18 February, 2023 12:26 PM IST | Mumbai | Karan Negandhi
ૐ સાંઈરામ ટેસ્ટફૂલ વેજ પુડલા
વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.
આજકાલ લોકો હેલ્થ કૉન્શિયસ થવા માંડ્યા છે. સવારના નાસ્તા (Morning Breakfast)થી લઈને રાતના જમવામાં પણ હેલ્થી ખાવાનું પસંદ કરે છે, પણ ફૂડીઝને સ્વાદ ન મળે તો ખાવાનું ગળે કઈ રીતે ઊતરે? એટલે તેઓ ઓછા તેલ-મસાલાવાળું ખાયને સંતોષ માની લે છે. એટલે જ છેલ્લા કેટલાક વર્ષોમાં ‘ચીલા’ (Chila)એ નવો ચીલો ચાતર્યો. ઢોસાની જેમ જ ફટાફટ બની જતી આ વાનગી જાણીતી ભલે ‘ચીલા’ તરીકે વધુ જાણીતી હોય પણ ગુજરાતીઓ માટે તો આ પુડલા (Pudla) જ છે. હા ફરક માત્ર એટલો છે કે ચીલા ચણાના લોટ સહિત રવા, ઓટ્સ અને બીજી કંઈ કેટલા ધાનમાંથી બનાવાય છે.
ઘરે તો તમે અવાર-નવાર પુડલા બનાવીને જાપટ્યા હશે, પરંતુ વડાપાઉંના સહારે આખો દિવસ દોડતા મુંબઈ શહેરમાં પુડલાનો સ્ટૉલ શોધવો એ તો ધૂળ ધોવા જેવું કામ છે. તો ચાલો આજે તમને લઈ જઈએ એક એવી જ જગ્યાએ જ્યાં તમને મળશે તમારા મનપસંદ પુડલા એ પણ છ-સાત વેરાયટી સાથે.
પુડલાનો સ્વાદ માણવા તમારે જવું પડશે બોરીવલી વેસ્ટ (Borivali West)માં એસ.વી. રોડ પર. અહીં ઇન્દ્રપ્રસ્થ શોપિંગ સેન્ટરના બરાબર મેઇન ગેટ પાસે આ સ્ટૉલ છે. નામ - ‘ૐ સાંઈરામ ટેસ્ટફૂલ વેજ પુડલા’ (Om Sairam Tasteful Veg Pudla). અહીં તમને ગુજરાતી પુડલા, સેન્ડવીચ પુડલા, ચીઝ-પનીર અને શેઝવાન પુડલા જેવા ઑપ્શન મળશે. હા બ્રેડ પુડલામાં આ ત્રણેય વેરાયટી મળે છે.
અમે ટ્રાય કર્યા ચીઝ પુડલા. હવે જો તમે પણ ઉપર કહ્યું એમ ફૂડી પણ થોડા હેલ્થ કૉન્શિયસ હો તો ગુજરાતી પુડલા પણ ટ્રાય કરી શકો છો. એમ તો પુડલામાં ચઢિયાતો મસાલો હોતો નથી, પણ તેનો સ્વાદ નિર્ભર છે મીઠું, જીરું અને હિંગના પ્રમાણ પર. અહીં તમને આ સામાન્ય મસાલાનું પ્રમાણ જ ખાસ ટેસ્ટ આપે છે. પુડલાનું ખીરું લોઢી પર પાથરી તેના પર કાંદા, ટામેટાં અને થોડા કેપ્સિકમ નાખી લગભગ એક જ મિનિટ તેને શેકે એટલે તમારા પુડલા તૈયાર, ઉપર ચીઝ ખમણી અને શેકેલી બ્રેડ સાથે પ્લેટ તમારા હાથમાં.
અહીં તમે જાઓ અને થોડી ભીડ મળે તો પણ ચિંતા કરશો નહીં, કારણ કે દર મિનિટે અહીં ગરમા-ગરમ પુડલા બને છે એટલે તમારે વધારે સમય સુધી રાહ નહીં જોવી પડે અને ગણતરીની મિનિટોમાં જ તમે આ પુડલાનો સ્વાદ માણતા હશો.
ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં સ્ટૉલના માલિક સચિન ગુપ્તા કહે છે કે “અમે લગભગ 30 વર્ષથી અહીં લોકોને ગરમા-ગરમ પુડલા બનાવીએ છીએ. મારા દાદાજીએ આ સ્ટૉલ શરૂ કર્યો હતો અને હવે હું તેમનો આ સ્વાદિષ્ટ વારસો આગળ વધારું છું.”
તક મળે ત્યારે અહીં નાસ્તો કરવા પહોંચી જતાં પ્રીતિ ચાવલા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાતચીતમાં જણાવે છે કે “મુંબઈમાં અને ખાસ કરીને પરાંમાં તો પુડલા મળતા જ નથી. હા, સાઉથ બોમ્બેમાં મળે છે. હું વિરાર રહું છું અને જ્યારે પણ બોરીવલી આવું ત્યારે અચૂક અહીં તો નાસ્તો કરવા આવું જ છું. ગુજરાતીઓએ આ પુડલા ખાસ ચાખવા જેવા છે.”
આ પણ વાંચો: Sunday Snacks: વેલેન્ટાઇન સાથે જવું છે પૉકેટ ફ્રેન્ડલી ડેટ પર?તો પહોંચી આ કૅફેમાં
તો હવે રાહ કોની જુઓ છો? ફટાફટ બનાવો અહીં પહોંચી જવાનો પ્લાન. આપણે ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.