24 September, 2022 10:00 AM IST | Mumbai | Karan Negandhi
હાવરટ શાવર્મા
વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.
મુંબઈમાં છેલ્લાં ઘણા વર્ષોથી ફ્રેન્કીનું ચલણ ખૂબ વધ્યું છે. ઇન્ડિયન રોલના નામે ઘણી રેસ્ટોરન્ટ ફ્રેન્કી વેચે છે, પરંતુ શું તમે પણ બટેટાના માવા વાળી ટિપીકલ ફ્રેન્કીથી કંટાળી ગયા છો અને કંઈક જુદા સ્વાદ સાથે રોલની જયાફત ઉડાવવા માગો છો? તો ચાલો આજે તમારી આ ઈચ્છા પૂરી કરીએ.
કાંદિવલી (Kandivali) સ્ટેશનની બહાર, બોરીવલી તરફ આગળ વધતા સ્ટેશન રોડ પર આ `હટ કે` ફ્રેંકીનું સરનામું છે. `હાવરટ શાવર્મા` (Hawrat Shawarma)નો સ્ટોલ જોઇને એમ ન વિચારતા કે અહીં નોવેજીટેરિયન રોલ્સ મળતા હશે. એવું થઇ શકે છે કારણકે શાવર્મા મોટેભાગે નોનવેજ રોલ્સ હોય છે. શાવર્મા આમ તો ઓટોમન એમ્પાયર દરમિયાન શોધાયેલી એક અત્યંત લોકપ્રિય એવી મિડલ ઇસ્ટર્ન વાનગી છે. શાવર્માનો વેજીટેરિયન વિકલ્પ પણ હવે ખાસ્સો પ્રચલિત થયો છે. જેમાં મેરિનેટેડ પનીરનો ઉપયોગ થાય છે. મુંબઈમાં પનીર શાવર્મા માટેનો સ્પેશિયલ આ એક જ સ્ટોલ છે.
સૌપ્રથમ પિત્ઝાના બેઝ જેવા જ દેખાતા પીટા બ્રેડ પર લસણની ચટણી અને ગાર્લિક મેયો સાથે બનાવવાની પ્રક્રિયા શરૂ થાય, પછી સમારેલી કોબી અને ડુંગળી સાથે ક્રન્ચીનેસ માટે સલ્લી વેફર પડે. મેરિનેટેડ પનીરના નાના ટુકડા કરી તેમાં ચટણી, સ્પેશિયલ મસાલો અને મેયો નાખી, મિક્સ કરીને તેને પણ પહેલાં હાઇ-ફલેમ પર પકાવવામાં આવે. બાદમાં આ અદભુત સ્વાદ વાળું પનીર તેમાં પધરાવાય અને છેલ્લે રોલ વળીને આ વાનગી તમારી તમારે માટે તૈયાર. અહીં પનીર શાવર્માના શેઝવાન, ચીઝ, તંદૂરી જેવા વિવિધ ઑપ્શન તો છે જ પણ સાથે તેમનું સ્પેશિયલ પનીર સલાડ પણ મળે છે, જે ખરેખર યુનિક છે.
‘હાવરટ શાવર્મા’ ત્રણ મરાઠી ભાષી મિત્રો અમોલ કદમ, દિપેશ કનાવજે અને ઓમકાર તુલસંકરનું સહિયારું સાહસ છે. અમોલ કદમે હૉટેલ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે અને તેણે જ આ બધી રેસીપી બનાવી છે. કોરોના કાળ બાદ નોકરી છોડી તેમણે મિત્રો સાથે પોતાનો બિઝનેસ શરૂ કર્યો. અગાઉ ચારકોપના આઉટલેટ પર નિષ્ફળતા મળ્યા બાદ તેમણે સ્ટેશન નજીક આવવાનું પસંદ કર્યું.
ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં અમોલ કહે છે કે “સ્ટેશન નજીક આવ્યા બાદ પણ અમને સારો પ્રતિસાદ મળ્યો ન હતો. અમે બંધ કરવાની આરે હતા, પરંતુ સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધિ મળ્યા બાદ છેલ્લા એક મહિનાથી પ્રતિસાદ ખૂબ સારો થયો છે અને ધીમે-ધીમે આ નવો સ્વાદ લોકોની જીભે ચડી રહ્યો છે.”
ઉત્તમ સ્વાદ સાથે આઉલેટનું નામ પણ રસપ્રદ છે. ‘હાવરટ’ મરાઠી શબ્દ છે જેનો ગુજરાતીમાં અર્થ ભુખ્ખડ થાય છે. તો હવે જો કંઈક જુદું ખાવું હોય તો અચૂક આ સ્ટોલની મુલાકાત લેશો. ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.
આ પણ વાંચો: Sunday Snacks: અંધેરી રાતો મેં, સુમસામ રાહોં પર... હાજર છે પરોઠાનો શહેનશાહ