વાહ તાજ નહીં, વાહ તાજ આઇસક્રીમ કહો

11 January, 2025 12:42 PM IST  |  Mumbai | Darshini Vashi

આઝાદી પૂર્વેથી આઇસક્રીમ ખવડાવી રહેલી તાજ આઇસક્રીમની શૉપ ભીંડીબજારમાં આવેલી છે

તાજ આઇસક્રીમ

મુંબઈ જ્યારે બૉમ્બે હતું અને બ્રિટિશરોનું રાજ હતું ત્યારથી કોઈ દુકાન આજે પણ ચાલુ હોય એવી કોઈ ભાગ્યે જ જડે. ૧૮૮૭ની સાલમાં સ્થપાયેલું મુંબઈનું સૌથી જૂનું આઇસક્રીમ પાર્લર એટલે તાજ આઇસક્રીમ, જે મોહમ્મદ અલી રોડ નજીક બોહરી ​​મોહલ્લામાં સ્થિત છે. આજે આ આઇસક્રીમ પાર્લરને છઠ્ઠી પેઢી સંભાળી રહી છે. સમય બદલાયો છે, ગ્રાહકોનો ટેસ્ટ બદલાયો છે છતાં અહીં આઇસક્રીમ બનાવવાની પદ્ધતિ અસ્સલ એ જ છે એટલે કે લાકડાના બૅરલમાં હાથેથી ચર્ન કરીને બનાવવામાં આવે છે. આ રીતે બનતા આઇસક્રીમનો ટેસ્ટ તો ચોક્કસ માણવા જેવો હશે એવું તમને પણ લાગતું હશે નહીં? પણ અહીં કેવા અને કયા આઇસક્રીમ મળે છે એ જાણીએ એ પહેલાં આ આઇસક્રીમ પાર્લરની કેવી રીતે શરૂઆત કરવામાં આવી એ વિશે જાણીએ.

કચ્છથી મુંબઈ આવેલા વાલીલજી જલાજી દ્વારા આ આઇસક્રીમ પાર્લરની શરૂઆત ૧૮૮૭માં કરવામાં આવી હતી. પાર્લરનું નામ વાલીલજીના ખાસ મિત્ર તાજુદ્દીન પરથી પડ્યું જે એક ગ્રાહક પણ હતા. પરિવારની હાલની અટક એવી છે જે તેમને તેમના વ્યવસાયને કારણે લોકો પાસેથી મળી હતી. અને એ અટક છે આઇસક્રીમવાલા. હાલમાં તો છઠ્ઠી પેઢીના માલિક આમિર હાતિમ આઇસક્રીમવાલા અહીંનો કારભાર સંભાળે છે.

આઇસક્રીમની વાત કરીએ તો અહીંનો આઇસક્રીમ ૧૦૦ ટકા નૅચરલ અને લાકડાના સંચામાં હાથથી બનાવેલો છે. આવા સંચામાં ગાયનું દૂધ અને ફળોને ઍડ કરવામાં આવે છે અને પછી મિશ્રણને હાથથી મિક્સ કરવામાં આવે છે જ્યાં સુધી એ ઘટ્ટ ન થાય. પછી એને રેફ્રિજરેટરમાં રાખવામાં આવે છે અને જેમ ઑર્ડર મળે એમ સર્વ કરવામાં આવે છે. કહેવાય છે કે અહીં સૌથી પહેલાં મિક્સ ફ્રૂટ આઇસક્રીમ જ વેચવાનું શરૂ કરવામાં આવ્યું હતું જે આજે પણ અહીં મળે છે અને સૌનો પ્રિય પણ છે. આ સિવાય પેરુ, સીતાફળ અને સીઝનલ ફ્રૂટનો આઇસક્રીમ ખૂબ જ સરસ મળે છે.

ક્યાં છે? : તાજ આઇસક્રીમ, બોહરી મોહલ્લા, ભીંડીબજાર, સૅન્ડહર્સ્ટ રોડ સ્ટેશન.

સમય : સવારે ૧૦થી રાત્રે ૧૧.૩૦ સુધી

indian food mumbai food mumbai gujarati mid-day columnists darshini vashi life and style