10 February, 2024 12:01 PM IST | Mumbai | Karan Negandhi
તસવીરો: લૉર્ડ્સ કૅફે
વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.
‘મેં તો રસ્તે સે જા રહા થા, મેં તો ભેલપુરી ખા રહા થા...’ ગોવિંદા અને કરિશ્મા કપૂરના આ સુપર હિટ ગીતમાં મુંબઈની ભેળપુરી (Sunday Snacks) એવી રોમેન્ટિકલી વણી લેવામાં આવી છે કે કોઈને પણ પાર્ટનર સાથે ભેળપુરી ખાવાની ઈચ્છા થઈ જાય. વળી પાછો ફેબ્રુઆરી મહિનો અને એમાં પણ ખાસ વેલેન્ટાઇન વીક ચાલી રહ્યું છે, ત્યારે આજે અમે તમારા માટે એક એવી જગ્યા લઈને આવ્યા છીએ, જ્યાં ભેળપુરી (ચાટ) અને વેલેન્ટાઇન વીક બંને ઑફર તમને મળશે.
ગોરેગાંવ (Goregaon) વેસ્ટમાં સ્ટેશનથી બે મિનિટના અંતરે બરાબર ટોપીવાલા મૉલની સામે આવેલું છે લોર્ડ્સ કૅફે (Lord’s Cafe). અહીં તમને પીત્ઝા-પાસ્તાથી લઈને શૅક્સ બધુ જ મળશે. આ સાથે જ પાણીપુરી, ભેળ, દહીંપુરી, રગડાપુરી, સેવપુરી, કચોરી ચાટ અને સમોસા ચાટ બધી જ ચાટ આઈટમ મળશે એ પણ અનલિમિટેડ ઑફર સાથે. આ જગ્યાએ તમને માત્ર ૫૦ રૂપિયામાં અનલિમિટેડ પાણીપુરી મળશે અને જો તમારે બધી જ ચાટ અનલિમિટેડ જોઈતી હોય તો એના માટે તમારે માત્ર ૧૪૯ રૂપિયા ચૂકવવા પડશે.
‘ચેરી ઑન ધ કેક’ છે અહીંની વેલેન્ટાઇન ઑફર. અહીં તમે નાસ્તો કરીને સોના અથવા ચાંદીના સિક્કા જીતવાની તક પણ જીતી શકો છો. આટલી બધી ઑફર છે એટલે થોડી ભીડ તો રહેવાની પણ, ચાટ માટે ચાલે. અહીં તમને બધી જ ચાટ અનલિમિટેડ મળશે, પણ હા શેરિંગ કરી શકાશે નહીં. અહીં તમને ઇનડોર એસી સિટિંગ અને આઉટડોર સિટિંગ પણ મળશે. એટલે આરામથી બેસીને તમે આ બધી જ વાનગીઓનો સ્વાદ માણી શકો છો.
હવે વાત સ્વાદની. કોઈપણ ચાટની ઓળખ તેની ચટણીઓ છે અને અહીંની ચટણીઓ અફલાતૂન છે. એટલે તમે કોઈપણ ચાટ ઑર્ડર કરશો તો તમને મજા જ આવશે. પ્લસ અહીં ચાટ સર્વ કરવાની રીત પણ સરસ છે. ગમે તે ચાટ હોય તેની ઉપર સેવ, કોથમીર અને દાડમ નાખીને ગાર્નિશ કરવામાં આવે છે એટલે જોઈને જ મોઢામાં પાણી આવી જાય.
સ્વાદ ઉપરાંત અહીં હાઇજિનનું પણ એટલું જ ધ્યાન રાખવામાં આવે છે, જેને કારણે આ જગ્યા ‘મસ્ટ વિઝિટ’ બની જાય છે.
તો હવે આ રવિવારે તમારા વેલેન્ટાઇન સાથે વેલેન્ટાઇન વીકને ખાસ બનાવજો. આપણે ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.