હું અને સ્વાતિ સ્નૅક્સ

26 October, 2023 02:15 PM IST  |  Mumbai | Sanjay Goradia

સાઠ વર્ષમાં ચાર જ બ્રાન્ચ કરીને સ્વાતિના ઓનર્સે પુરવાર કર્યું છે કે એ લોકોને બિઝનેસ વધારવા કરતાં ક્વૉલિટી જાળવવામાંં વધુ ઇન્ટરેસ્ટ છે

સ્વાતિ સ્નૅક્સમાં સંજય ગોરડિયા

મુંબઈની ખૂબ જ જૂની એક રેસ્ટોરાં છે, સ્વાતિ સ્નૅક્સ. લગભગ સાઠ વર્ષથી એ ચાલે છે. સ્વાતિ વિશે લખવું એ માત્ર સ્વાતિનું જ નહીં, પણ આ ફૂડ ડ્રાઇવનું અને ફૂડ ડ્રાઇવ કૉલમ જે લખે છે એનું પણ બહુમાન થયું કહેવાય.

આ સ્વાતિ સ્નૅક્સ ૧૯૬૩માં શરૂ થઈ હતી. આજે એને સાઠ વર્ષ થઈ ગયાં. તાડદેવથી એણે શરૂઆત કરી અને હવે એની એક બ્રાન્ચ નરીમાન પૉઇન્ટ પર પણ છે તો હવે તો સ્વાતિ સ્નૅક્સનું ક્લાઉડ કિચન પણ છે અને અમદાવાદમાં લો ગાર્ડન તથા અમદાવાદના આંબલી રોડ પર પણ એની બ્રાન્ચ છે. આ ચાર બ્રાન્ચની વાત સાંભળીને તમારી આંખો પહોળી થઈ હોય તો એને ફરી નાની કરી દો. સ્વાતિ સ્નૅક્સનું ફૂડ એટલું તો સરસ છે કે એની ચાર નહીં, ચારસો બ્રાન્ચ થાય તો પણ નવાઈ ન લાગવી જોઈએ. હું અહીં એક વાત કહીશ કે જો તમે કોઈ પણ જાતની ભેળસેળ વિનાનું, કેમિકલ કે પ્રિઝર્વેટિવ્સ વિનાનું ફૂડ આપવા માગતા હો અને સાથોસાથ તમારા બિઝનેસને મોટા પાયે સ્કેલઅપ કરવા માગતા હો તો તમારે ક્વૉલિટી સાથે કૉમ્પ્રોમાઇઝ કરવું પડે અને ધારો કે તમારે એવું ન કરવું હોય તો તમારે તમારા ગ્રોથને થોડો વિરામ આપવો પડે. સ્વાતિ સ્નૅક્સે એ જ કામ કર્યું અને ૬૦ વર્ષમાં માત્ર ચાર જ બ્રાન્ચ કરી.
બન્યું એમાં એવું કે મારે ગ્રાન્ટ રોડ જવાનું થયું એટલે મેં તાડદેવવાળો રસ્તો લીધો. તાડદેવ પાસેથી પસાર થતાં રસ્તામાં ભાટિયા હૉસ્પિટલ પાસે સ્વાતિ આવી એટલે મેં તો ગાડી તરત ઊભી રખાવી અને પહોંચી ગયો સ્વાતિ સ્નૅક્સમાં. મેં તો નક્કી જ કરી લીધું કે આજે પેટ ભરીને ખાવું છે. મહિનાઓથી સ્વાતિમાં હું ગયો નહોતો અને સ્વાતિ સ્નૅક્સ મારી વન ઑફ ધ ફેવરિટ એવું કહું તો જરાય ખોટું નહીં કહેવાય.

