21 October, 2023 10:55 AM IST | Mumbai | Karan Negandhi
છોલે સમોસા
વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.
‘છોલે સમોસા’નું નામ પડતાં જ મુંબઈગરાને પહેલી જગ્યા યાદ કોઈ યાદ આવે તો એ છે સાયનનું ગુરુકૃપા. દાયકાઓથી અહીં મળતા છોલે સમોસા અને વિવિધ પકવાન લોકોની દાઢે એવા વળગ્યાં છે કે કોઈપણ દિવસે, કોઈપણ સમયે અહીં તમને ભીડ જોવા મળશે જ, પણ જો તમે વેસ્ટર્ન લાઇનમાં રહેતા હો અને સ્વાદિષ્ટ છોલે સમોસાનો સ્વાદ માણવો હોય તો અમે તમારા માટે મકાબોમાં એક એવી જગ્યા શોધી છે, જ્યાં પાંચ દાયકાથી આ વાનગી પીરસાય છે.
મલાડ પશ્ચિમ (Malad West)માં એસવી રોડ પર ગોરેગાંવ તરફ જતાં રસ્તામાં જ તમને બ્રિજવાસી (Brijwasi)નું આઉટલેટ મળી જશે. આ જગ્યા સમોસા, છોલે સમોસા, ફાફડા જલેબી, લસ્સી અને તેમની જુદી-જુદી વેરાયટીના ઢોકળા માટે જાણીતી છે. બ્રિજવાસીના ત્રણ આઉટલેટ છે અને આ તેમનું પહેલું વર્ષ ૧૯૭૨માં શરૂ થયેલું પહેલું આઉટલેટ છે અને ત્યારથી જ ફરસાણ અને મિષ્ઠાન્ન માટે મલાડમાં રહેતા લોકોની ફેવરેટ બની ગઈ છે.
હવે વાત છોલે સમોસાની – પહેલાં ગરમા-ગરમ સમોસાના ટુકડા કરી તેમાં તીખી-મીઠી ચટણી ઉમેરી ઉપરથી મસાલેદાર છોલે નાખી – કાંદા, સેવ અને કોથમીર ભભરાવીને પ્લેટ તમારા હાથમાં. પ્લેટમાં રહેલા છોલેની સુગંધ અને તેનો કલર જોઈને તમારા મોઢામાં પાણી ન આવે એવું તો શક્ય જ નહીં. આ રસાળ છોલે સમોસાનું પહેલું બાઇટ તમે લો એટલે પહેલો શબ્દ નીકળે ‘વાહ’. ખરેખર છોલે અને સમોસા બંને વસ્તુનો સ્વાદ વખાણવા લાયક છે. સમોસાનું પડ એટલું ક્રિસ્પી હોય છે કે ચટણી અને છોલે ઉપર નાખ્યા પછી પણ તરત સૉફ્ટ થતું નથી.
અમે તો આ જગ્યાએ કેસર લસ્સી પણ ટ્રાય કરી. તેની પણ એક નહીં બે ખાસિયત એક તો અહીં લસ્સીમાં સાકરનું પ્રમાણ એકદમ માપમાં હોય છે એટલે ડાયાબિટીઝ હોય તેવા લોકો પણ ખૂબ જ પ્રેમથી તેનો સ્વાદ માણી શકે છે અને બીજી એ કે લસ્સીમાં ઉપરથી ભરપૂર ડ્રાયફ્રૂટ્સ નાખવામાં આવે છે. જો છોલે સમોસાં તમને તીખા લાગે તો તેની ઉપર તમે આ મીઠી લસ્સીની મજા માણી શકો છો.
બ્રિજવાસીના મલાડ સહિત ગોરેગાંવમાં પણ બે આઉટલેટ છે. તો આ સવિવારે જલેબી-ફાફડા લેવા જો તો સાથે છોલે સમોસાની જ્યાફત ઉડાવવાનું ચૂકતા નહીં. આપણે ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.