Sunday Snacks: નાશિકના ફેમસ ઉલ્ટા વડાપાઉં ખાવા હોય તો પહોંચી જાઓ અહીં

28 January, 2023 12:51 PM IST  |  Mumbai | Karan Negandhi

આજે ટ્રાય કરો ભાઈંદરનું સ્પેશિયલ ઉલ્ટા વડાપાઉં

વડાપાઉં હબ

વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.

વડાપાઉં’નું નામ સાંભળીને હરખાતા મુંબઈગરાને ભૂખ ન લાગી હોય તો પણ હાલતા-ચાલતા વડાપાઉં ખાવા તો જોઈએ જ. એક ખૂબ જ જૂના અંદાજ મુજબ મુંબઈમાં દરરોજ લગભગ ૨ લાખ વડાપાઉં વેચાય છે, અત્યારે આ આંકડો બમણો હોય તો પણ નવાઈ નહીં. દરેક જગ્યાએ વડાપાઉંની હવે અઢળક અવનવી વેરાયટી મળે છે. વડાપાઉંની આવી જ એક એકદમ જુદી વેરાયટીનું નામ છે ઉલ્ટા વડાપાઉં.

ઉલ્ટા વડાપાઉં એ નાશિકની પૉપ્યુલર આઈટમ છે. મુંબઈની જેમ જ નાશિકમાં પણ લોકો ચાની ચૂસકી સાથે તેનો સ્વાદ માણે છે. એવું કહેવામાં અતિશયોક્તિ નથી કે નાશિકમાં ક્લાસિક વડાપાઉં કરતાં ઉલ્ટા વડાપાઉં વધુ લોકપ્રિય છે. એક રીતે આ વાનગી બ્રેડ કટલેટ જેવી જ છે, જેમાં પાઉંમાં વડાની જગ્યાએ બટેટાનો મસાલેદાર માવો મૂકીને પછી તે આખા પાઉંને ચણાના લોટના બેટરમાં ડૂબાડી અને તળાવમાં આવે છે.

મુંબઈમાં આ આઈટમ હજી પૉપ્યુલર નથી છતાં ઘણી જગ્યાએ મળે છે. તો ઇન્સ્ટાગ્રામ થકી જાણીતી બનેલી આ આઈટમનો સ્વાદ માણવા અમે પહોંચી ગયા ભાઇંદર (Bhayandar)ના ‘વડાપાઉં હબ’ (Vada Pav Hub)માં. ભાઇંદર વેસ્ટમાં ખાઉગલી નજીક આવેલી આ દુકાનમાં ઉલ્ટા વડાપાઉં તો મળે જ છે, સાથે વડાપાઉંની પણ ૫-૭ વેરાયટી મળે છે. ખાસ વાત એ છે કે અહીં ઉલ્ટા વડાપાઉં બનાવીને રાખવામાં આવતા નથી. ઑર્ડર આપો પછી જ ગરમા-ગરમ બનાવવામાં આવે છે.

પહેલાં પાઉંમાં ચટણી લગાવી બ્રેડ કટલેટ પર લગાવવામાં આવે એ રીતે વડાનો મસાલો મૂકી થોડા સમારેલા કાંદા નાખવામાં આવે. પછી આ પાઉંને ચણાના લોટના બેટરમાં ડીપ કરી તળવામાં આવે અને લો થઈ ગયું આ ઊંધું વડાપાઉં તૈયાર. રેગ્યુલર વડાપાઉં કરતાં તેનો ટેસ્ટ જુદો તો છે જ પણ મૂળ મસાલો એક જ હોવાથી બહુ મોટો તફાવત વર્તાશે નહીં. હા, ટ્રાય કરવા જેવું તો જરૂર.

ગિરીશ સિંગલા

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં વડાપાઉં હબના ઑનર અને મૂળ પોરબંદરના વતની ગિરીશ સિંગલા કહે છે કે “અમે ૧૦ વર્ષ પહેલાં આ દુકાન શરૂ કરી હતી. અમારો ટેસ્ટ અને સમય સાથે ઉમેરાતી વડાપાઉંની વેરાયટી એ જ અમારી વિશેષતા છે.”

નિશા જૈન, નેહા જૈન અને પ્રીત મોદી

અહીં અવારનવાર વડાપાઉં ઝાપટવા આવતા નિશા જૈન અને તેના મિત્રો કહે છે કે “અમે કૉલેજથી ઘરે જતાં અચૂક અહીં નાસ્તો કરવા ઊભા રહીએ છીએ. અમારા મતે અંકલે શહેરની કૉલેજોની આજુબાજુ પણ તેમનું આઉટલેટ શરૂ કરવું જોઈએ. લોકોને તેમનો ટેસ્ટ ખૂબ ગમશે.

આ પણ વાંચો: Sunday Snacks: આ સાઉથ ઇન્ડિયન હૉટેલનું મિસળ ખાવા લાગે છે લોકોની લાંબી લાઈનો

તો હવે આ તમે પણ સીધા પહોંચી જજો આ ઊંધું વડાપાઉં ટ્રાય કરવા. ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.

life and style Gujarati food mumbai food indian food sunday snacks bhayander karan negandhi