04 February, 2023 11:49 AM IST | Mumbai | Karan Negandhi
માય કચોરી
વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.
ગુજરાતનું પાડોશી રાજ્ય રાજસ્થાન અદ્ભુત ખાણી-પીણીના ઝાયકા માટે જાણીતું છે, જેમ મુંબઈમાં નાસ્તાની શરૂઆત વડા-સમોસા સાથે થાય છે. સુરતમાં નાસ્તાનું નામ આવતા જ લોકોને ખમણ-લોચો યાદ આવે છે – તે જ રીતે મેડિકલ સ્ટુડન્ટ્સ માટે સપનાં શહેર ગણાતાં રાજસ્થાનનાં કોટા શહેરમાં નાસ્તાની શરૂઆત થાય છે કચોરી સાથે. મુંબઈમાં દહીં સાથે ખવાતી કચોરી અહીં લોકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓ ચટણી સાથે ખાવાનું પસંદ કરે છે. દહીં કચોરીનો કૉન્સેપ્ટ ત્યાં પોપ્યુલર નથી. હવે જો તમને પણ કચોરી વાંચીને મોઢામાં પાણી આવી જ ગયું હોય તો તમને જણાવીએ કે આ આઈટમ તમને મુંબઈમાં ક્યાં મળશે.
ભાઇંદર વેસ્ટ (Bhayandar)માં સ્ટેશન રોડ પર એક એવી જગ્યા આવેલી છે જ્યાં કોટાના સ્વાદની જ કચોરી મળે છે. જગ્યાનું નામ છે ‘માય કચોરી’ (My Kachori Bhayandar) જે પીરસે છે કોટાની ગરમા-ગરમ ક્રિસ્પી કચોરી. અહીંની ખાસ વાત એ છે કે અહીં માત્રને માત્ર બે જ વસ્તુ મળે છે એક દાળકચોરી અને બીજું પ્યાઝ કચોરી. મુંબઈમાં વડાપાઉંના તો અઢળક સ્ટૉલ અને દુકાનો છે, પણ કચોરીની સ્પેશિયલ આ રીતની સ્પેશિયલ મુંબઈમાં મળવી રેર છે.
અહીં સામાન્ય દિવસે લગભગ ૪૦૦ કચોરીઓ વેચાય છે, જ્યારે તહેવારોના દિવસોમાં આ આંકડો ૮૦૦-૧૦૦૦ સુધી પહોંચી જાય છે. અમે તો અહીંની બંને કચોરી ટ્રાય કરી અને ખરેખર ખૂબ મજા પડી ગઈ. પ્યાઝ કચોરીમાં અંદર પૂરાં તો બટેટાંનું જ હોય ફરક એટલો કે તેમાં થોડા કાંદા હોય. અહીંના પૂરણનો ટેસ્ટ તો મજેદાર છે જ પણ સાથે કચોરીનું પડ પણ એકદમ ક્રિસ્પી છે એટલે મજા બમણી થઈ જાય છે.
હવે, દાળકચોરીની વાત કરીએ તો તેનો મસાલો એકદમ ચઢિયાતો છે એટલે લાંબા સામે સુધી મોઢામાં તેનો સ્વાદ રહી જાય તો નવાઈ નહીં. ગરમા-ગરમ કચોરી ફૂદીનાની ચટણીમાં ઝબોળીને ઝાપટશો તો જ રાજસ્થાનનો ઝાયકો સમજાશે.
ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં માય કચોરીના મેનેજર સુનિલ શર્મા કહે છે કે “કોટાની કચોરીનો અસલ સ્વાદ જોઈતો હોય તો મસાલા પણ ત્યાંનાં જ જોઈએ. અમે જે મસાલા વાપરીએ છીએ તેની તોલે આવે તેવા મસાલા તો મુંબઈમાં મળતા જ નહીં. અમે ખાસ મસાલા તો ત્યાંથી જ મગાવીએ છીએ.”
ભાઇંદરમાં રહેતા આશિષ અગ્રવાલ કહે છે કે “કોઈ મને પૂછે કે ભાઇંદરમાં બેસ્ટ ફૂડ ક્યાં મળે છે તો મારા લિસ્ટમાં માય કચોરી નામ જરૂર આવે. કચોરી લવર્સ માટે આ જગ્યા બેસ્ટ છે એમ કહેવામાં કંઈ ખોટું નથી.”
આ પણ વાંચો: Sunday Snacks: નાશિકના ફેમસ ઉલ્ટા વડાપાઉં ખાવા હોય તો પહોંચી જાઓ અહીં
તો હવે આ રાજસ્થાની નાસ્તો થઈ જાય. ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.