14 September, 2024 11:21 AM IST | Mumbai | Sanjay Goradia
સંજય ગોરડિયા
ગયા રવિવારે અમારા નાટકનો શો બપોરે તેજપાલમાં હતો. બપોરનો શો હોય એટલે હું આખી થાળી જમવાને બદલે નાસ્તો કરવાનું પસંદ કરું. વાઇફે પણ મને સવારે જ કહી દીધું કે આજે તો તમે બહાર જ જમશોને. હું જવાબ આપું એ પહેલાં તો મારી અંદર રહેલા બકાસુરે ઠેકડો મારીને જવાબ આપી દીધો એટલે પછી મારી પાસે તો એને લઈને જવા સિવાય છૂટકો જ નહોતો. હું તો બપોરે એક વાગ્યે ઊપડ્યો દાદર.
મિત્રો, બહાર જમવાનું પહેલેથી નક્કી હોય તો હું જગ્યા પણ શોધીને જ રાખું. રવિવારે પણ મેં એ જ કર્યું હતું. દાદરમાં સેનાભવનથી વરલી નાકા તરફ તમે જરા આગળ, ૨૦૦ મીટર જેટલા આગળ જાઓ એટલે જમણી બાજુએ તાંબે ઉપહાર ગૃહ આવે. આ જે તાંબે ઉપહાર ગૃહ છે એમાં મરાઠી ફૂડ એકદમ ઑથેન્ટિક મળે છે.
તાંબેમાં જે મરાઠી થાળી મળે છે એ એકદમ સાત્ત્વિક અને ટેસ્ટ એનો અદ્ભુત, તો સાથોસાથ જબરદસ્ત ઑથેન્ટિક પણ. એ થાળીમાં બહુ નખરાં નથી. સીધી-સાદી અને સરળ થાળી છે અને એ પછી પણ તમે એ એક વાર ખાઓ એટલે તમને દાઢે વળગે. ૮પ વર્ષથી ચાલતા આ તાંબે ઉપહાર ગૃહમાં થાળી ઉપરાંત મિસળ, બટાટાવડાં, કોથિંબીર વડી, દહી મિસળ, ફરાળી મિસળ અને એવી ઘણી આઇટમો મળે છે. મને ફરાળી મિસળ બહુ ભાવે એટલે મેં તો ત્યાં જઈને સૌથી પહેલો ઑર્ડર કરી દીધો ફરાળી મિસળનો. ફરાળી મિસળ આમ પણ રોજ મળતું હોય, પણ તહેવારો અને શ્રાવણના મહિના દરમ્યાન એની ડિમાન્ડ થોડી વધારે હોય. આ જે ફરાળી મિસળ હોય છે એની તમને વાત કરું.
એનો જે બેઝ હોય છે એ નાળિયેરના દૂધનો હોય. એમાં સાબુદાણાની ખીચડી અને બટાટાની સૂકી ભાજી નાખી હોય અને એની ઉપર ફરસાણમાં બટાટાની પેલી જે સળી વેફર કહેવાય એ નાખી હોય. તમારે મિક્સ કરીને ખાતા જવાનું. એવો અદ્ભુત સ્વાદ કે ન પૂછો વાત. હું તો તૂટી પડ્યો ફરાળી મિસળ પર, પણ મિસળ પૂરું કરું ત્યાં માંહ્યલો બકાસુર ઊભો થયો અને મને કહે, તું ક્યાં તારા માટે ખાય છે; તારે તો ‘મિડ-ડે’ માટે ખાવાનું છે, મગાવ હવે બીજું કાંઈક.
ફરાળી મિસળ પરથી નજર હટાવીને મેં ફરી મેનુ પર નજર નાખી અને મગાવી કોથિંબીર વડી. આ કોથિંબીર વડી પણ મહારાષ્ટ્રિયનોની શોધ છે. છૂટા હાથે કોથમીર નાખીને બનાવવામાં આવેલી આ વડી ખાવાની તાંબેમાં વધારે મજા આવવાનું કારણ એ કે એમાં વડાપાંઉમાં આપવામાં આવે એ પેલી લાલ સૂકી ચટણી આપે અને એ પણ ભીના સ્વરૂપમાં. તમારે એ ચટણી સાથે કોથિંબીર વડી ખાવાની. ચટણીના કારણે અવ્વલ દરજ્જાની કોથિંબીર વડીનો સ્વાદ એક નંબર થઈ જાય છે. કોથિંબીર વડીની જે સાઇઝ હતી એ ખાસ્સી મોટી હતી. તમારી હથેળી જેવડો એક પીસ અને એવા ચાર પીસ. મારો ખોરાક તો આમ પણ ઓછો એટલે જો મારા જેવો એકાદ પ્લેટ મગાવે તો એના બેચાર કલાક પ્રેમથી ટૂંકા થઈ જાય.
ચાર કોથિંબીર વડીમાંથી બે ખાધા પછી મેં ફરી મેનુમાં નજર કરી અને મને થયું હવે કંઈક એવું ખાઈ લઉં કે મોઢામાંથી સિસકારા બોલાઈ જાય અને મને યાદ આવ્યું, મિસળ-પાઉં. મેં તો મગાવ્યાં મિસળ-પાંઉ અને મિત્રો, જલસો જ જલસો. પાંઉ એકદમ ફ્રેશ હતાં અને મિસળમાં જે ફરસાણ હતું એની ક્રન્ચીનેસ પણ જળવાયેલી હતી. મિસળમાં લસણનો સ્વાદ પણ ચોખ્ખો આવતો હતો અને વાટીને નાખેલાં મરચાંની તીખાશ પણ વર્તાતી હતી.
તાંબેની બીજી વરાઇટીઓ પણ બહુ સરસ મળે છે. મેં તપાસ કરી તો મને કહ્યું કે અહીંનાં પૂરી-ભાજી અને મસાલા દૂધ પણ ટેસ્ટ કરવા જેવાં છે; પણ ભાઈ, હું ને બકાસુર તો લોથ થઈ ગયા હતા એટલે એ આઇટમનો આસ્વાદ ફરી ક્યારેક માણવાનું નક્કી કરી હું ત્યાંથી રવાના થયો. મારા પહેલાં જો તમે ત્યાં જઈ આવો તો કહ્યું એ તો વરાઇટી ટ્રાય કરજો જ પણ સાથોસાથ નવી આઇટમ ટ્રાય કરી, એનો રિવ્યુ તમે મને આપજો.
ભૂલતા નહીં.