Sunday Snacks: વિદર્ભના ‘હટકે’ વડાનો હટકે સ્વાદ હવે મુંબઈમાં!

14 October, 2023 11:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આજે સન્ડે સ્નૅક્સમાં ટ્રાય કરો દહિસરના સ્પેશિયલ વડા

હટકે વડા

વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.

બહારગામથી આવનારાઓ માટે મુંબઈના પ્રવેશ દ્વારા સમા બોરીવલીના પાડોશી સ્ટેશન દહિસરની આસપાસ ઘણી જગ્યાઓ છે, જેમણે વર્ષોથી લોકોની પેટપૂજા કરી છે અને જીભના ચટકારાનું પણ ધ્યાન રાખ્યું છે. દહિસર પહોંચીને તમે કોઈને પણ પૂછો કે અહીં સૌથી ફેમસ વડાપાઉં ક્યાં મળે છે? તો નાના બાળકથી લઈને આધેડ વયના પુરુષ સુધી તમને કોઈપણ એક જ જવાબ આપશે ‘ચંગુમંગું’. આ વડાપાઉંનો સ્વાદ સુપર્બ છે તેમાં તો કોઈ બે મત નથી, પણ દહિસરમાં જ વધુ એક ખૂબ જ સ્વાદિષ્ટ વડાપાઉં તાજેતરમાં જ શરૂ થયા છે, જેના વિશે ખૂબ જ ઓછા લોકો જાણે છે.

વિદર્ભ અને ઔરંગાબાદમાં ખૂબ જ વખાણતા ‘હટકે’ વડાપાઉં હવે દહિસર (Dahisar)માં આવી ગયા છે. મુંબઈમાં તેમનું આ પહેલું આઉટલેટ છે. આપણા મુંબઈમાં આ પ્રકારનું કંઈક નવું શરૂ થાય તો એ ટ્રાય કર્યા વગર તો કેમ ચાલે? તમે દહિસર ચેકનાકાથી મુંબઈમાં પ્રવેશો એટલે તમારે પહેલો જ રાઇટ ટર્ન લેવાનો છે અને અહીં દહિસર પેટ્રોલ પંપની સામે જ ‘હટકે વડા’ (Hatke Vada)નું આઉટલેટ છે. જો હજી કોઈ કન્ફ્યુઝન હોય તો કોમલ પરાઠાની બરાબર બાજુની દુકાનમાં આ આઉટલેટ છે.

હવે વાત એ કે અહીં શું મળે છે? તો અહીં અલગ-અલગ કુલ આઠ વેરાયટીના હટકે વડાપાઉં અને સાત પ્રકારની ટિક્કી મળે છે. પછી શું? અમે એક ટેબલ પર ગોઠવાય ગયા અને પહેલાં મગાવી પેરી-પેરી ક્રિસ્પી ટિક્કી. ઑર્ડર આપીને અમે આજુબાજુ નજર ફેરવી તો ‘હટકે વડાપાઉં’નું બ્રાન્ડિંગ દેખાયું. એક દીવાલ વડાપાઉંનું બેનર અને બજી દીવાલ પર મુંબઈની ઓળખ સમો બાંદ્રા-વરલી સી લિન્ક અને મુંબઈની લાઈફલાઇનને દર્શાવતું સ્ટેશનના નામ સમું બોર્ડ. અહીંના મેન્યૂ પર તમને બાબુભૈયા મોમોઝ વિશે પૂછતા અને ઠાકુર અહીંનું બર્ગર માગતો પણ દેખાશે.

અહીં ટિક્કી પણ પાઉં સાથે સર્વ થાય છે – સાંભળવામાં અને વાંચવામાં અજુગતી લાગતી આ વસ્તુ સ્વાદમાં તો એકદમ સરસ લાગે છે. પાઉંમાં પેરી-પેરી સૉસ, કોબી અને કાંદા નાખી પછી ટિક્કી મૂકી અને સર્વ કરવામાં આવે છે. સ્વાદ ખરેખર માનવામાં ન આવે એવો છે. નામ પ્રમાણે ટિક્કી ક્રિસ્પી પણ એટલી જ છે. અમે અહીંનું હટકે મસાલા વડાપાઉં પણ ટ્રાય કર્યું. વડાના મસાલામાં અને સૂકી ચટણીના સ્વાદમાં તમને મહારાષ્ટ્રીયન ફ્લેવર તરત ખબર પડી જશે. એટલે જો તમારે મહારાષ્ટ્રના ઑથેન્ટિક બટેટા વડાં ખાવા હોય તો આ જગ્યા તમારા માટે જ છે.

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં આઉટલેટના માલિક ધીરેન ગોરે જણાવ્યું કે, “અમારું આ આઉટલેટ શરૂ થયાને એક મહિનો પણ નથી થયો. અમે ગણપતિમાં જ આ આઉટલેટ શરૂ કર્યું છે. મહારાષ્ટ્રનો સ્વાદ અમે લોકો સુધી પહોંચાડી રહ્યા છીએ.”

તો આ રવિવારે મણજો મહારાષ્ટ્રીયન વડાનો સ્વાદ. આપણે ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.

sunday snacks mumbai food indian food Gujarati food dahisar life and style karan negandhi