16 July, 2022 04:24 PM IST | Mumbai | Karan Negandhi
ભરેલાં ભજિયાં
વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.
ભજિયાં અને વરસાદની દોસ્તી અમર-પ્રેમ, ચોલી-દામન, જય-વીરુ, અક્ષય-સૈફ જેવી છે. આજકાલ વરસાદ પણ વર્ક ફ્રોમ હોમ નથી કરી રહ્યો. આવામાં ભજિયાંની જ્યાફત ઉડાવવા મળે તો બીજું જોઇએ જ શું. આજે વાત કરીએ બોરીવલીમાં મળતાં ખાસ ભરેલાં ભજિયાંની. બોરીવલી વેસ્ટ (Borivali West)ના પ્રેમનગરમાં ડમરૂપાન વાળાની બરાબર સામે તમને મળશે સૌરાષ્ટ્ર ફરસાણ (Saurashtra Farsan)નો સ્ટોલ, જે 25 વર્ષથી વધુ સમયથી સવારે ફાફડા-જલેબી અને સાંજે ગરમા-ગરમ ભજિયાં વેચે છે.
આ ગલી સાંકડી છે, રેંકડી નાની છે, ટ્રાફિક, લોકો, અવાજ આવું બધું જ અહીંયા છે – રેંકડીમાં કોઇ તામઝામ નથી દોસ્ત. પણ અહીં જે ભજિયાં મળે છે, એકવાર એ કડાઇના ગરમાગરમ તેલમાં ડુબકી મારીને બહાર આવે પછી તેનો પીળો ચટ્ટો રંગ અને આહાહાહાહાહા કરાવી દે તેવો સ્વાદ – નોઇઝ કેન્સલેશન અને વિઝન કેન્સલેશન કરાવી દેશે. માઇન્ડફુલનેસથી ભજિયાં ખાવા એ કોઇ મેડિટેશનથી કમ ન કહેવાય.
અહીં તમને મળશે પાંચ વેરાયટીના ભજિયાં - બટેટા, ટામેટાં, કારેલા, મરચાં અને મેથીના ગોટા. ભજિયાંની જ્યાફત ઉડાવવા જો તમે ત્યાં પહોંચો તો તમને કદાચ જ કંઈક તૈયાર મળે – એટેલે સ્વાદેન્દ્રિયને કાબુમાં રાખજો અને રાહ જોવાની તૈયારી સાથે પહોંચજો. જેમ જેમ ભજિયાંનો ઘાણ ઉતરતો જાય તેમ તેમ તે ફટાફટ ખૂટી પડે એટલે બધી જ વસ્તુ ગરમા-ગરમ મળે. ભજિયાંનાં મૂળ સ્વાદનું કારણ છે તેમનું સ્ટફિંગ.
જી હા, આ માત્ર ખીરામાં ઝબોળીને તળાયેલા ભજિયાં નથી. ગાંઠિયા ખાઉ ગુજરાતીઓ – સાંભળો... અહીં મળતા બટેટા, ટામેટાં, કરેલા અને મરચાંના ભજિયાંમાં પહેલાં ખાસ ગાંઠિયાનો મસાલો ભરાય છે, પછી તેને તળવામાં આવે છે અને પછી એ તમારી પ્લેટમાં તમારી ખીદમતમાં હાજર થાય છે.
ભજિયાંના સ્વાદમાં ઉમેરો કરે છે તેમની ચટણી. ગરમાગરમ ભરેલું ટમેટાનું ભજીયું તમે જ્યારે લીલી ચટણી અને ગોળ આમલીની ચટણીમાં ઝબોળો – પછી એનું પહેલું બાઇટ લો – વાહ... એમાં વરસાદની ઝરમર... આ ફ્લેવરની સામે તો કશાની પણ વિસાત નથી.
આમ તો આ સ્ટોલ તેમના સુરત સ્ટાઈલ ટામેટાંના સ્ટફિંગ વાળા ભજિયાં માટે જાણીતો છે, પરંતુ અહીંની મસ્ટ ટ્રાય આઇટમ છે કારેલા અને મરચાંના ભજિયાં. સ્ટફિંગ કારેલાની કડવાશ અને મરચાંની તીખાશને બેલેન્સ કરે છે અને મિક્સ ચટણી તમને એક યુનિક ટેસ્ટ આપે છે.
ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં સૌરાષ્ટ્ર ફરસાણના કિશોરભાઇ જણાવે છે કે “અમારું રૂટિન થોડું જુદું છે. સવારે ૭થી લગભગ ૧૧ વાગ્યા સુધી માત્ર ફાફડા-જલેબી રાખીએ છીએ અને સાંજે ૫થી લગભગ ૮ વાગ્યા સુધી ભજિયાં વેચીએ. અમારા સ્વાદને કારણે માઉથ-ટુ-માઉથ પબ્લિસિટીથી હવે ઘણા લોકો અહીં આવે છે.”
અનોખા સ્વાદ સાથે તેનો ભાવ પણ એકદમ વાજબી કહી શકાય. એટલે હવે સાંજના સમયે ત્યાંથી પસાર થાઓ તો અચૂક ટેસ્ટ કરજો. ફરી મળીશું આવતા શનિવારે અને તમને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.