જઈને મેં સૌથી પહેલાં પાનકી મગાવી. ગરમાગરમ પાનકી સાથે તમને આથેલાં મરચાં અને ચટણી આપે અને જો તમે માગો તો મુરબ્બો પણ આપે. પાનકી સાથે મેં લીંબુપાણી મગાવ્યું. મજા પડી ગઈ. તમને થાય કે લીંબુપાણીમાં એવું તે શું હોય, પણ સાહેબ, લીંબુપાણી જેવી સીધી-સાદી અને સરળ વરાઇટીને પણ કેવી ઇન્ટરેસ્ટિંગ બનાવી શકાય એ તમને ત્યારે જ સમજાય જ્યારે તમે સ્વાતિમાં બેસીને એનો આસ્વાદ માણો. સ્વાતિના લીંબુપાણીની ખાસિયત કહું. એમાં માત્ર મીઠાશ નથી હોતી, એમાં નાખવામાં આવેલા સહેજઅમસ્તા સૉલ્ટની ખારાશ પણ તમને આવે.
ગરમાગરમ પાનકી ખાવાની, પછી સહેજ ચટણી લઈ જીભ પર મૂકવાની, એના પછી આથેલાં મરચાંનો નાનકડો ટુકડો ખાવાનો અને એના પર લીંબુપાણીની એક સિપ લેવાની. જન્નતનો સાક્ષાત્કાર થાય.

પાનકી પછી મેં બાજરીનું ખીચું મગાવ્યું. આજે તો હવે રેસ્ટોરાંમાં ખીચું મળતું હોય તો કોઈને નવાઈ નથી લાગતી, પણ સાઠના દસકામાં રેસ્ટોરાંમાં ખીચું મળતું એવું સાંભળીને લોકો હસતા. બાજરી ખીચુમાં સ્વાતિની માસ્ટરી છે એવું કહું તો વધારે પડતું નહીં કહેવાય. ગરમાગરમ ખીચું, બાજુમાં તેલ અને મેથીનો સંભારો. એ પછી મેં મગાવી બેક્ડ ખીચડી. એનો પણ સ્વાદ અદ્ભુત હતો. આ ત્રણ વરાઇટી ખાઈને હું તો ઢીમ થઈ ગયો, પણ સાહેબ, તમારી સાથે એવું ન બને એની ખાતરી રાખજો. તમને અહીં ખાવા માટે એટએટલી વરાઇટી મળશે કે તમે વિચાર પણ નહીં કર્યો હોય.

સ્વાતિ સ્નૅક્સમાં તમે સતપડી રોટલી અને ગટ્ટાનું શાક ખાઈ શકો તો તમને એકદમ ઑથેન્ટિક કહેવાય એવા સ્વાદનું ધાનશાક પણ મળી જાય. જો લેબનીઝ ફૂડના શોખીન હો તો તમને ફલાફલ પણ મળી જાય અને ધારો કે તમને ચટાકેદાર કશું ખાવું હોય તો તમે દહીં-બટાટાપૂરી પણ ખાઈ શકો. હું તમને એક વાત કહીશ કે સ્વાતિ જેવી દહીં-બટાટાપૂરી મેં મારી લાઇફમાં ક્યાંય ખાધી નથી.

જો કંઈ સ્વીટ ખાવાની ઇચ્છા હોય તો તમારા માટે મગની દાળનો શીરો અને માલપૂઆ પણ છે. સ્વાતિના માલપૂઆ અદ્ભુત હોય છે. એકદમ નાના-નાના માલપૂઆ. ઘીમાં તળેલા અને એમાં ડ્રાયફ્રૂટ અને પ્યૉર કેસર નાખેલું મલાઈનું પૂરણ.

સ્વાતિમાંથી નીકળતી વખતે મેં ખરેખર અન્નપૂર્ણાને પ્રાર્થના કરી કે જેનો સ્વાદ સાઠ વર્ષમાં ચેન્જ નથી થયો એ સ્વાતિને તું આમ જ અકબંધ રાખજે. પ્રગતિની આંધળી રેસમાં ઉતારતી નહીં, જેથી એની ક્વૉલિટીની સર્વોચ્ચતા અકબંધ રહે.

mumbai food indian food Gujarati food life and style columnists Sanjay Goradia