27 January, 2024 05:01 PM IST | Mumbai | Karan Negandhi
ઓમ સાંઈ ઢોસાનો ચીઝ ચીલી ઢોસો
વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.
વર્ષ ૨૦૨૪નો જાન્યુઆરી મહિનો પૂરો થવા આવ્યો છે. મહિનાનું આ છેલ્લું વીકઍન્ડ છે અને સમય થઈ ગયો છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks)નો. આ વખતની જગ્યા અમને અમારા ફૂડી વાચક મિત્રે સૂચવી છે. કાંદિવલી ઈસ્ટના ઠાકુર વિલેજ વિસ્તારમાં રહેતા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમના વાચક હાર્દિક શાહે અમને બતાવ્યો એક એવો સ્ટૉલ જ્યાં ઢોસા ખાવા માટે લોકો પડાપડી કરે છે.
ઠાકુર વિલેજ (Thakur Village)માં ઠાકુર મૉલની બરાબર સામે આવેલો ‘ઓમ સાંઈ ઢોસા’ (Om Sai Dosa)નો સ્ટૉલ હંમેશા ગ્રાહકોથી ઘેરાયેલો હોય છે. રજાને દિવસે ભૂલથી તમે આ સ્ટૉલ દૂરથી જુઓ તો પહેલી નજરે તો રાડો થયો હોય એવું જ લાગે, જોક્સ અપાર્ટ પણ એ વાત ખોટી નથી કે અહીંના ઢોસા ખાવા માટે લોકો પડાપડી કરે છે. અહીં એટલી ભીડ હોય છે કે લોઢી ક્યારેય બંધ થતી નથી – સતત સ્વાદિષ્ટ ઢોસા બનતા જ રહે છે.
અહીં તમને ઢોસાની ૧૦૦થી વધારે વેરાયટી મળી જશે. ટીપકલ રેડ ગ્રેવીવાળા જ નહીં, પણ અહીં તમને વ્હાઇટ ગ્રેવી અને ગ્રીન ગ્રેવીવાળા ઢોસા પણ મળશે. અહીં ત્રણ-ચાર ઢોસા ખાવાનું લોકો ખૂબ પસંદ કરે છે દિલખુશ, કોલ્હાપુરી, જીની અને ચીઝ ચીલી. તમને ગમતા ટેસ્ટ મુજબના ઢોસા તમે સિલેકટ કરી શકો છો. અમે તો અમારા વાચક મિત્રનો ફેવરેટ ચીઝ ચીલી ઢોસો ટ્રાય કર્યો.
ગરમ તવા પર ઢોસાનું ખીરું પાથરી ઉપરથી બટર લગાવી – વેજિટેબલ્સ અને બીજા મસાલા નાખી ગ્રેવી બનાવવાની શરૂઆત થાય. વેજિટેબલ્સને બરાબર મેશ કરી ઉપરથી સૉસિઝ અને ચીઝ નાખી મિક્સ કરીએ એટલે સ્વાદિષ્ટ ગ્રેવી તૈયાર - ક્રિસ્પી ઢોસો - કોપરાની વ્હાઇટ ચટણી અને લસણવાળી લીલી ચટણી સાથે પ્લેટ તમારી ખિદમદમાં હાજર.
અહીંની ગ્રેવીની ફ્લેવર તો સરસ છે જ પણ સાથે-સાથે ક્રિસ્પી ઢોસો પ્લસ પૉઇન્ટ છે. બે જણ વચ્ચે ૧ ઢોસો પૂરતો છે, કારણ કે ક્વોન્ટિટી ખૂબ જ સારી છે.
અહીં અવારનવાર પેટપૂજા કરવા આવતા હાર્દિક શાહે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને કહ્યું કે, “જ્યારે પણ ઢોસા ખાવાની ઈચ્છા થાય ત્યારે હું અહીં જ આવવાનું પસંદ કરું છું. મને અહીંનો ચીઝ ચીલી, જીની અને મૈસૂર મસાલો ઢોસો ખૂબ ભાવે છે.”
ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમએ સ્ટૉલના માલિકનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પણ તેમની તરફથી જવાબ મળ્યો નથી.
તો હવે આ રવિવારે અહીંના ઢોસા ખાવા જરૂર જજો. આપણે ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.