Sunday Snacks: મુંબઈના વરસાદી માહોલમાં સૂપની મજા – ટેસ્ટ ભી હેલ્થ ભી

08 July, 2023 12:06 PM IST  |  Mumbai | Karan Negandhi

આજે સન્ડે સ્નૅક્સમાં ટ્રાય કરો બોરીવલીનું સ્પેશિયલ સૂપ

રાધે કૃષ્ણ સૂપ, જ્યુસ ઍન્ડ સલાડનું સૂપ

વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.

મોડું-મોડું પણ આખરે મુંબઈમાં ચોમાસું બેઠું છે. મેઘરાજની જોરદાર બેટિંગ શરૂ થઈ ગઈ છે. જોકે, ચોમાસાની ઋતુ આવતાં જ તબિયતનું ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક બની જાય છે. વરસતા વરસાદમાં ગરમા-ગરમ ભજિયાં-સમોસાં ખાવાની તીવ્ર ઇચ્છાને માંડ કાબૂ કરી લોકો બહારનું ખાવાનું ટાળતાં હોય છે. જો તમે પણ આ જ કારણોસર બહારનું ચટાકેદાર ખાવાનું હાલ પૂરતું બંધ કર્યું હોય તો તમારે હવે ચિંતા કરવાની કે મન મારવાની જરૂર નથી, કારણ કે આજે અમે આ સમસ્યાનો પણ તોડ લઈ આવ્યા છીએ.

આજે આપણે વાત કરવાની છે મુંબઈના સ્ટ્રીટફૂડની સૌથી અન્ડર રેટેડ આઇટમની. મુંબઈમાં લગભગ દરેક પાર્ક નજીક (જ્યાં લોકો ખાસ વૉક માટે આવતા હોય) તમને એક સૂપનો સ્ટૉલ મળશે. એમ તો ચટાકેદાર સ્વાદિષ્ટ નાસ્તો શોધતી આપણી આંખો આ ‘હેલ્ધી’ કહેવાતા સૂપના સ્ટૉલને અવગણીને છેલ્લે ભજિયાના સ્ટૉલ પર સ્થિર થાય એમાં કોઈ નવાઈની વાત નથી, પણ જો તમે એકવાર આ સૂપનો સ્વાદ ચાખી લેશો તો જલસો પડી જશે.

આ જ સૂપનો સ્વાદ માણવા અમે પહોંચી ગયા બોરીવલી (Borivali)માં વીર સાવરકર ગાર્ડન (Veer Savarkar Garden). આ ગાર્ડનના ગેટ નંબર 2ની બરાબર બહાર આવો જ એક સૂપનો સ્ટૉલ છે નામ છે – રાધે કૃષ્ણ સૂપ, જ્યુસ ઍન્ડ સલાડ. અહીં તમને ગરમા-ગરમ સૂપ સાથે ઠંડા ફ્રેશ ફ્રૂટ જ્યુસ પણ મળશે. અહીં આવીને તમે મેન્યૂ વાંચશો તો અંજલિ ભાભી યાદ આવી જશે. તમે ગમે તે ફળ અથવા શાકભાજીનું નામ આપો અને તેમની પાસે જ્યુસ કે સૂપ મળી જશે. તેમના રંગબેરંગી થરમૉસમાં 20થી વધુ સૂપ અને 25થી વધુ જ્યુસનો ખજાનો છે.

તમે તમને ભાવતું એક સૂપ કહો એટલે એ આ રંગબેરંગી થરમૉસમાંથી ગરમા-ગરમ સૂપ એક ગ્લાસમાં કાઢી અંદર ચાટ મસાલો, લીંબુ અને તીખાશ માટે નહીં એવી લીલી મરચાંની ચટણી નાખી, તેને મિક્સ કરી ઉપરથી સ્પ્રાઉટ્સ, ચણા અને કૉર્ન નાખી – ઉપર ક્રન્ચીનેસ માટે સોયા સ્ટીકટ્સ ઉમેરી અને આ સ્વાદિષ્ટ સૂપ સર્વ થાય છે. સામાન્ય રીતે લોકો મંચાઉ સૂપ પસંદ કરતાં હોય છે, પણ સાથેસાથે કેરેટ-ટોમેટો અને ડ્રમસ્ટિક સૂપ પણ મસ્ટ ટ્રાય છે.

સૂપ સાથે અહીં ફ્રેશ જ્યુસ અને હા સલાડ પણ મળે છે, એ પણ ટ્રાય કરી શકો છો.

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં આ સ્ટૉલના માલિક અમિત પ્રજાપતિ કહે છે કે, “મારા આ સ્ટૉલને પાંચ વર્ષ થઈ ગયા છે. સાંજે 4 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી અમારો સ્ટૉલ ખુલ્લો હોય છે.”

તો હવે આ રવિવારે આ ટેસ્ટી અને હેલ્ધી સૂપ જરૂર ટ્રાય કરજો. આપણે ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.

sunday snacks mumbai food indian food Gujarati food borivali karan negandhi