23 July, 2022 05:36 PM IST | Mumbai | Karan Negandhi
ટિબોના દાલવડા. તસવીર/મનન વંડરા
વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.
દાલવડાની વાત કરીએ ત્યારે મોટે ભાગે મહારાષ્ટ્રીયન શૈલીના ચણાની દાળના વડા જે હાથે દબાવીને બનાવતા હોય છે એનો જ વિચાર આવે. પણ ગુજરાતીઓ માટે દાલવડાની વ્યાખ્યા કંઈક જુદી છે. ગુજરાતીઓના દાલવડા હોય મગની દાળના બનેલા જેનો આકાર પણ હોય પરફેક્ટ ગોળ જે ‘મા મને છમ વડું’ની વાર્તા યાદ કરવી દે એવો સરસ.
મુંબઈમાં અનરાધાર વરસાદ પડતો હોય. તમે કાંદિવલી વેસ્ટમાં મહાવીર નગર (Mahavir Nagar)માં હોવ ત્યારે ટ્રાફિક અને ખચકાણવાળા રસ્તા એ બધાના વિચારો તમારી માનસિક સ્વસ્થતાને હલાવી નાખે ત્યારે તમને માનસિક શાંતિ મળે એવું એક સ્થળ ત્યાં છે જેનું નામ છે ટિબો દાલવડા (Tibo Dalwada).
મજાની વાત એ છે કે ટિબો દાલવડાના માલિક અમદાવાદના છે અને તેથી ગુજરાતીઓના ઘરે જે રીતે દાલવડા બનતા હોય છે એવા જ દાલવડા તમને અહીયાં મળશે. મહાવીર નગરમાં ક્રોમાની બરાબર સામે જતી ગલીમાં તમને મળશે ટિબો દાલવડાની દુકાન, જ્યાં સવારે ૧૦.૩૦ વાગ્યાથી રાત્રે ૯ વાગ્યા સુધી મળે છે મગની દાળના ગરમાગરમ વડા. તેમની એક દુકાન વસઈમાં પણ છે
સતત ચહેલ-પહેલ વાળી આ ગલીમાં તમે આગળ વધશો એટલે જમણી બાજુએ પંચશીલ ગાર્ડન બિલ્ડિંગમાં તમને આ દુકાન નજરે ચડશે. દુકાન નાની છે પણ બહાર ૬-૮ લોકો બેસી શકે એટલી નાનકડી જગ્યા છે. તમે ટિબો દાલવડાની દુકાનમાં જાઓ એટલે તમને તરત જ આ પકવાન હાથમાં ધરાવી દેવાશે નહીં. તમે ઑર્ડર આપી આજુબાજુની દુકાનોની આંખોથી મુલાકાત લેશો કે લગભગ પાંચેક મિનિટમાં તમારી નજર સામે હાજર થશે આ દાલવડા.
બીજું કશું જ અહીં મળતું નથી એટલે તમારે લાંબો સમય તમારા મોઢામાં આવતાં પાણી અને મનમાં એ તરત આરોગી લેવાની લાલસાને વધુ સમય કાબુમાં રાખવી પડશે નહીં. ટૂંક સમયમાં જ પેપર પ્લેટમાં કાંદા અને તળેલાં લીલાં મરચાં સાથે ગરમાગરમ દાલવડા તમારી સમક્ષ હાજર થઈ જશે. ફળફળતા ગરમાગરમ દાલવડા તમારી પ્લેટમાં આવે એટલે સ્વાભાવિક છે કે તમે તરત તેનો સ્વાદ નહીં માણી શકો, પરંતુ એની પહેલાં આ દાલવડાની સુગંધ તમારી ઇન્દ્રિયોને તરોતાજી કરી નાખશે.
તમારી પાસે દાલવડાની પ્લેટમાં સાથી તરીકે તળેલાં લીલાં, કાંદા અને તીખી-મીઠી ચટણી હાજર જ છે. એટલે હવે વાત તમારી પસંદગીની છે, તમે આ વડા કાંદા સાથે ખાઓ, તળેલાં મરચાં સાથે ખાઓ કે પછી ચટણીમાં ઝબોળીને, દરેક બાઇટ તમને સંતૃપ્તિની લાગણી કરાવશે. અહીં એક પ્લેટમાં ચાર જ વડા મળે છે અટલે તેમાં સંતોષ માનવો અઘરો છે. તેથી બીજી પ્લેટનો ઑર્ડર આપવા માટે જો તમે પ્લેટ પૂરી કરવામાં રહી જશો તો એ તમારા પેટમાં રહેલા દેવી-દેવતાઓ સાથે મોટો અન્યાય થશે.
અહીંયા મળતા દાલવડાની એક ખાસ વાત એ પણ છે કે તેનો સ્વાદ એકદમ બેલેન્સડ છે, નથી એ બહુ તીથા કે નથી બહુ મોળા ફિક્કા. આ વડાનો સ્વાદ તમે પરિજનો વચ્ચે ચાની ચૂસકી સાથે માણવા માગતા હોવ તો તમે તેને પાર્સલ પણ કરાવી શકો છો.
આ પણ વાંચો: Sunday Snacks: ભરેલાં ભજિયાં, ધોધમાર વરસાદ એટલે સ્વાદેન્દ્રિયની માઇન્ડફુલનેસ
સ્વાદ સાથે તેનો ભાવ પણ વાજબી કહી શકાય. એટલે હવે ત્યાંથી પસાર થાઓ તો અચૂક ટેસ્ટ કરજો. ફરી મળીશું આવતા શનિવારે અને તમને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.