડ મળી જવું જોઈએ એટલે હું તો સર્ચ કરવા બેઠો તો મને મળી ગુલાટીઝ સ્વીટ્સ ઍન્ડ સ્નૅક્સ. ગુલાટી એટલે પંજાબી. એ મારા અનુમાનને બળ આપનારું બીજું કારણ. મેં તો નક્કી કર્યું આ ગુલાટીમાં જવાનું. આમ જોઈએ તો મારા માટે આ જુગાર જ હતો. કાં મારે ધરમધક્કો હતો અને વીલા મોઢે પાછા ફરવાનું હતું અને કાં તો તમારા માટે એક મસ્ત મજાની ફૂડ-ડ્રાઇવ મને મળી જાય એવું હતું. વાત આગળ વધારતાં પહેલાં કહી દઉં મિત્રો, આ રીતે ફૂડ શોધવામાં મારે બહુ ધરમધક્કાઓ થયા છે તો ઘણી વાર તો જે-તે જગ્યાએથી મળેલા નબળા ફૂડે મારી હાલત પણ બગાડી છે, પણ આપણો તો સીધો સિદ્ધાંત, સ્ટેજ પર હોઈએ ત્યારે દર્શક ખુશ થવો જોઈએ અને રસ્તા પર આવીએ ત્યારે તમને ખુશી થવી જોઈએ. મનોમન બકાસુરને આશ્વાસન આપતો હું તો પહોંચ્યો આ ગુલાટીઝ સ્વીટ્સ ઍન્ડ સ્નૅક્સમાં.

મારું મેનુ તો નક્કી જ હતું એટલે મેં તો જઈને સીધો છોલે-ભટૂરેનો ઑર્ડર આપી દીધો. ભટૂરે એટલે આમ તો એક જાતની પૂરી, પંજાબીમાં એને ભટૂરે કહે. જે ભટૂરે આવ્યો એ ખૂબ મોટો હતો. એવી બે પૂરી અને કાળા રંગના છોલે આવ્યા. આ જે છોલે છે એને કાળા કરવા માટેની સાચી રીત છે, એમાં ખૂબ બધા કાળા કલરના મસાલા પડે તો બીજો શૉર્ટકટ પણ જે ઘણા વાપરે છે એ તમને કહી દઉં. છોલેને ચાના પાણીમાં પલાળી રાખવામાં આવે એટલે એ કાળા થઈ જાય. ઘણાએ તો મને એવું પણ કહ્યું કે કૉફીમાં પણ પલાળી રાખવાથી છોલે કાળા થઈ જાય. ઍનીવેઝ, જે હોય એ. ગુલાટીમાં મેં જે છોલે ટ્રાય કર્યા એ ખરેખર ટેસ્ટી હતા. અરે, એક વાત યાદ આવી ગઈ. વિરાટ કોહલીને પણ છોલે-ભટૂરે એટલા ભાવે કે ક્યારેક તે પોતાની ડાયટમાં બ્રેક પાડીને દિલ્હીમાં તેની જે ફેવરિટ જગ્યા છે ત્યાં ખાવા જાય છે. વિરાટ કોહલી ચોખ્ખું કહે કે છોલે-ભટૂરે ક્યારેય પાર્સલમાં ખાવાની મજા ન આવે, એ તો તમે ત્યાં જઈને ઊભા હો અને તાવડામાંથી ગરમાગરમ ફૂલેલા ભટૂરા આવે, એ ફૂલેલા ભટૂરામાં આંગળી મારી એનો ફુગ્ગો તોડો અને એમાંથી જે વરાળ બહાર નીકળે અને પછી તમે એ ખાઓ એની જ સાચી મજા છે.

ગુલાટીઝની એક બીજી વાત કહું. એમાં એક બાજુએ મીઠાઈ અને બીજો નાસ્તો મળે છે તો બીજી બાજુએ ઓપન કિચન છે જેમાં તમને અંદર શું ચાલે છે એ બધું દેખાય. મિત્રો, ચેન્નઈમાં તો એક રેસ્ટોરાં છે, એનું તો એન્ટ્રીમાં જ કિચન છે. તમારે કિચન જોતાં-જોતાં અંદર જવાનું. ગુલાટીઝમાં પણ હાઇજીનનું બહુ ધ્યાન રાખવામાં આવે છે અને સ્વાદ તો તમને કહ્યું એમ, અદ્ભુત છે. જો તમને પંજાબી ફૂડ ભાવતું હોય અને એમાં પણ ઑથેન્ટિક છોલે-ભટૂરેના દીવાના હો તો મહાકાલી કેવ્સ રોડ પર આવેલી ગુલાટીઝમાં જાઓ ને હું તો કહીશ, ખાસ જાઓ અને મજા કરો. ધક્કો સો ટકા વસૂલ થશે.

indian food mumbai food Sanjay Goradia columnists gujarati mid-day