Sunday Snacks: મુંબઈની આ આઇટમ ભુલાવી દેશે વડાપાઉંનો સ્વાદ

01 July, 2023 12:02 PM IST  |  Mumbai | Karan Negandhi

આજે સન્ડે સ્નૅક્સમાં ટ્રાય કરો મહાવીર નગરની સ્પેશિયલ પાઉં પેટીસ

રઘુ સ્નૅક્સની પાઉં પેટીસ

વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.

‘મુંબઈની ખાણીપીણીમાં સૌથી કૉમન આઇટમ કઈ?’ જો કોઈ આવો પ્રશ્ન તમને પૂછે તો તમારો જવાબ શું હોય? વડાપાઉં – ટુ બી સ્પેસિફિક – પાઉં. વડાપાઉં, સમોસા પાઉં, ભજિયાં પાઉં, મિસળ પાઉં, પાઉંભાજી... અને આવી જ હજી અઢળક વેરાયટી જે પાઉં સાથે ખવાય છે. ટૂંકમાં મુંબઈની ખાણીપીણી પાઉં વગર અધૂરી છે. સત્તાવાર આંકડા મુજબ બે કરોડથી વધુની વસ્તી ધરાવતા આ શહેરમાં કેટલા પાઉં ખવાતા હશે એ વિચારથી જ મગજ ચકરાવે ચડી જાય છે.

હવે તમને પ્રશ્ન થાય કે આમ અચાનક આપણે પાઉંની વાત કેમ કરીએ છીએ? તો પહેલા આ પ્રશ્નનો જવાબ - પાઉં સાથે ખવાતી એક નવી આઇટમ આજકાલ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. શહેરમાં થોડો સમય પહેલાં જ આવેલી આ આઇટમનો સ્વાદ મુંબઈગરાની જીભે એવો વળગી ગયો છે કે એની સામે હવે વડાપાઉં પણ ફિક્કા લાગે છે. આ આઇટમ છે પાઉં પેટીસ (Pav Pattice) – હા રગડા પેટીસની જ પેટીસ હવે પાઉં સાથે મળવા માંડી છે. વિચારવામાં તો આ કોમ્બિનેશન કંઈક ચિત્ર-વિચિત્ર લાગે છે, પણ બોસ ટેસ્ટ તો ગજબ છે – કસમથી.

આ જ આઇટમનો સ્વાદ માણવા અમે પહોંચી ગયા મહાવીરનગર (Mahavir Nagar). અહીં ક્રોમાની બરાબર બહાર એક સ્ટૉલ છે રઘુ સ્નૅક્સ (Raghu Snacks). રધુભાઈ અહીં ગરમા-ગરમ પાઉં પેટીસ પીરસે છે. ચીઝ અને મેયોનિઝ સાથેનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. અમે ટ્રાય કરી ચીઝ પાઉં પેટીસ. આ આઇટમ બનતી જોવી પણ આલાહદાયક નજારો હતો.

પહેલાં બટરમાં તેમણે સ્પેશિયલ લસણની ચટણી નાખી તેમાં પાઉં શેકી લીધું પછી આ જ ચટણીમાં પેટીસને શેકી તેને પાઉં પર મૂકી ઉપરથી અમૂલનું એક આખું ચીઝ ક્યૂબ ખમણી નાખ્યું – ઉપર ટામેટાંની એક સ્લાઇઝ અને નહીં એવા સમારેલા કાંદા નાખી આ તૈયાર કરેલી પાઉં પેટીસ ફરી શેકી જેથી ચીઝ થોડું મેલ્ટ થઈ જાય. ઉપરથી થોડી કોથમીર અને સેવ ભભરાવી તેના ચાર પીસ કરી સર્વ કર્યું.

બનતી જોઈને જ ખાવાની ઈચ્છા થઈ આવે એવી આ આઇટમનું જ્યારે પહેલું બાઇટ લેશો તો આહાહાહા… આવો જ ઉદગાર પહેલો નીકળશે. અહીં તેમની જે લસણની ચટણી છે તે ખરેખર બહુ જ ટેસ્ટી છે, જેને કારણે આ સરસ સ્વાદ પાઉં પેટીસને મળે છે, પ્લસ ચીઝ સાથે તો આનો સ્વાદ ડબલ થઈ જાય છે. ખરેખર જો આ આઇટમનો સ્વાદ માણશો તો તેની સામે વડાપાઉં ફિક્કું લાગશે.

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં આ સ્ટૉલના માલિક રઘુ ચંદ્રકાંત કામતે જણાવ્યું કે, “હું પહેલાં એક ફાસ્ટ ફૂડ બ્રાન્ડમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો. એકવાર મેં મારા મિત્રના ઘર નજીક આ આઇટમ ટ્રાય કરી હતી. મને કોન્સેપ્ટ ગમ્યો પણ ફિક્કી લાગી એટલે અન્ય જગ્યાઓએ પણ આ વાનગી ચાખી અને પછી આ રેસિપી બનાવી. મારા સ્ટૉલને એક વર્ષ થયું. હવે લોકોની લાઇનો લાગે છે.”

તો હવે આ રવિવારે આ આઇટમ જરૂર ટ્રાય કરજો. આપણે ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.

sunday snacks mumbai food kandivli Gujarati food indian food life and style karan negandhi