03 June, 2023 12:25 PM IST | Mumbai | Karan Negandhi
ફૂડમૂડના ફલાફલ
વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.
ઉનાળાની કાળઝાળ ગરમી સહન કર્યા બાદ આખરે હવે જૂન મહિનો શરૂ થઈ ગયો છે. આખી સિઝન કેરી અને રસપૂરીની મજા માણ્યા બાદ મુંબઈગરા હવે ‘આવ રે વરસાદ’ ગાવા તૈયાર છે. પહેલો વરસાદ વાતાવરણમાં ઠંડક અને ભીની માટીની સુગંધ તો ફેલાવશે, પણ તમારા પેટમાં રહેલા જઠરાગ્નિને શાંત કરવા ભજિયાનો પ્રસાદ પણ ચડાવવો પડશે. જોકે, તમારે ચિંતા કરવાની જરૂર નથી. આ સ્વાદિષ્ટ પ્રસાદ લેવા તમારે રખડવાની પણ જરૂર નથી, તમારું આ કામ અમે સહેલું કરી આપ્યું છે.
ભજિયાની શોધમાં એમ નીકળ્યા ત્યારે મલાડ વેસ્ટ (Malad West)માં અમારી નજર સ્થિર થઈ ફલાફલ (Falafel)ના સ્ટૉલ પર. ફાઇન-ડાઇન રેસ્ટોરાંમાં મળતી આ આઈટમ સ્ટૉલ પર જોઈને પહેલાં તો અચંબો થયો, પછી ચાખ્યા તો મજા પડી ગઈ. ફલાફલની જ્યાફત ઉડાવવા તમારે જવું પડશે મલાડ – મિલાપ પાસે. અહીયાં પેટ્રોલ પંપની બાજુમાં જે ગલી છે, તેમાં પહેલો જ સ્ટૉલ ફલાફલનો છે, નામ છે ફૂડમૂડ (Food Mood).
ફલાફલ મેડિટેરેનિયન વાનગી છે. પીસેલા કાબુલી ચણામાં મસાલો નાખી તેની બુલેટ્સ અથવા પેટીસ બનાવી ડીપ-ફ્રાઈ કરવામાં આવે છે. મગની દાળના અને ચણાની દાળના ભજિયાં બને છે તે જ રીતે સાદી ભાષામાં આ કાબુલી ચણાના ભજિયાં છે. બેસ્ટ વાત એ છે કે ફલાફલ તૈયાર મળતા નથી. ઑર્ડર આપો પછી ગરમા-ગરમ બને છે. એક પ્લેટમાં પાંચ ફલાફલ મળે છે, જે નાસ્તા માટે પરફેક્ટ છે. ફલાફલ સર્વ થાય છે હમસ સાથે, પણ જો તમારે થોડો ટેસ્ટી ટ્વિસ્ટ જોઈતો હોય તો તમે ગાર્લિક ટાઈની સાથે ટ્રાય કરજો.
વરસતા વરસાદમાં ગરમાગરમ ફલાફલ ખાશો એટલે સ્વાદેન્દ્રિય અને આત્મા બંને તૃપ્ત થઈ જશે. ફલાફલ સાથે અહીં સલાડ અને ફલાફલ રૅપ પણ મળે છે. એટલે હવે જો એસ.વી. રોડ પરથી આ તરફ નીકળો તો રસ્તામાં અહીં બ્રેક લઈને ફલાફલનો સ્વાદ અચૂક માણજો.
ફૂડમૂડના સ્ટૉલ પર કામ કરતાં અજય ગુપ્તાએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં કહ્યું કે, “સાંજે ૫ વાગ્યાથી રાત્રે ૧૧ વાગ્યા સુધી અમારો સ્ટૉલ ખુલ્લો હોય છે. રેસ્ટોરાંમાં મળતી મોંઘીડાટ આઈટમનો સ્વાદ લોકો સુધી પહોંચાડવા અમે આ સ્ટૉલ શરૂ કર્યો હતો અને તેમાં સફળતા પણ મળી છે.”
આ પણ વાંચો: Sunday Snacks: કોલકાતાના પુચકા ખાશો તો પાણીપુરી ભૂલી જશો – પાક્કું!
તો મેઘરાજ તેમની સવારી પર આવી પહોંચે તે પહેલા તમે અહીં પહોંચી જજો. તો આ રવિવારે જરૂર જજો પુચકા ખાવા. આપણે ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.